Survey on Punishment of Rap By Dr. Dimpal Ramani & Komal Kanani, Komal Vaghmashi

બળાત્કારીઓને સજા કેવી હોવી જોઈએ? સર્વે

 

ડૉ.ડિમ્પલ રામાણી (આસી.પ્રોફેસર ,મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

વાઘમશી કોમલ અને કાનાણી કોમલ (સેમ -૩,મનોવિજ્ઞાન ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

 

આપણા દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે બળાત્કારના શરમજનક સમાચાર સામે આવે છે. વર્ષોથી જ્યાં સ્ત્રીઓનું શોષણ થઇ રહ્યું છે ત્યારે સ્ત્રી પ્રત્યેની સંવેદનાઓ સમાજમાં દિન પ્રતિદિન ઘટતી જાય છે.માટે જ સ્ત્રીઓએ અવાર નવાર બળાત્કાર જેવા અધમ કૃત્યોનો સામનો કરવો પડતો હશે. રાજ્યમાં અનેક બળાત્કાર તેમજ શારીરિક શોષણના બનાવો વધી રહ્યા છે.દિલ્હીમાં નિર્ભયા કાંડહાથરસ નો મનીષા કાંડ  તેમજ અનેક એવા બળાત્કારના કેસોના પડઘા આખા દેશમાં પડ્યા છે તેમ છતાંય આવા હેવાનો માસુમ મહિલા,યુવતી તેમજ બાળકીઓને પોતાના હવસનો શિકાર બનાવે છે.આવા બળાત્કારીઓ કાયદાકીય રમત રમીને પુરાવાના અભાવે છૂટી જાય છે જેના કારણે ભોગ બનનારને ન્યાય મળતો નથી ન્યાય મળે અને બળાત્કારી જેલના સળિયા પાછળ ધકેલાય તે માટે ભોગ બનનારને પુરતી સતર્કતા રાખવી અનિવાર્ય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બળાત્કાર વિષે લોકો શું મંતવ્ય ધરાવે છે તે હેતુને ધ્યાનમાં લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. અહી આ સર્વેમાં ૧૩૨૪ વ્યક્તિઓના મંતવ્યો લેવામાં આવ્યા છે.આ સર્વેમાં જોવા મળેલ પ્રતીચારો કે મંતવ્યો ગૂગલ ફોર્મ ભરાવીને મેળવ્યા હતા જેના પ્રાપ્ત પ્રતીચારો આ પ્રમાણે છે.

૪૨.૭% લોકો જાતીય વિકૃતિને બળાત્કારનું કારણ મને છે, ૧૮% વ્યક્તિની શારીરિક જરૂરિયાતને કારણે બળાત્કાર થાય છે એમ માને છે , ૨૮.૮% નશાને કારણે બળાત્કાર થાય છે જયારે ૧૦.૫ % લોકોનું  કહેવું છે ટૂંકા કપડા પહેરવા, વધુ પડતી સ્વતંત્રતા અને જાતીય આવેગમાં નિયંત્રણની ખામીને કારણે બળાત્કાર થાય છે.

 *તમારા મતે બળાત્કાર કરનાર માટે કઈ સજા યોગ્ય છે ?*

૮૨.૪% લોકો જણાવે છે કે બળાત્કારી માટે મોતની સજા જ હોવી જોઈએ જયારે ૧૭.૬% લોકો જણાવે છે કે બળાત્કાર કરનાર માટે જન્મટીપ જેલની સજા હોવી જોઈએ.

*તમારા મત મુજબ બળાત્કાર થવા પાછળ કોણ કોણ જવાબદાર છે ?*

લોકોના કહેવા અનુસાર ૨૬.૩% સમાજ,૨૬.૬% નિરક્ષરતા, ૨૪.૫ % કાયદો અને ૨૨.૬% સ્ત્રીને જે નિમ્ન કક્ષાની અને અબળા માનવામાં આવે છે તે કારણ પણ જવાબદાર હોય છે.

*તમારા દ્રષ્ટિકોણ મુજબ સ્ત્રી અવતાર એ પાપ છે ?*

૯૬.૯ % લોકો જણાવે છે કે ના સ્ત્રી અવતાર એ પાપ નથી  અને ૩.૧% લોકો કહે છે હા સ્ત્રી અવતાર એ પાપ છે માટે જ અમારે આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

*વાસ્તવમાં શું બળાત્કારનો ભોગ બનનારને ન્યાય મળી રહ્યો છે કે કેમ ?*

૬૭.૯૧ % લોકો કહે છે કે ના કોઈપણ પ્રકારનો ન્યાય મળતો નથી, ૨૯.૧ % આ બાબતે કહી ન શકાય કેમ કે કાયદો ક્યારે શું પરિણામ આપે ? ૩% લોકો જણાવે છે કે હા ન્યાય મળે છે.

*તમારા મતે બળાત્કારની ઘટના પહેલા સંકેતો મળતા હોય છે ?*

લોકોના કહેવા અનુસાર ૬૩.૫% ના અને ૩૬.૫% હા જણાવે છે.

*બળાત્કાર જેવી ઘટના સાંભળ્યા પછી એકલા મુસાફરી કરતાં તમે ડર અનુભવો છો ?*

હા, ૭૧.૮% લોકો આ વાત સાંભળ્યા પછી મુસાફરી કરતા ડર અનુભવે છે જયારે ૨૮.૨% લોકોને આવી વાત સાંભળ્યા પછી પણ મુસાફરી કરતા ડર લાગતો નથી.

*તમારા મત મુજબ બળાત્કાર અટકાવવા શું કરી શકાય ?*

લોકોના મત મુજબ ૪૪.૩% જાતીય બાબતની યોગ્ય સમજણ આપવી,૨૧.૧ % અભ્યાસક્રમમાં જાતીય શિક્ષણ જેવા મુદાઓનો સમાવેશ કરવો, ૧૬.૪% ઘર- પરિવાર તરફથી લાગણી અને હુંફ આપવા,૧૨.૧ % લોકો કહેછે આ સંદર્ભમાં શિક્ષણનું પ્રમાણ વધારવું જોઈએ જયારે ૬.૧ % લોકો કહે છે કે આવી  ઘટના ઘટ્યા પછી પોલીસને જાણ કરવી જોઈએ.

તમારા મંતવ્ય અનુસાર પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે દરેક સ્ત્રીએ પોતાની સાથે કોઈને કોઈ સાધન રાખવું જોઈએ ?

૭૮.૯% લોકો કહે છે કે હા સ્ત્રીઓએ પોતાની સાવચેતી હેતુ કોઈ સાધનનું હોવું જરૂરી છે, ૧૭.૩% લોકો કહે છે  એવી કોઈ જરૂર નહિ ,૩.૮% લોકો જણાવે છે કે ના ન રાખવા જોઈએ.

*તમારા મતે નાનપણથી સ્ત્રીઓને જુડો - કરાટા જેવી તાલીમ આપવી જોઈએ ?*

૯૭.૫% લોકો હા કહે છે જેથી બળાત્કાર જેવી ઘટના દરમિયાન દરેક સ્ત્રીઓ  પોતાની જાત માટે લડી શકે જયારે ૨.૫ % લોકો કહે છે ના આવી કોઈ તાલીમની જરૂર નથી.

*તમારા મતે કઈ અવસ્થા દરમિયાન વ્યક્તિ વધુ પડતાં બળાત્કાર તરફ આકર્ષાય છે ?*

લોકોના મંતવ્ય મુજબ ૫૫.૧% યુવાવસ્થા દરમ્યાન, ૨૧.૭% કિશોરાવસ્થા દરમ્યાન, ૧૮.૬% પુખ્તાવસ્થા દરમ્યાન અને ૪.૬% વૃધાવસ્થા દરમ્યાન વ્યક્તિ વધુ પડતા બળાત્કાર તરફ આકર્ષાય છે.

*તમારી દ્રષ્ટિએ બળાત્કારને ઉતેજન આપતા માધ્યમો ક્યાં ક્યાં છે ?*

લોકોના જણાવ્યા મુજબ ૧૮.૯% લોકો જણાવે છે કે પોર્ન મુવી જયારે ૮૧.૧ % લોકો જણાવે છે કે ચલચિત્રો, ટીવી સીરીયલ, વિવિધ ટેકનોલોજી સાધનો જેવા માધ્યમો બળાત્કારને ઉતેજન આપે છે.

આપણાં દેશમાં બળાત્કારની ઘટના દિન-પ્રતિદિન વધતી જાય છે તો તેના માટે કેવા પગલાં લેવા જોઈએ ?

કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.

Attempt to murder case

સમજણ શક્તિના વિકાસનો અભાવ જોવા મળે છે.

આવી ઘટના પાછળ લોકોને જાગૃત કરવા જોઈએ અને બળાત્કારીને મૃત્યુદંડ આપવો જોઈએ.

જાતીય શિક્ષણ આપવું જરૂરી છે.

ગુનેગારને તડપાવીને મારવો જોઈએ જેથી સ્ત્રી વેદનાને ઓળખી શકે.

બળાત્કારને અટકાવવા માટે સ્ત્રીઓને પુરતી સગવડો આપવી જોઈએ.

આવી ઘટના ઘટે ત્યારે છોકરી સાથે પરિવાર અને સમાજે જાનવર જેવું વર્તન કરવું જોઈએ નહિ. પરંતુ તે છોકરીનો સ્વીકાર કરી તેને ન્યાય અપાવવો જોઈએ કારણકે આવા બનાવ પાછળ છોકરીઓને જ ગુનેગાર માનવામાં આવે છે.

નાનપણથી જ જાતીય બાબતની સમજણ આપો.

આપણા સમાજના ઉછેરમાં છોકરા છોકરીઓને સાચું માર્ગદર્શન આપવું જોઈએ.

જેવા સંસ્કાર છોકરીઓને આપવામાં આવે એવા સંસ્કાર છોકરાને આપવામાં આવે. તે પુરુષની જાત છે એ આમ જ કરે એવા શબ્દોનો ઉપયોગ કરીને પ્રોત્સાહન આપવું જોઈએ નહિ.

બળાત્કાર જેવી ઘટના ઘટ્યા પછી યોગ્ય સમયે પોલીસની મદદ લેવી અથવા જાણ કરવી જોઈએ.

બળાત્કારીઓને મળતું રાજકીય રક્ષણ હટાવી તાત્કાલિક સજાની સુનાવણી કરવી જોઈએ.

લોકોની માનસિકતા બદલાવવાની જરૂર છે,કારણકે મોટી મોટી વાતો તો સૌ કરે પરંતુ જયારે આવી કોઈ ઘટના ઘટે ત્યારે બધા કાયદા કાનુન ભૂલી જાય છે.

છોકરીઓને પાવરફુલ તાલીમ આપવી જોઈએ અથવા જાતીય શિક્ષણ અંગે જાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.

બળાત્કાર જેવી ઘટનાને મામુલી સમજવી જોઈએ નહિ. આવા કૃત્ય માટે કાયદા વધુ સખત બનાવવા જોઈએ,ત્યાં સુધી કે આવા લોકોના મનમાં ડર પેસી જવો જોઈએ.

માનસિક વિકૃતિ પેદા કરતા માધ્યમોને સરકારે બંધ કરવા જોઈએ.

માતાપિતાએ પોતાની દીકરીને દબાવમાં ન રાખતા પોતાના દીકરાને યોગ્ય સંસ્કાર અને સમજણ આપવી જોઈએ,જેથી તે સ્ત્રીઓની ઈજ્જત કરી શકે.

આપણા સમાજમાં ઘણો બદલાવ લાવવો જરૂરી છે.

જેટલું માન પુરુષોને મળે છે તેટલું જ માન સન્માન  સ્ત્રીઓને પણ આપવું જોઈએ.

દરેક છોકરીઓને નાનપણથી જ જુડો- કરાટા જેવી તાલીમ આપવી જોઈએ જેથી પોતાનું રક્ષણ જાતે કરી શકે.

બળાત્કારીઓ સમક્ષ સરકાર તેમજ સમાજનો ખૌફ ઉભો થાય તેવુ કાયદાકીય વાતાવરણ ઉભુ કરવુ જોઈએ.......તે ઉપરાંત બળાત્કાર કરનાર કે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરનાર માટે સજા એ મોત " એ નિયમ તો નકકી જ હોવો જોઈએ....ઉપરાંત બળાત્કારી ને જે સજા આપવામાં આવે એનુ લાઇવ પ્રસારણ લોકો સમક્ષ રજૂ થવુ જોઈએ.

વ્યક્તિને પોતાના પરિવાર તરફથી યોગ્ય સમયે પુરતો પ્રેમ અને લાગણી મળી રહે તેવી કોશિશ કરવી જોઈએ , તેમજ યોગ્ય સમયે  જાતિય બાબતોનુ પુરતુ જ્ઞાન મળી રહે તેવા અવનવા પ્રયાસો કરવા.

આવા કેસમાં મોટાં પ્રમાણમાં સગાં, પડોશી, મિત્રો હોય છે.તેથી આ બધાંથી સાવચેત રહેવું.

એકાંતમાં કોઈની સાથે ન રહેવું.

આસપાસમાં જોખમ જણાય તો તરત જ તે સ્થાન છોડી દેવું. સુરક્ષિત સ્થળે જતાં રહેવું.

સાથે સુરક્ષાનાં સાધનો રાખવાં. દા.ત. સ્પ્રે, કોઈ મિર્ચ મસાલા.

દરેક છોકરા છોકરીઓને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરતા શીખવવું જોઈએ .જેથી કોઈ ખોટા માર્ગે દોરાય નહિ .

    

 

બળાત્કાર ક્યારેય ટૂંકા કપડાને કારણે નહિ પરંતુ નિમ્ન વિચારસરણીને કારણે થાય છે .

કહેવાય છે ને કે

*જ્યાં સુધી દ્રષ્ટિ અશ્લીલ ન હોય ત્યાં સુધી કોઈપણ દ્રશ્ય અશ્લીલ ન હોય શકે.*


Department: Department of Psychology

20-12-2020