Research on Burnout Stress By Dr. Dhara Doshi & Nimisha padariya

સતત કાર્યભારને કારણે વધી રહ્યો છે તણાવ (બર્નઆઉટ સ્ટ્રેસ)

ડો. ધારા આર. દોશી

નિમિષા પડારીયા

 

છેલ્લા કેટલાય મહિનાઓથી જ્યારે કોવિડ 19 ની શારીરિકની સાથે માનસિક અસરો થઈ રહી છે ત્યારે સામાન્ય લોકો તણાવ નો ભોગ બની રહ્યા છે ત્યારે મેડિકલ, પેરા મેડિકલ અને સફાઈ સાથે જોડાયેલ લોકોને વધી રહ્યો છે બર્ન આઉટ સ્ટ્રેસ. બર્ન આઉટ એટ્લે જ્યારે કાર્યનો તણાવ વધુ તીવ્ર હોય અને વ્યક્તિ તેમાંથી છૂટી શક્તી નથી તો તેનામાં એક ખાસ અવસ્થા ઉત્પન્ન થાય છે જેને મનોવિજ્ઞાનની ભાષામાં બર્ન આઉટ કહેવામા આવે છે. ડોક્ટરો, નર્સ, સફાઈકર્મીઓ આજે સતત એક ડર અને ભયના માહોલમાં રહેતા હોય છે. કારણકે ખૂબ રક્ષણ સાથે જતાં હોવા છતાં ડોક્ટરો અને નર્સ આ રોગનો ભોગ બને છે જ્યારે સફાઈકર્મીઓ પાસે તો પીપીઈ કીટ પણ નથી. ઘરે ઘરે જઈને લોકોનો સર્વે કરનાર પણ આ સ્ટ્રેસનો ભોગ બની રહ્યા છે.  કામનો લાંબો સમયગાળો, સુવિધાઓનો અભાવ અને પદાધિકારીઓ તરફથી થતાં ખરાબ વર્તનને કારણે બર્ન આઉટ સ્ટ્રેસનો ભોગ બને છે. આજે ડોક્ટરો, નર્સ, સફાઈકર્મી, મીડિયાકર્મી સતત કાર્યરત રહે છે, જેથી તેનામાં બર્ન આઉટ સ્ટ્રેસ જોવા મળી રહ્યો છે.

 

બર્નઆઉટ સ્ટ્રેસ શું છે?

 

બર્નઆઉટ સ્ટ્રેસ એ ગંભીર અને લાંબા સમય સુધી થતા તાણને લીધે લાગણીશીલ, માનસિક અને શારિરીક થાકની સ્થિતિ છે. આ તણાવ વ્યક્તિને હચમચાવી નાખે છે, આવેગિક રીતે વ્યક્તિ થાકી જાય છે, લાંબો સમય સ્ટ્રેસમાં રહેવાથી વ્યક્તિ ધીરે ધીરે પોતાનો રસ અને પ્રેરણા ગુમાવે છે.બર્નઆઉટ તણાવ વ્યક્તિની સર્જન કરવાની શક્તિ ઘટાડે છે, વ્યક્તિ અસલામતી અને નિરાશા, ઉદાસીનતા અનુભવે છે. વ્યક્તિ પોતાની જાત ને થાકેલો અને આવેગિક રીતે ક્ષુબ્ધ માને છે.

 

 

 

બર્નઆઉટ સ્ટ્રેસની શારીરિક, માનસિક અને સામાજિક અસરો

 

બર્નઆઉટ સ્ટ્રેસની દરેક ક્ષેત્ર પર નિષેધક અસર જીવનના તમામ ક્ષેત્રોમાં થાય છે. વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે, માનસિક રીતે બેચેની, એકલતા, સ્મૃતિમાં ઉણપ આવે છે, લોકો સાથેનું સમાયોજન બગડે છે, વ્યક્તિગત સબધોમાં ખામી આવે છે. બર્નઆઉટ સ્ટ્રેસ ધીમી  પ્રક્રિયા છે. શરૂઆતમાં, ચિહ્નો લગભગ અસ્પષ્ટ છે, પરંતુ સમય જતાં તેમાં વધારો થાય છે.

 

બર્નઆઉટસ્ટ્રેસના શારીરિક અને માનસિક લક્ષણો જોઈએ તો વ્યક્તિને સતત થાક અનુભવાય છે. વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. વારવાર માથાના દુખાવાની ફરિયાદો રહે છે. આઠ ક્લાકની ઊંઘ લીધા પછી પણ થાક, ડિપ્રેશનના લક્ષણો, વધુ પરફેક્ટની આદત, અસંતોષ, વ્યક્તિની ખાવા અને ઊંઘવાની ટેવમાં ફેર પડી જાય છે, તેનો આત્મ વિશ્વાસ ઘટતો જાય છે, કાર્ય ક્ષમતામાં ઉણપ, કાર્યનો તણાવ ઘર સુધી પહોચી જાય છે,એકલતાની લાગણી અનુભવશે, વ્યક્તિમાં આનંદનો અભાવ અને અસંતોષની લાગણી, અન્ય વ્યક્તિ સાથે સંઘર્ષ, માનસિક દબાણ ઓછું કરવા દવાઓ નો ઉપયોગ વગેરે જોવા મળે છે.

 

 

હાલના સમયમાં બર્નઆઉટના કારણો જોઈએ તો આજ સતત કોવિડ 19 ના ભય અને ડરના માહોલ વચ્ચે ડોક્ટર, નર્સ, હેલ્થ કર્મચારી, સફાઈ કર્મચારી , મીડિયા કર્મીઓ જીવના જોખમે જે કાર્ય કરે છે તેના કારણે તેમનામાં આ બર્ન આઉટ સ્ટ્રેસ જોવા મળે છે. ઘરથી દૂર રહી સતત કાર્ય સ્થળ પર રહેવાથી વ્યક્તિમાં બર્ન આઉટ સ્ટ્રેસ થાય છે,

બર્નઆઉટ વ્યવસાયિક પ્રવૃત્તિથી ગાઢ રીતે સંબંધિત છે. કોઈ પણ વ્યક્તિ જે સતત ખૂબ મહેનત કરે છે અને તેના તરફથી પુરતું વળતર મળતું નથી તે જોખમનું કાર્ય કરે ત્યારે બર્ન આઉટ થાય છે. કાર્ય પર જ્યારે નિયંત્રણનો અભાવ હોય, જટિલ કાર્ય, વ્યસ્ત જીવન શૈલી, કાર્ય આધારે યોગ્ય વળતર ન મળવું, કાર્ય આધારે યોગ્ય સ્થાન કે હક્ક ન મળે વગેરે કારણે થાય છે. ચિંતા કરનાર વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બને છે.

 

 

બર્નઆઉટ સ્ટ્રેસને દૂર કરવા માટેના સુચનો

 

તમારા અંગત  લોકો સાથે શક્ય તેટલો સમય પસાર કરો. ,જીવનસાથી, બાળકો અથવા મિત્રો સાથે મનની વાતો શેર કરો. કાર્યનું વ્યવસ્થાપન કરવું, આરામ લેવો, યોગ, મેડિટેશન કરવું, નિષેધક બાબતોથી દૂર રહેવાના પ્રયત્નો કરો. થોડું વેકેશન લો, હમેશા સારું વિચારો, પોતાના કામ કરવાની જગ્યાએ સારા મોટીવેશનલ વાક્યો લગાડો, સવારે ઉઠતી વખતે વિચારો આજે ગમે તેટલું કામ હશે હું શાંત ચિતે કરીશ, સારા પુસ્તકોનું વાચન કરો,

 

હમેશા એ યાદ રાખો કે કાર્યને જ્યારે પ્રેમ કે પુજા માનશો તો સ્ટ્રેસ ક્યારેય નહીં આવે, કોઈપણ કાર્ય નાનું કે મોટું હોતું નથી. માટે પોતાના કાર્યને પ્રેમ કરો અને આનદથી કાર્ય કરો તો સ્ટ્રેસ નહીં અનુભવાય.

કિસ્સો 1: અમદાવાદના એક ડોક્ટર: હવે આ કામ કરી થાકી જઈએ છીએ. જેટલો કામનો થાક નથી તેટલો થાક લોકોના પ્રશ્નો અને આરોપોનો લાગે છે. ઘરે જઈ શકીએ તેમ નથી અને અહી સતત કાર્ય. હવે એમ થાય છે કે કઈક નિવેડો આવે અથવા હું ક્યાક જતો રહું.

કિસ્સો 2: એક સફાઈકર્મી: આ જમાનો કેવો છે આજ જ્યારે જરૂર છે ત્યારે અમને યાદ કરે ને પછી અમારી કોઈ કદર નહિ. આજ બધુ સાફ કરવા જઈએ તો પીએન લોકો હડધૂત કરે. રોજ એટલી સ્ફાઇઓ કરાવે જાણે કોરોના અમે સફાઈ કરીએ એટ્લે જતો રહે.

કિસ્સો 3: નર્સ: હવે થાકી ગયા ઘરે જઈ નથી શકતા તો ઘરે પીએન લોકો ન બોલવાનું બોલે અને અહી દર્દીઓના સગાઓ ખૂબ ખરાબ વર્તન કરે. સતત કામનું દબાણ, ફોન પર લોકોની ધમકી થી હવે ત્રાસી ગયા છીએ.

 

આ તો માત્ર થોડાક કિસ્સાઓ અહી આપેલ છે. આમ લોકો પર થતાં કાર્યનું વધુ દબાણ તેને બર્નઆઉટ સ્ટ્રેસનો ભોગ બનાવે છે.  

 

 


Department: Department of Psychology

20-12-2020