સામાજિક લાંછનના ભયથી મૃત્યુદરમાં થઇ રહ્યો છે વધારો.
ડૉ. હસમુખ એમ. ચાવડા
આસિ. પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
તથા
ડૉ. યોગેશ એ. જોગસણ
અધ્યક્ષ, મનોવિજ્ઞાન ભવન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
સામાજિક લાંછનનો અંગ્રેજી અર્થ થાય છે સોશિયલ સ્ટીગ્મા(Social Stigma). સામાજિક લાંછન દ્વારા વ્યક્તિનાં વ્યક્તિત્વ પર એક એવું સામાજિક કલંક લગાડવામાં આવે છે કે તેનાથી અન્ય લોકો દુર રહે અથવા તો તેની સાથેનો સબંધ તોડી નાખે. સામાજિક લાંછન એ એક નકારાત્મક વલણના સ્વરૂપમાં લોકોના કોઈ જૂથ, સ્થળ કે રાષ્ટ્ર સામે એક પ્રકારનો ભેદભાવ છે. જેમ કે કોવીડ -19 રોગચાળો એ લોકો અને સમુદાયો માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. રોગ વિશે જ્ઞાનના અભાવને કારણે ભય અને અસ્વસ્થતા સામાજિક લાંછન તરફ દોરી જાય છે.
શહેરોમાં કોવિડ-19 વિશે થોડી જાગૃક્તા હોવાને કારણે તેઓ સમયસર પોતાનું ચેકઅપ કરાવે છે અને સારવાર થકી પોતે સ્વસ્થ થતા જાય છે. પરંતુ ગ્રામ્ય સ્તરે કોવિડ-19 પ્રત્યેની શહેરની તુલનામાં જાગૃક્તા ઓછી હોવાને કારણે લોકો આ બિમારીને છુપાવી રહ્યા છે. તેઓ પોતે ભય અનુભવી રહ્યા છે કે આ બિમારી વિશે કોઇને જાણ થશે તો પોતાની સાથેના વ્યવહારો લોકો તોડી નાખશે તો? અમને કોઇ મદદ નહી પહોચાડે તો? અમને બહાર નિકળવા પર પ્રતિબંધ મુકવામાં આવશે તો? અમારા ઘરને શિલ કરવામા આવશે તો? પોતે હોસ્પીટલ જાશે અને અન્ય લોકોને કોવિડ પોઝીટીવ છે તેવી જાણ થશે તો? જેવા અનેક પ્રશ્નોના કારણે લોકો પોતે કોવિડ પોઝીટીવ છે તેવુ સ્વીકારતા ખચકાટ અનુભવે છે. જેના કારણે લોકો પોતાનો સમયસર ઇલાજ કરાવતા નથી અને બિમારી જ્યારે પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડે ત્યારે તેઓ હોસ્પીટલ પહોચે છે કે જ્યારે તેમનું બચવું મુશ્કેલ હોય છે. કોવિડ-19 પ્રત્યેની આવી બેદરકારી મૃત્યુદરમા વધારો કરે છે.
COVID -19 સાથે સંકળાયેલ લાંછનમાં ભાગ ભજવતા પરિબળો
- કોવિડ-19 એક નવો રોગ છે તેથી લોકોમા માહિતીનો અભાવ છે જે સામાજિક લાંછનમા વધારો કરે છે.
- લોકો ઘણીવાર અજાણી બાબત કે ઘટનાથી ડરતા હોય છે જે સામાજિક લાંછનમાં વધારો કરે છે.
- કોવિડ-19 પીડીત પરિવાર પ્રત્યે કરવામા આવતો ભેદભાવ સામાજિક લાંછનમા વધારો કરે છે.
- ભ્રામક વાતો, અફવાઓ સમાજમા ભય ફેલાવે છે જે સામાજિક લાંછનમા વધારો કરે છે.
- કોવિડ-19 પીડીત વ્યક્તિના મૃત્યુંના સમાચાર પણ સામાજિક લાંછનમા વધારો કરે છે.
- કોવિડ-19 પીડીત વ્યક્તિની સારવાર કરતા કર્મચારીઓ કે ડોક્ટર જ્યારે કોવિડ ગ્રસ્ત થાય છે તે પણ લાંછનમા વધારો કરે છે.
સામાજિક લાંછનનાં પરિણામો:
- લાંછન સામાજિક સમાયોજનમાં દખલ કરી શકે છે જે રોગના ફેલાવાને વધારે અનુકૂળ હોઈ શકે છે.
- સામાજિક લાંછનના કારણે રોગનો ફેલાવ થાય છે.
- સામાજિક લાંછન નકારાત્મક વલણ તરફ દોરી જતા લોકોમાં ગભરાહ્ટ, મૂંઝવણ, મનોભાર, ચિંતા અને ડર જોવા મળે છે.
- કોરોના પ્રત્યે નકારાત્મક વલણ હોવાના કારણે લોકોમાં શારીરિક બાબતો પણ જોવા મળે છે. જેમ કે, હ્રદયના ધબકારા વધવા, પરસેવો નીકળવો, માથું દુખવુ, શરીરમાં ધ્રૂજારી વગેરે.
- લાંછન નકારાત્મકતા ઉત્પન્ન કરતુ હોવાથી ભાઇ ચારાની અને સબંધની ભાવનામાં ઉણપ આવે છે જેથી કોરોના દર્દીની સારવાર કરવા માટે લોકો તેની નજીક આવવામા ખચકાટ અનુભવે છે.
- સામાજિક લાંછન કોરોના ગ્રસ્ત લોકોને, તેમજ તેમની સંભાળ રાખનારા કુટુંબના સભ્યો, મિત્રો અને સમુદાયોને નકારાત્મક અસર કરી શકે છે.
- જે લોકોને કોરોના રોગ નથી, પરંતુ જે સમુદાય સાથે અન્ય લાક્ષણિકતાઓ શેર કરે છે તેમને પણ લાંછન આવે છે.
સામાજિક લાંછન શુ કરી શકે ?
- લોકોને તાત્કાલિક આરોગ્યની સંભાળ લેતા અટકાવે છે, જેનાથી રોગનો વિસ્તાર થાય છે.
- સામાજિક લાંછન રોગને ફેલાવવા વાતાવરણ પુરૂ પાડે છે.
- લોકોમા ખોટો ભય ઉત્પન્ન કરે છે.
- દર્દીમા એક પ્રકારની માનસિક અસ્થિરતાની અસર ઉભી કરે છે જે દર્દીને સ્વસ્થ થવા માટે અનુકુળ હોતી નથી.
- સામાજિક ભેદભાવને વધારી શકે છે અને લોકોમાં નેગેટીવીટી ફેલાવે છે.
- લોકોને બીમારી છુપાવવા માટે મજબુર કરે છે જેથી રોગનો વિસ્તાર થતો જાય છે.
- લોકોને તંદુરસ્ત વર્તણૂક અપનાવવાથી નિરાશ કરે છે.
- ફ્રન્ટલાઈન કર્મચારીઓને જવાબદારીઓ નિભાવવામાં ઘટાડો કરે છે.
- આ સમસ્યા છે કે રોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધુ ભય અથવા ગુસ્સો પેદા કરીને લોકોને નુકસાન પહોંચાડે છે.
સામાજિક લાંછનને ઘટાડવાના કેટલાક સૂચનો:
- COVID-19 સાથે સંકળાયેલ સામાજિક કલંકને દૂર કરવું આવશ્યક છે કારણ કે તે દર્દીની સારવારનાં કરવાના પ્રયત્નોને અવરોધે છે. દરેક વ્યક્તિ હકીકતોને જાણીને સમુદાયના અન્ય લોકો સાથે શેર કરીને COVID-19 થી સંબંધિત લાંછન રોકવામાં મદદ કરી શકે છે.
- યાદ રાખો કોવિડ-19થી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે.
- સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રમાણિક માહિતી જ અન્ય લોકો સાથે શેર કરવી જેથી ભ્રામક વાતો અને અફવાઓ પ્રમાણ ઘટે.
- સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ શેર કરતા પહેલાં COVID-19 થી સંબંધિત કોઈપણ માહિતી વિશ્વસનીય સ્ત્રોત પ્રમાણે છે કે નહિ તે તપાસો.
- આપણે જે અન્ય લોકો સાથે વાતચીત કરીએ છીએ તે બીજાના વર્તનને અસર કરી શકે છે તેથી કાળજીપૂર્વક શબ્દો પસંદ કરો જેથી કોરોના પ્રત્યેના લોકોના નકારાત્મક વલણમા સુધારો આવે અને આપણે સામાજિક લાંચનને ઘટાડી શકીએ.
- 'વુહાન વાયરસ / ચાઇનીઝ વાયરસ' જેવા શબ્દોનો ઉપયોગ ટાળીએ અને નવા કોરોના વાયરસ રોગ વિશે સાચી વાત કરીએ અને સત્તાવાર નામ- COVID-19નો ઉપયોગ કરીએ.
- દર્દીઓ વિશે વાત કરો કે ‘COVID-19 ધરાવતા લોકો’, ‘COVID-19થી સ્વસ્થ થઈ રહેલા લોકો’. આ રોગ સાથે સંકળાયેલા લોકોને 'COVID-19 કેસ અથવા પીડિતો' તરીકે સંદર્ભ ન આપો.
- COVID-19 ધરાવતા લોકોને વધુ લાંછન ન આવે તે માટે ચેપ લગાડતા અથવા ચેપ ફેલાવતા લોકો કહેવાનું ટાળીએ.
- જેઓ COVID-19થી સ્વસ્થ થયા છે તેમની હાકારાત્મક વાતો શેર કરો. જેથી અસર ગ્રસ્ત લોકોના મનમા એક વિશ્વાસનો ભાવ ઉત્પન્ન થાય કે અમે પણ ઝડપથી સારા અને સ્વસ્થ થઇ જાશુ.
- જીવન જરૂરી સેવાઓ પ્રદાન કરનારા લોકોના પ્રયત્નોની પ્રશંસા કરો અને તેમના અને તેમના પરિવારોના સમર્થક બનો.
- આપણે નિવારક પગલાં, વહેલી સ્ક્રિનીંગ, પરીક્ષણ અને સારવારના મહત્વને પ્રોત્સાહિત કરવા અને સલામત રાખીને જેઓ સૌથી વધુ નબળા છે તેમને મદદ કરવા સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે.
Department:
Department of Psychology
10-06-2021