psychological survey on nosemaphobia

કોરોનાને કારણે લોકોમાં વધી રહ્યો છે નોસેમાફોબિયા (બિમાર હોવાનો એક અતાર્કિક  ભય): એક મનોવૈજ્ઞાનિક સર્વે

ડો. ધારા આર. દોશી (આસિસ્ટન્ટ પ્રોફેસર,મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

રૂપલ વસરા અને કાનાણી કોમલ (વિદ્યાર્થી, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

 

આજે જ્યારે સતત લોકો કોરોનાથી ઘેરાયેલ છે ત્યારે લોકોમાં શું ખરેખર  બિમાર હોવાનો ભય વધી રહ્યો છે? બીમારી વિશેના ભયને મનોવિજ્ઞાનમાં નોસેમાફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. બીમારીના આ અતાર્કિક ભયને તપાસવા માટે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થિની રૂપલ વસરા અને કાનાણી કોમલએ એક મનોવૈજ્ઞાનિક સર્વે હાથ ધર્યો. જેમાં ગુગલફોર્મ દ્વારા 1828 લોકોનો સર્વે કરવામાં આવ્યો. જેમાં જણાયું કે કોરોનાને કારણે લોકોમાં બિમાર હોવાનો અતાર્કિક ભય એ વધી રહ્યો છે. આ એક એવો અતાર્કિક ભય છે જેમાં  દર્દીને એ પણ ખબર હોય છે કે ભય સંપૂર્ણપણે ગેરવાજબી છે, છતાં તેઓ એ અતાર્કિક ભય પર નિયંત્રણ લાવવામાં અસમર્થ રહે છે.

આ સર્વેમાં 33.60% પુરુષો અને 66.40% સ્ત્રીઓએ ભાગ લીધો હતો.

પ્રસ્તુત સર્વેના પ્રશ્નો આ મુજબ હતા.

તમારી આજુબાજુના લોકોને જ્યારે ઉધરસ આવતી હોય ત્યારે તમને ભય લાગે છે? આ પ્રશ્નના જવાબમાં 71.50% લોકોએ હા અને 28.50% એ ના પ્રત્યુતર આપ્યો હતો.

કોરોના વીશે જે નવા નવા સમાચારો આવે છે તેના વિશે વિચારી ભય લાગે છે? તેના જવાબમાં 78.70% લોકોએ હા અને 21.30% લોકોએ ના પ્રત્યુતર આપ્યો હતો.

આ સમયે તમને અથવા તમારા કુટુંબીજનો ને કોરોના જેવા હળવા લક્ષણો દેખાય તો ભય લાગે છે? આ પ્રશ્નના જવાબમાં 55% લોકોએ હા, 38% એ ક્યારેક અને 7% લોકોએ ના પ્રત્યુતર આપ્યો હતો.

લોકડાઉનથી અત્યાર સુધીમાં તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમને કે તમારા કુટુંબીજનોને કોરોના થયો હશે તો? તેમાં 71.20% લોકોએ હા અને 28.80% લોકોએ ના કહી હતી.

67.90% લોકોમાં કોરોનાના કારણે ભોજન કરવાની શૈલીમાં પરીવર્તન આવ્યું જ્યારે 32.10% લોકોમાં કોરોનાના કારણે ભોજન કરવાની શૈલીમાં પરીવર્તન જોવા મળ્યું નથી.

67.80% લોકોને હાલના સમયે હોસ્પિટલ જવામાં ભય લાગી રહ્યો છે જ્યારે 23.70% લોકોને ક્યારેક અને 8.50% લોકોને હોસ્પિટલ જવામાં કોઈ ભય લાગી રહ્યો નથી.

92.10% લોકોએ સ્વીકાર્યું કે વસ્તુ કે શાકભાજી ઘરે લાવ્યા પછી પહેલા કરતાં હવે વધુ સાફ સફાઈ કરવાની ટેવ વિકસિત થઈ છે.

કોરોના પહેલા અને હાલના સમયમાં ઠંડા પદાર્થો (દા.ત. આઇસ્ક્રીમ, કોલ્ડડ્રિંક્સ વગેરે) ખાવાની રીત માં પરીવર્તન આવ્યું છે? તેના જવાબમાં 82.50% એ હા અને 17.50% લોકોએ ના જણાવ્યુ.

94.20% લોકો કોરોના મહામારી સમયમાં પહેલા કરતાં વધુ સ્વાસ્થ્ય બાબતે સચેત થયા છે.

81.20% લોકોએ જણાવ્યુ કે તેઓ કોરોના આવ્યા પછી બહારનું ભોજન (હોટેલનું) લીધું નથી .

82.70% લોકોએ સ્વીકાર્યું કે  આ મહામારીને કારણે બિમાર થવાની ચિંતા અને ભય એ પહેલા કરતાં વધ્યા છે.

 

નોસેમાફોબિયા એટલે શું?

 

 નોસેમાફોબીઆ એટલે બીમાર થવાનો ભ.  નોસેમાફોબિયાને એક ચોક્કસ ફોબિયા માનવામાં આવે છે. નોસેમાફોબિયાને નોસોફોબિયા પણ કહેવામાં આવે છે. આજે કોરોનાના સમયે લોકોમાં આ ભય એ સતત વધી રહ્યો છે. લોકડાઉનમાં આવેલ ફોન કોલ્સ અને આ સર્વેના આધારે કહી શકીએ કે બિમાર હોવાનો અતાર્કિક ભય લોકોના માનસમાં જાણે ઘર કરી ગયો હોય.

 

કારણો:

સામાન્ય રીતે જોવા મળે છે કે બિમાર હોવાનો ભય બાહ્ય ઘટનાઓ એટલે ​​કે આઘાતજનક ઘટનાઓ અને આંતરિક વિચારો ના સંયોજનથી ઉત્પન્ન થાય છે.  હાલના સમયે જોઈએ તો રોજ જે નવા નવા કોરોના વિશેની વાતો, ખોટી અફવાઓ, સોશિયલ મીડિયા થકી મળતી અમુક ખોટી માહિતીઓ, આવેગિક અપરિપક્વતા વગેરે કારણો જવાબદાર છે.

 

લક્ષણો:

બીમારીના ભયના શારીરિક લક્ષણો જોઈએ તો બીમારી અનુભવવી, ઘણીવખત ગભરામણનો અનુભવ કરવો, આ ગભરામણ ખૂબ જ ભયાનક અને દુ:ખદાયક હોઈ શકે છે.  આ લક્ષણો અચાનક અને કોઈપણ ચિહ્નો અથવા ચેતવણીઓ વિના થાય છે એ ઉપરાંત પરસેવો,ધ્રૂજારી, અચાનક, ગરમી અથવા ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ,

હ્રદયના ઝડપી ધબકારા, છાતીમાં દુખાવો, ઉબકા અને ઊલટીઓ, માથાનો દુખાવો અને ચક્કર, નિષ્ક્રિયતા આવે,મોઢું સુકાઈ જ્વું, વારવાર શૌચાલય જ્વું પડે વગેરે

 

માનસિક લક્ષણો જોઈએ તો નિયંત્રણ ગુમાવવાનો ભય, બેહોશ થવાનો ભય, ભય ની લાગણી,મૃત્યુ ભય, માંદગીનો ભય, અપરાધ, શરમ, સ્વ-દોષ, ઉદાસી અથવા નિરાશા અનુભવો, મૂંઝવણ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ક્રોધ, ચીડિયાપણું, મૂડમાં વારંવાર પરીવર્તન,  ચિંતા, તણાવ વગેરે.

 

કેસ 1: મારા ભાભી વારંવાર મારા પાંચ મહિનાના ભત્રીજાને નવડાવે છે. મે હજાર વખત સમજાવ્યા પણ માતા અને ભાભી એક જ કામ કરે છે. તેમને બસ એક જ ભય છે કોરોનાથી ક્યાક ભત્રીજો બિમાર પડશે તો? તમે સમજાવો.

 

કેસ2: સતત ભય, દુનિયામાં કઈક વધુ ખરાબ થશે એવી લાગણી થાય છે. ક્યારેક એમ થાય છે કે રાત્રે સૂઈ જઈશ અને પછી ઉથીશ જ નહીં તો? ઊંઘમાં જ મરી જઈશ તો?

 

કેસ 3: અમદાવાદથી એક ભાઈનો ફોન આવ્યો કે મને કોઈ જ સ્વાદ આવતો નથી. મે ટેસ્ટ કરાવ્યો હતો કોરોનાનો પણ નેગેટિવ આવ્યો છે છતાં મને એમ જ થાય છે કે મને કોરોના હશે, સતત ચિંતા થાય છે, ક્યાય ચેન પડતું નથી.


Department: Department of Psychology

20-12-2020