psychological study on special Child by Dr. Dhara Doshi, Dr. Dimpal Ramani and Nimisha padariya

શાળાના મિત્રો અને શિક્ષકોને મળવા માટે આતુર છે સ્પેશિયલ બાળકો”

 

સ્પેશિયલ બાળકો માટે શાળા અને શાળાના શિક્ષકો જ એક એવું માધ્યમ બને છે જે તેમને આ સમાજ સાથે તાલમેલ કરતાં શીખવી શકે. ડો.ધારા આર.દોશી

એક તરફ જ્યાં કોરોનાની મહામારીના કારણે શાળા કોલેજો બંધ છે ત્યાં બીજી તરફ એવા પણ બાળકો છે જે શાળા ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. અહી વાત કરવામાં આવી રહી છે સ્પેશિયલ બાળકોની. સામાન્ય લોકો કોરોનાથી ખુબ પરિચિત થઈ ગયા છે પરંતુ સ્પેશિયલ બાળક છે તેને આ મહામારીથી સો ટકા અવગત કરાવવા મુશ્કેલી ભર્યું કાર્ય છે.

આ સમયે દરેક લોકો આ મહામારીથી બચવાના ઉપાયો શોધી રહ્યા છે, પોતાની જાળવણી કરી રહ્યા છે ત્યારે એવા બાળકો કે જે પોતાની રીતે પોતાની કાળજી લેવા સક્ષમ નથી તેનું શું? એ લોકો કોરોનાની ગંભીરતાને નથી સમજી શકતા. તેઓ માટે લોકડાઉનમાં ઘરમાં રહેવું એક જેલ સમાન હતું. જેમ સામાન્ય લોકો સમાજના અન્ય લોકો સાથે જીવન જીવવાની, પોતાના સ્વજનો અને મિત્રોને મળવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હોય છે તે જ રીતે સ્પેશિયલ બાળકો પણ પોતાના મિત્રો અને શિક્ષકોને ખુબ જ યાદ કરે છે. એક સ્પેશિયલ બાળકના વાલી સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે તેમનું બાળક ઓનલાઈન ભણવા માટે એટલે બેસે છે કે તેને પોતાના શિક્ષક કે મિત્રને જોવાનો મોકો મળશે.

માનસિક ક્ષતિ એ ત્રણ પ્રકારે જેવા મળે છે, જેમાં (1) અતિતીવ્ર કે તીવ્ર- કે જેમાં બાળકનો આઈ.ક્યુ. 0-25 ની આસપાસ હોય છે, અને તેમણે શરૂઆતથી ફિજીયોથેરાપી, સઘન સ્ટીમ્યુલેશન, હલન- ચલનની કમીને સુધારવા, ખાવા- પીવા અંગેની તાલીમ, યોગ્ય સ્પીચ થેરાપી, વાતચીત કરવાનું કૌશલ્ય વગેરે જેવી તાલીમ ખૂબ જરૂરી હોય છે. (2) મધ્યમ મંદતા- આ કક્ષા ના બાળકોમાં શારીરિક અને બૌધ્ધિક વિકાસમાં પછાતપણું, સમાજિકરણની નબળી પ્રક્રિયા તેમજ આવા બાળકો પ્રાથમિક શારીરિક સંભાળ રાખી શકતા હોય છે. જો તેમણે પૂરતું માર્ગદર્શન કે તાલીમ મળી રહે તો ભાષાકીય વિકાસ અને સાધારણ લખી કે વાચી શકે છે. તેમનો આઈ.ક્યુ. 26-51 ની વચ્ચે હોય છે. (3) સહેજ મંદપણું- તેમનો બુદ્ધિઆંક 50-70 ની આસપાસ હોય છે. પહેલા પાંચ વર્ષની ઉમરે વિકાસ થોડો ધીમો હોય છે. પરંતુ તાલીમ કે માર્ગદર્શન થી કાર્યોં શીખવી શકાય છે. ભાષા અને બોલી- શ્રવણ અને બિન શાબ્દિક કૌશલ્યો જેમ કે ઈશારાઓથી વ્યક્ત કરવું, ઘણીવાર દ્રષ્ટિ સંબંધી, શ્રવણ સંબંધી અને સ્પર્શ વિવેક સંબંધી કૌશલ્યો અને પગ કે હાથનો સમન્વય વગેરે સાધી શકે છે. તેમજ પુનરાવર્તન કે અનુકરણથી ઘણા કર્યો શીખવી શકાય છે.

 

સ્પેશિયલ બાળકના મગજમાં એક સિસ્ટમ ફિક્સ છે કે તેના માટે તેની દુનિયા ઘણી વખત કુટુંબ, શાળા અને મિત્રો હોય છે. અને જ્યારે તે પોતાની આ દુનિયાથી દૂર હોવાનો અહેસાસ કરે ત્યારે તે પણ સ્ટ્રેસ અનુભવે છે.  ડો, ધારા આર.દોશી

 

લર્નિંગ ડિસઓર્ડર અને ડાઉન સિન્ડ્રોમ વાળા જે બાળકો છે તેના માટે તેની શાળા જ દુનિયા છે અને ત્યારે તેઓ ત્યાં નથી જઈ શકતા ત્યારે તેઓ આંતરિક સંઘર્ષ અનુભવવે છે. આ એવા બાળકો છે જે ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર સામે લડી રહ્યા છે. લર્નિંગ ડિસઓર્ડર અને ઓટીઝમને કારણે તેને એ કામ કરવામાં પણ તકલીફ અનુભવાય છે જે આપણને સામાન્ય લાગતાં હોય છે. સામાન્ય લોકોની સાથે તેઓ રહેવા ઇચ્છે છે પણ ઘણી વખત તેમની આ ઇચ્છા પૂર્ણ થતી નથી અને ત્યારે તેમના માટે તેમની શાળા અને શાળાના શિક્ષકો જ એક એવું માધ્યમ બને છે જે તેમને આ સમાજ સાથે તાલમેલ કરતાં શીખવી શકે.

એક વાલી સાથે વાત કરતાં જણાયું કે સ્પેશિયલ બાળકો સ્ટ્રક્ચર બેઝેડ હોય છે. તેઓનું એક રૂટિન હોય છે. ખાસ કરીને ઓટીઝમના બાળકોનું એક રૂટિન છે અને તે આધારે તે કાર્ય કરે છે. તેની શાળા જ તેની દુનીયા છે, ત્યાં તેના મિત્રો છે, ટીચર્સ છે, થેરાપીસ્ટ છે જે તેની ભાવનાઓને સારી રીતે સમજી શકે છે. લોકડાઉન વખતે તેના મિત્રો ટીચર્સને ન મળવાથી વધુ પડતો ગુસ્સો પણ ક્યારેક બાળકો બતાવતા. હવે જે બાળકો બિહેવીયર સ્ટ્રકચરલ થેરાપી પર હતા અને જે હજુ શીખવાની શરૂઆત જ કરી રહ્યા હતા અથવા જે હજુ થોડું જ શીખ્યા હતા તેને ખુબ મોટું નુકશાન થયું છે. એ ઉપરાંત જેની ફિઝિયોથેરાપી પૂર્ણતાના આરે હતી અને જેને સપોર્ટ ડિવાઇસ મળવાના હતા તેમના માટે પણ ફરી મહેનત કરવી પડશે.

સ્પેશિયલ બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેમના પર વધુ ધ્યાન આપવું જરૂરી બની જાય છે. તેઓ બહાર ન નીકળી શકવાના કારણે ઘરમાં પણ ક્યારેક એકલતાનો અહેસાસ કરતાં હોય છે. પરંતુ સાથે અમુક કિસ્સામાં એ પણ જોવા મળ્યું કે બાળક સતત માતા-પિતા સાથે રહેતું તો માતા-પિતા પણ પોતાના બાળકની દરેક સમસ્યાઓ, તેની ખામીઓ, ખૂબીઓ સમજતા થયા છે.

અમે જ્યારે વાલીને પુછ્યું કે ઓનલાઈન શિક્ષણ કેટલું મદદરૂપ નિવડ્યું છે? ત્યારે તેમણે કહ્યું કે એક તો આ બાળકો ઓનલાઈન વ્યવસ્થિત ભણી શકતા હોતા નથી પરંતુ હા તેઓ પોતાના માતા-પિતા કરતાં પણ અમારી વાત જલ્દી માને છે અને અમને જોઈને ખુશ થઈ જાય છે. ઘણી વખત તો માતા-પિતા પાસે જીદ કરી અમને વિડીયો કોલમાં જોઈને આનંદિત થઈ જાય છે. ડો.ધારા આર. દોશી

શું સ્પેશિયલ બાળકો કોરોનાને સમજી શકે છે? તો અમને જાણવા મળ્યું કે જે ડાઉન સિન્ડ્રોમ વાળા બાળકો છે તે અન્ય લોકોની સારી નકલ કરી શકે છે. એટલે શિક્ષકો અને ઘરના અન્ય સભ્યો જેમ કરે તેવું તે શિખતા હોય છે. પરંતુ તેમણે કોરોના વિશે સમજવું એ ખુબ અઘરું છે. તેઓને ટીવીમાં આવતી જાહેરાતો, માસ્ક પહેરેલા લોકોના ફોટા, બધુ બતાવીને કોરોના વિશે જાગ્રત કરવામાં આવે છે. આ સમય બાળકો એ કેવી રીતે પસાર કર્યો તો વાલીએ જણાવ્યુ કે તેમને ગમતી પ્રવૃતિઓ જેમ કે ડાન્સ, ચોકલેટ બનાવવી, રમકડાં દ્વારા શિક્ષણ વગેરે પ્રવૃતિઓથી સમય પસાર કરવાનું શીખવવામાં આવ્યું. આ ઉપરાંત ક્યારેક હળવા યોગ અને શાંતીથી બેસી થોડી વખત ધ્યાન કરતાં પણ શિખવવામાં આવ્યું. બાળકો પોતાના કપડાં ધીમે ધીમે પોતાના કબાટમાં રાખતા શીખ્યા, મમ્મીને થોડું ઘરકામમાં મદદ કરીને પોતાને સમય પસાર કરતાં સ્પેશિયલ બાળકોને ડેઇલી લીવીંગ એક્ટિવીટીસમાં આમ પણ તકલીફ પડતી હોય છે. સામાન્ય બાળક અનુકરણથી શીખી શકતું હોય છે પરંતુ સ્પેશિયલ બાળક ઘણા કારણોથી નથી શીખી શકતું જેમ કે ધ્યાન વિભાજન, પ્રત્યાયનની સમસ્યા, એક પ્રવૃતિ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકે, શારીરિક ક્રિયાનું ઓછું ડેવલપમેન્ટ, સ્નાયુઓની સખતાઈ ઘણી ઓછી હોય છે, રોજીંદી પ્રવૃતિનું મહત્વ ન સમજવું, આળસ, આંખ અને હાથના કોર્ડીનેશનનો અભાવ, સાધનોનો અભાવ વગેરેના કારણે તેઓ રોજીંદી ક્રિયામાં પણ તકલીફ અનુભવે છે.

આમ કહી શકાય કે સ્પેશિયલ બાળકોનો IQ ભલે ઉચ્ચ નથી પરંતુ તેઓનો EQ એ ઘણો ઉચ્ચ છે, તેઓ પણ લાગણી, સંવેદના, પ્રેમથી જોડાયેલ છે. માટે જ તેઓ પોતાના શિક્ષકો અને મિત્રો વગર એકલતા અનુભવે છે.

 

એક બાળકની માતાએ કહ્યું કે સમજણની જ બધી પળોજણ છે. મારૂ બાળક સમજણું નથી એટલે હું કાયમ પાંચ વર્ષના બાળકની જેમ રમાડું છુ અને રમું છુ. તેને આ દુનિયાની સમજદારીનો રોગ નથી લાગ્યો એટલે હું કાયમ માટે નાના બાળકની માતા બની રહી છુ. ડો. ડીમ્પલ જે. રામાણી

 

એક માતાએ જણાવ્યુ કે સમજણ અને વધુ સમજણ જ દુનિયાને મુશ્કેલી આપી છે. મંદબુધ્ધિના કારણે મારૂ બાળક આવી દુન્વ્યી સ્વાર્થની સમજૂતી પામ્યું નથી તેનો મને માતા તરીકે આનંદ છે.

 

કુશાગ્ર બુદ્ધિ અને અતિ સમજણે સમાજના સબંધો તોડ્યા છે જ્યારે ઓછી સમજણ વાળા સ્પેશિયલ બાળકોએ માનવીય સમજણ સાચવી છે. એક વખત મંદબુદ્ધિના બાળકો વચ્ચે દોડની સ્પર્ધા થઈ આ સ્પર્ધામાં બધા બાળકો એકબીજાને હાથ પકડી દોડતા હતા તેવામાં એક બાળક પડી ગયું. બધા સ્પેશિયલ બાળકો ઊભા રહ્યા અને તે બાળકને ઊભું કરી સાથે ફરી હાથ પકડી દોડતું કર્યું. આ બાબત કુશાગ્ર બુધ્ધિ અને પરિપક્વ બાળકોમાં પણ જોવા મળે. જેમ વધુ બુદ્ધિ તેમ સ્વાર્થ વધુ એવું પણ આ સ્પેશિયલ બાળકોના ઉદાહરણથી કહી શકાય.

 

“ આ મહામારી અને લોકડાઉનને કારણે મારૂ બાળક સતત મારી સાથે રહ્યું એને કારણે હું મારા બાળકને અને મારૂ બાળક મને વધુ સમજાતું થયું. મંદબુદ્ધિ હોવા છતાં તે તેની તોતળી ભાષામાં મારી સાથે જે સંવાદો કરે છે તેનાથી મને શેર લોહી ચડી જાય છે.”   

 

 

કોરોના સંક્રમણે તો જાણે માનવીને ઘેરી લીધો છે જાણે તે બહાર નીકળવા દેવા ઈચ્છતો નથી. માટે આજકાલ સમસ્યા વધતી જાય છે.આ સમસ્યા માત્ર સાધારણ વ્યક્તિની જ નથી જો સાધારણ વ્યક્તિને આ સમસ્યાનો કેર લાગતો હોય તો ક્યારેય વિચાર્યું છે કે આ લોકડાઊન દરમ્યાન માનસિક મંદતા ધરાવનાર બાળકોને કેવી કેવી સમસ્યાઓ ઉદભવી હશે? આજનો માનવી સ્વાર્થી બનતો જાય છે માટે તેને આજુબાજુનું કઈ જ દેખાતું નથી પરંતુ આપણે આપણી પરિસ્થિતીમાથી બહાર નીકળીને ક્યારેક જે બાળક માનસિક મંદતા ધરાવે છે તેના વિષે વિચારીએ.

એક સલાહકાર તરીકે આ લોકડાઊન દરમિયાન ઘણી બધી સમસ્યાઓ જાણી પરંતુ માનસિક મંદતા ધરાવતા બાળકોની સમસ્યા જાણી તો ઘણું દુખ થયું. તો વિચાર્યું કે આવા બાળકોને મળીને તેની સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીએ.તમામ સમસ્યાઓ ટેલિફોનિક દ્વારા બાળકોના માતા-પિતા અને શિક્ષકો સાથે વાતચીત કરતાં જાણવામાં આવી હતી.

          પ્રથમ તો તેની બુદ્ધિલબ્ધિ ઓછી હોવાથી તે સાધારણ બાળકો કરતાં થોડા અલગ છે તે માંડ માંડ કરી સમાજ અને સમાજના લોકો સાથે સાયુજ્ય સાધી શકે છે.પરંતુ આ લોકડાઊન અને મહામારીએ તેમાં પણ અંતર રાખવાનું શીખવાડી દીધું. અમારા બાળકો તેની ઉમર અનુસાર વર્તન કરી શકતા નથી અને હવે તે એટલા ડરી ગયા છે કે ક્યારેક તો તે પરિવારના સભ્યો સાથે પણ સમાયોજન કરવા સક્ષમ નથી.

          માનસિક દુર્બળતા ધરાવતા બાળકોની સ્થિતિ ખૂબ ચિંતાજનક બનતી જાય છે.વાલીઓએ આગળ જણાવ્યુ કે આ મહામારી અને લોકડાઊન પહેલા પણ તે ઓછું પ્રત્યાયન કરી શકતા હતા અને પોતાની સ્વ-સંભાળ રાખી શકતા નથી, રોજિંદા જીવનમાં તેને સતત કોઈ બીજી વ્યક્તિની એટ્લે કે માતા-પિતા, ભાઈ-બહેન કે શિક્ષકોની જરૂર રહેતી હતી. ખાસ કરી તે વાલીઓ કે શિક્ષકોને જોઈને જ બાળકો પોતાની સલામતી અનુભવતા હતા પરંતુ આ વૈશ્વિક સમસ્યાએ તે પણ છીનવી લીધું એમ જણાવે છે. માંડ માંડ કરી તે લોકો એક નવી દિશા તરફ ઊભા થવાનો પ્રયત્ન કરતાં હતા અને હાથ પકડી વાલીઓની સહાનુભૂતિ કે સહારો લઈને જીવન જીવવાનું શિખતા હતા ત્યારે આ પરિસ્થિતિએ (સોશિયલ ડિસ્ટન્સિંગને) તેના વાલીઓને અને શિક્ષકોને દૂર કરી દીધા છે.

          આ લોકડાઊન દરમ્યાન માસ્ક બાંધવાની વાત આવી ત્યારે જણાવ્યુ કે આ બાળકોની બોલીને તેના હોઠની ભાષા (લીપ મુવમેંટ) દ્વારા સમજતા ત્યારે માસ્ક મોઢે બાંધી દઈએ તો તેની વાણીને કઈ રીતે સમજવી? માસ્ક બાંધવું, વારંવાર હાથ ધોવાનું જ્યારે કહેવામા આવે ત્યારે તે એક આશ્ચર્ય સાથે એકીટશે અમારી સામે જોયા કરે, સેનેટાઈઝર તો જાણે તેને દવા લગતી હતી તો તેનાથી તો તે દૂર ભાગતા હતા. સેનેટાઈઝર જેવી તેને કઈ સમજ પડતી ન હતી માટે આ બધુ જોઈને તે ગભરાઈ ગયા છે કે હવે તેના માતા-પિતાને પણ તે ભયાનક  દ્રષ્ટિએ જોતાં હોય તેમ લાગે છે અને બધાથી દૂર દૂર રહીને અંતર વધતું જાય છે અને આંતરક્રિયા ઘટતી ગઈ છે.હવે તેની પરિસ્થિતી જોઈને અમે પણ હેરાન છીએ.

          સામાજિક રીતે જોઈએ તો માનસિક દુર્બળતા ધરાવતા બાળકોના સામાજિક કૌશલ્યોને બહાર કાઢવા માટે શાળા એ શ્રેષ્ઠ માધ્યમ છે કારણકે શાળામાં આ બાળકોને પોતાના મિત્રો જોઈને તેને તેની દુનિયા મળી ગઈ હોય  તેમ લાગતું  હતું. હાલની પરિસ્થિતિએ શાળા પણ બંધ કરવી દીધી જેમાં તેના સામાજિક કૌશલ્યનો વિકાસ થતો હતો, જૂથમાં રહીને કાર્ય કરવાનું ભૂલી ગયા, કાર્યાત્મક શૈક્ષણિક કૌશલ્ય ખોરવાતું ગયું.. આ મહામારીએ અમારા બાળકોને તેના શિક્ષકોથી દૂર કરી દીધા, અત્યારે જે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે તે સ્પેશિયલ બાળકો માટે શક્ય જ નથી પણ આ શિક્ષણથી તેઓ પોતાના શિક્ષકો અને મિત્રોને મળી શકે છે પરંતુ ત્યાં જે વાતાવરણ અને ઉત્સાહથી ભણતા તે ઓનલાઈન શિક્ષણમાં અમારા બાળકો ભણી શકે એટલી ક્ષમતા ધરાવતા નથી.વધુ સમયગાળાને કારણે હવે તેને શિક્ષકો પ્રત્યે જાણે તેને નફરત થતી જાય છે. શાળામાં રહીને ઉત્સાહપૂર્વક બીજી એક્ટિવિટી કે રમત –ગમતો દ્વારા જ્ઞાન મેળવી શકતા પણ આ વૈશ્વિક સમસ્યાએ અમારા બાળકોનું જીવન પલટાવી દીધું. હવે ઘરે રહીને એક ને એક રમત , એક્ટિવિટી, કાર્ટૂન કે ટીવી જોવું ગમતું નથી. ક્યારેક તો એટલા ગુસ્સામાં આવી જાય છે કે અમને પણ નુકશાન પહોચાડી શકે છે. અત્યારે બહાર નીકળવા જેવી પરિસ્થિતી ન હોવાને કારણે ક્યારેક તો રૂમના બારણાં બંધ કરી બેસી જાય છે અને બહાર જવાની જીદ કરી બેસે છે.એકપણ વાત સમજવા તૈયાર થતાં નથી. અમારા બાળકોને શાળા ખોલાવી આપો જેથી તેનો વિકાસ અને વૃદ્ધિ કાર્યરત બને.

શિક્ષકોના જણાવ્યા મુજબ :   

          અમારા વિદ્યાર્થીઓની ખૂબ ચિંતા થાય છે. તેનું સ્વાસ્થ્ય અને તેની સુરક્ષા એ જ અમારા માટે સર્વોત્તમ છે. તેની બૌદ્ધિક ક્રિયા વધુ ખોરવાઈ તે પહેલા અમારે અમારા વિદ્યાર્થીઓને નીરસ થતાં અટકાવવા છે. અમારા વિદ્યાર્થીઓને અમારા વહાલની, અમારા સ્પર્શની જરૂર છે, ત્યાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ કે ફિઝીકલ ડિસ્ટન્સની જરૂર નથી. હા, આ બધુ સાવચેતી રૂપે ખૂબ જરૂર છે પરંતુ આ બાળકો સામાન્ય બાળકોથી અલગ હોય છે.માટે તેને આ બધી સમાજ હોતી નથી. માસ્ક પહેરવાને કારણે તેઓ અમારો ચહેરો જોઈ શકતા નથી જેથી તે અમને શિક્ષક તરીકે નહીં પણ અજાણી વ્યક્તિની દ્રષ્ટિએ જુવે છે. આમ પરસ્પર આંતરક્રિયા કરી શકતા નથી અને માસ્ક પહેરવાથી જાણે અમને ભૂત સમજે છે. જોતાં જ મોઢું ફેરવીને ભયભીત થઈ જાય છે. જો બાળકો અમારાથી ડરી જતાં હોય તો આ માસ્ક અમારા માટે કઈ જ કામનું નહીં. મર્યાદિત સમાયોજન યોગ્ય વર્તનની  ઊણપથી માનસિક રીતે દુર્બળ બાળકોને પોતાના સામાન્ય કાર્ય માટે પણ બીજાની જરૂર પડે છે. જ્યારે આ લોકડાઊને  અમને અમારા વિદ્યાર્થીઓથી દૂર કરી દીધા છે. અમારા એક વિદ્યાર્થીને આ કોરોનાની બિમારી અને લોકડાઊનને કારણે અતિ ગંભીર હ્રદય સબંધિત ગડબડ ઉત્તપન્ન થઈ ગઈ છે જેનાથી તેનું વર્તન વધુ અસાધારણ બની ગયું છે. હવે આ બાળકો પોતાના મિત્રો સાથે પણ અંદરો અંદર આંતરક્રિયા કરવા તૈયાર નથી જેથી તે ઉત્સાહિત રહી શકે. આમ, આ લોકડાઊન દરમ્યાન આ પ્રકારના અસાધારણ વિદ્યાર્થીમાં એવી અવસ્થા ઉત્તપન્ન થઈ છે જે તેનામાં માનસિક અસાધારણતા ઉત્તપન્ન કરીને વર્તનને વધારે આસમાન્ય બનાવી દીધું છે. જેનું કારણ તેનો વિકાસ અને આ બિમારી છે. રૂટિન જીવનશૈલી સાવ બદલાઈ ગઈ છે અને માનસિક મનોભાર વધતો જતો જોવા મળે છે. આ માટે જરૂરથી કઈક કરવું જરૂરી છે.

          હું અન્ય લોકોની જેમ મારા બાળક સાથે હું ખૂબ જ ખુશ છું એવો દંભ કરીશ નહીં કેમ કે વાસ્તવિક્તા કઈક જુદી છે. પહેલા તો મારૂ બાળક શાળાએ જતું તો તેને પાંચ કલાક સાચવવાની જવાબદારીમાંથી મુક્ત રહેતી તો હું ઘર પરિવારનું અન્ય કાર્ય કરી શક્તી પણ આ લોકડાઉનથી આજ સુધી હી સતત બાળકનું ધ્યાન રાખવામા અને પરિવારના સભ્યોની માંગ પૂર્ણ કરવામાં એટલી થાકી જાવ છુ કે ક્યારેક મને નબળા વિચારો આવી જાય છે ગૃહીણી અને મંદબુધ્ધિના બાળકોની સ્થિતિ વિશે આપ નહીં સમજી શકો. બેવડો માર પડતો હોય છે. કુદરત કરેને સ્કૂલઓ રાબેતા મુજબ થાય તો હું થોડીક સહજતા થી જીવી શકું...

          આ વૈશ્વિક સમસ્યાએ બધાના જીવનને ઊથલ-પાથલ કરી નાખ્યું છે. માટે હાલ સલામત રહીએ એ જ શ્રેષ્ઠ અને સર્વોત્તમ ઉપાય છે.

“ જો આ બાળક સ્વસ્થ હશે તો આ દેશનું ભાવિ પણ સ્વસ્થ રહેશે .” નિમિષા પડારીયા

 

મનોવિજ્ઞાનના અભ્યાસો અનુસાર માનસિક મંદતા ધરાવતા બાળકો કુલ વસતિના આશરે બે થી ત્રણ ટકા જેવા છે. જેમાં બાળકોને માતપિતા વહેલી તકે ઓળખી કે સ્વીકારી શકે તો આવા બાળકોને યોગ્ય તાલીમ અને પુનર્વસનની તક મળી રહે હજુ સુધી કેટલાક મોટા શહેરોમાં પણ ઘણી ઓચ્છી સંસ્થાઓ જે આ દિશા માં કાર્ય કરે છે. માનસિકક્ષતિ કે મંદબુદ્ધિ થવામાં મુખ્ય કારણો આનુવશીકતા, ગર્ભાવસ્થા દરમિયાન, જન્મ પછી કે જન્મ સમયે અથવા બાળપણમાં થયેલ મગજના કોઈ રોગ વગેરે જવાબદાર હોય છે. ઘણીવખત એવું બને કે કરોડરજ્જૂમાં સોજો, મગજમાં તાવ, માથામાં કોઈ અકસ્માત દ્વારા ઈજા થવી, જેના પરિણામે પણ બાળક તેનું ભોગ બનતું હોય છે.

માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. જેમાં હાલ રહેલી કોરોના મહામારીમાં સ્પેશિયલ બાળકોને પણ ખૂબ મુશ્કેલી થઈ છે. આવા બાળકો મોટા ભાગે બહાર જવું, રમવું, પોતાને ગમતી પ્રવૃતીઓ જ્યારે ન થાય ત્યારે તેઓ ચીડિયાપણું અને તણાવનો અનુભવ કરતાં હોય છે. જે સામાન્ય બાળકોની જેમ દરેક કાર્ય વ્યવસ્થિત નથી કરી શકતા, પરંતુ કોઈ કાર્ય તાલીમ કે શિક્ષણથી શિખવી શકાય છે. આવા બાળકોની વિકાસની ધીમી પ્રક્રિયા, સ્મરણશક્તિ, વિચારશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, સામાજિક સમન્વયમાં મુશ્કેલી, સંકલન કરવામાં, બોલવામાં મુશ્કેલી, અને ભાષાની તકલીફ વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે.  

 ‘મંદબુધ્ધિ કે માનસિક ક્ષતિએ કોઈ રોગ નથી, પરંતુ એ એક સ્થિતિ છે.’ ડો. ડીમ્પલ જે રામાણી

બાળપણથી જ આવા બાળકો માનસિક ક્ષતિ ધરાવતા હોવાથી સ્કૂલ નથી જઈ શકતા અને એમની ઓળખાણ પણ ઓછી હોવાના પરિણામે, કાઇપણ શીખવાની ક્ષમતા ખૂબ ઓછી હોય છે. આવા બાળકોને ઘર, શાળા અને સમાજ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે તો ઘણી સહાય મળી રહે. ખાસ ગંભીર માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને સંપૂર્ણ જીવન દરમિયાન વધુ પ્રમાણમાં સહાય અને દેખરેખની જરૂર પડતી હોય છે. આવા બાળકો માટે માતાપિતા તરફથી લાગણી, પ્રોત્સાહન અને તાલીમ મળે તે ખૂબ જરૂરી છે. કેમ કે તેના વ્યક્તિત્વ વિકાસમાં તેની ખૂબ અસર થતી હોય છે. બાળઉછેરની ખામી અને આવા બાળકો પ્રત્યે કેટલીકવાર ગેરસમજણ કે અણઆવડતને કારણે બાળકમાં વર્તન વ્યવહારની મુસકેલિની સાથે તેના વ્યક્તિત્વ વિકાસમાં પણ ઘણી મુશ્કેલીઓ થવાની શક્યતાઓ હોય છે.

સ્પેશિયલ બાળકોના માતા-પિતા ઘરે પોતાના બાળકને કઈ રીતે તાલીમ અને શિક્ષણ આપી શકે? આ પ્રશ્નોના જવાબમા ડો. ધારા ડોશી, ડો. ડીમ્પલ રામાણી અને નિમિષા પડારીયા કેટલાક સુચનો આપતા જણાવે છે કે

- માનસિક ક્ષતિ ધરાવતા બાળકોની શક્તિ ઓળખી તાલીમ આપવી.

- ગ્રહણશક્તિ અને કાર્યક્ષમતા મર્યાદિત હોવાના પરિણામે એ મુજબ તાલીમ આપવી.

- અન્ય બાળકો કરતાં તેઓની રોજીંદી જરૂરિયાતો અલગ હોવાથી તાલીમ આપવામાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

- શિક્ષણની જરૂરિયાતો અલગ હોવાથી તેમના માટે વિશેષ શાળાઓ કે સંસ્થાઓમાં વ્યાવહારિક તાલીમ કે શિક્ષણ મળે      તે જરૂરી છે.

- બાળકોને કઈક નવું શીખવવા કે સમજાવવા કોઈ આકર્ષક વસ્તુઓ, ચાર્ટ , આકાર, કદ, માપ, અંતર, અને વજનની જાણ વાતાવરણમાં ઉપલબ્ધ સાધનો દ્વારા આપવું આવશ્યક છે.

- તેઓને સહેલા શબ્દોમાં માં સમજાવવા સ્પષ્ટ સુચનો આપવા, સાંભળે, જુએ અને સમજી શકે તે માટે શિક્ષણ પધ્ધતિનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે.

- ખાસ આવા બાળકોને તાલીમ આપનારની ધીરજ કે લાગણીએ ખૂબ અગત્યની હોય છે.

- કેળવણી માટે સાધનો અને સ્થિતિ હોય શકે પરંતુ તેની પાછળનો હેતુ એક જ હોય છે. ખાસ તેમની ઉમર અને ઉપયોગીતાની દ્રષ્ટિએ કેળવણીના જુદા જુદા તબક્કા અનુસાર શિક્ષણ મળે તે આવશ્યક છે.

- બાળકે કરેલા પ્રયત્નો અને મેળવેલી સફળતાને પ્રોત્સાહિત કરવા, બાળકોને પ્રવૃતિમાં આનંદ આવે તે રીતે શીખવવું  જેથી કરીને બાળકો છે એ ખૂબ આસાની થી સમજી અને શીખી શકે.

- ઘણા બાળકોને શારીરિક પરિસ્થિતી જેમ કે હલન-ચલનની મુશ્કેલી, આંચકી અને બીજા અનેક કારણે બાળકને સરળતાથી શાળાએ મોકલી શકાતું  નથી જેથી ઘરમાં કેળવણી અને શિક્ષણ મળે તે ખૂબ જરૂરી હોય છે, શાળાએ જવાની પૂર્વ તૈયારી, શાળામાં ભણતી વખતે કે તાલીમ પછી સમસ્યાનો સામનો કરી શકે તે માટેની તૈયારી વગેરે જેવી બાબતોની પૂર્વે તાલીમની જરૂરિયાત હોય છે.

“ સ્પેશિયલ બાળકના શિક્ષક સાથે વાતચીત કરતાં તેમણે તે બાળકો વિશે કેટલીક પ્રાથમિક અને શૈક્ષણિક માહિતી આપેલ”

20190721_102656.JPG

ડૉ. ધારા આર. દોશી

આસિ. પ્રોફેસર

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

રાજકોટ

ડૉ. ડીમ્પલ જે. રામાણી

આસિ. પ્રોફેસર

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

રાજકોટ