*સ્કિઝોફ્રેનિયાનો દર્દી 100% સાજો થઇ શકે છે પણ તૅ માટે પારિવારિક સહકાર અને ધીરજની કસોટી થઇ જતી હોય છે.*
ડો. ધારા દોશી, ડો.યોગેશ જોગસણ
મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી.
દર વર્ષે *૨૪ મે એ વિશ્વ સ્કિઝોફ્રેનિયા જાગૃતી દિવસ તરિકે ઉજવવામાં આવે છે. વિવિધ કાર્યક્રમો દ્વારા સ્કિઝોફ્રેનિયા તથા સાયકોટિક ડિસિઝ અંગે જન જાગૃતીના કાર્યક્રમો યોજવામાં આવે છે. આથી આ બિમારીને તેની શરુઆતના તબક્કામાં જ ઓળખી તેને આગળ વધતી અટકાવી શકાય તથા વ્યક્તિના માનસિક સ્વાસ્થય પર થતી લાંબા ગાળાની વિપરીત અસરો અટકાવી શકાય. *સ્કીઝોફ્રેનિયા એટલે શું?*
આ એક ગંભીર માનસિક રોગ છે જેને સામાન્ય લોકો સામાન્ય ભાષામાં ગાંડપણ કે પાગલપન તરીકે ઓળખે છે. આ વિકૃતિ વિચાર અને ક્ષુબધ મનોદશાની વિકૃતિ છે. આ વિકૃતિમાં રોગી કોઈ વસ્તુ કે ચીજ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે. રોગી અહીં ખોટું પ્રત્યક્ષિકરણ અને ખોટો વિશ્વાસ ઉતપન્ન કરે છે. વાસ્તવિકતા સમજવામાં મુશ્કેલી પડે છે.
સ્કિઝોફ્રેનિયા એ એક ગંભીર માનસિક બિમારી છે. આ બિમારીમાં વ્યક્તિના વિચારો, વાણી , વર્તન, કાર્યક્ષમતા પર વિપરીત અસર પડે છે. આ બિમારી માં દર્દિની દુનિયા પ્રત્યેની દ્રષ્ટી બદલાઇ જાય છે. પોતે કોઇપણ તટસ્થ ઘટનાને અલગ જ દ્રષ્ટીકોણથી જુએ છે. જાણે બધાજ લોકો તેના વિરોધી છે, તેના વિરુધ્ધ કોઇ કાવતરુ ઘડાઇ રહ્યુ છે. લોકો તેના વિષે વાતો કરી રહ્યા છે. તેના જીવને જોખમ છે. અને આ વિચારોમાં તે દ્રઢ પણે માને છે અને તેની તેના વર્તન પર પણ ગાઢ અસર પડે છે. જેમકે. વારંવાર ડરવુ, કાર્યક્ષમતા માં ઘટાડો થવો, એકાગ્રતામાં ઘટાડો થવો વગેરે. કેટલાક કિસ્સાઓમાં સ્કિઝોફ્રેનિયાથી પિડીત દર્દિઓને વિચિત્ર અનુભવો થતા જોવા મળે છે. જેમકે વિચિત્ર (જે હકીકત ના હોય છતાં તેને આવા ભ્રમ થાય છે ) અવાજો સંભળાવા કે દ્રષ્યો દેખાવા, જેમાં તેને અન્ય પરિચિત કે અપરિચિત વ્યક્તિનો અવાજ સંભળાય છે જે તેના વિશે કોઇ ખરાબ વાતો કરતો હોય, ધમકીઓ આપતો હોય કે કોઇ કાવતરુ ઘડતો હોય છે. જેની તેના વર્તન અને તેના રોજીંદા જીવન પર ગાઢ અસર પડે છે.
વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો ના તારણ અનુસાર સ્કિઝોફ્રેનિયાનુ પ્રમાણ કોઇપણ પ્રદેશ કે જાતીના *લોકોમાં ૧% જેવુ હોવાનુ માલુમ પડ્યુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ આજે વિશ્વમાં આશરે ૨ કરોડ થી વધુ લોકો સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે.* મોટાભાગે આ બિમારીની શરુઆત તરુણાવસ્થા દરમિયાન થાય છે અને તેનુ યોગ્ય સમયે નિદાન તથા સારવાર ખુબજ જરુરી છે.
મગજ માં ડોપામાઇન નામના રસયણ નુ સંતુલન ખોરવાઇ જવાથી, તેનુ પ્રમાણ વધવાથી સ્કિઝોફ્રેનિયા નામની આ બિમારી થાય છે. આ બિમારીમાં દર્દિને જાણે પોતાને કોઇ બિમારી જ નથી તેમજ તે તદન નોર્મલ છે તેમ માને છે આથી, તેના નિદાન અને સારવારમાં તેના નજીકના સગાઓની ભુમિકા અગત્યની છે. યોગ્ય સમયે આ બિમારીને ઓળખી તેનુ મનોચિકિત્સક પાસે નિદાન કારાવી, સારવાર થવી લાંબાગાળાની તંદુરસ્તિ માટે આવશ્યક છે. હાલ સ્કિઝોફ્રેનિયાની સારવારમાં એન્ટિસાઇકોટિક ગૃપની દવાઓ નો ઉપયોગ થાય છે અને તેની અસર થતા બે થી ત્રણ અઠવાડીયાનો સમય લાગે છે.
*અવસ્થાઓ*
અમેરિકન સાયકોલોજીકલ એસોસીએશન મુજબ આ રોગ સામાન્ય રીતે 18-19 વર્ષથી માંડી 35-36 વર્ષ સુધી થવાની શકયતા છે. આ વિકૃતિની 3 અવસ્થાઓ છે.
1. પૂર્વ લાક્ષણિક અવસ્થા: આ અવસ્થામાં રોગના લક્ષણો સ્પષ્ટ જોવા મળતા નથી પરંતુ તે જવાબદારી નિભાવવામાં, વિચાર કરવામાં ક્ષુબ્ધ થઈ જાય છે. તે અંધ વિશ્વાસમાં માને છે અને તેની પાસે છઠ્ઠી ઇન્દ્રિય છે એવો ભ્રમ રાખે છે.
2. સક્રિય અવસ્થા: રોગના લક્ષણો સ્પષ્ટ, સક્રિય અને મજબૂત બની જાય છે.
3. અવશિષ્ટ અવસ્થા: સક્રિય અવસ્થાના ગંભીર અને ભડકીલા લક્ષણોથી થોડી મુક્તિ મેળવે છે છતાં જુના કાર્યને કરવામાં અસમર્થ છે
*લક્ષણો*
વ્યામોહ, વિઘટિત ચિંતન, વાણી વિભ્રમ, અયોગ્ય ભાવ, ઓછું બોલવું, થોથવાઈ જવું, કુંઠિત સ્વભાવ, બાહ્ય વાતાવરણ સાથે ક્ષુબ્ધ સંબધ, હાવભાવ ની કમી, ખાવાપીવાની અનોખી રીત, અયોગ્ય રીતભાત...
સ્કિઝોફ્રેનિઆના કેટલાક લાક્ષણિક લક્ષણો..
ભ્રામકતા: રોગી અસ્તિત્વમાં ન હોય તેવી વસ્તુઓ જોવાની, સાંભળવાની, અનુભૂતિ કરવાની અથવા ગંધ અનુભવે છે.
ભ્રાંતિ (ખોટી માન્યતાઓ): રોગી તથ્યોના આધારે વસ્તુઓ પર વિશ્વાસ નહીં કરી શકે પરંતુ તેના બદલે પોતાની ખોટી અથવા અતાર્કિક માન્યતા માં રચ્યા પચ્યા રહેશે..
મૂંઝવણભર્યા વિચાર: રોગી એક જ વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોય છે - વિચારોમાં ઝડપથી ફેરફાર થાય છે જે વિચારવાની પ્રક્રિયામાં મૂંઝવણ તરફ દોરી જાય છે.
અવ્યવસ્થિત વિચારસરણી: અવ્યવસ્થિત વિચારસરણી બોલતા અથવા લખવામાં રેન્ડમ બોલાતા શબ્દો અને સંપૂર્ણ અસંગતતા (વાહિયાત વાક્યો) ના સ્વરૂપમાં પ્રગટ થાય છે.
અયોગ્ય ભાવનાત્મક પ્રતિસાદ: રોગી ગંભીર અને હળવા ક્ષણો વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. પરિણામે, તૅ વિરોધી લાગણીઓ પ્રદર્શિત કરે છે.
*નિદાન*
ડાયગનોસ્ટીક એન્ડ સ્ટેટેસ્ટીકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર ના આધારે ઉપરના લક્ષણો જો છ મહિના અથવા તેનાથી વધુ સમય સુધી જોવા મળ્યા હોય, વિવિધ ક્ષેત્રોમાં વ્યક્તિની પીછેહઠ થઈ હોય, ખિન્નતા કે ઉન્માદનો અનુભવ થયો હોય તો નિદાન કરાવવું જરૂરી છે.
*પ્રકારો*
1 વિઘટિત સ્કીઝોફ્રેનિયા: આ પ્રકારમાં રોગીમાં ભ્રમ, વિભ્રમ, અસંગતતા, કુંઠિત સ્વભાવ, જાતિ કે રોગ સાથે ધર્મના વ્યામોહ વધારે હોય છે. આ પ્રકારનો રોગી પોતાની સંભાળ વ્યવસ્થિત રાખી શકતો નથી અને સામાજિક સંબધો પણ રાખી શકતો નથી.
2. કેટેટોનીક સ્કીઝોફ્રેનિયા: રોગી ગતિહીન અને પ્રતિક્રિયાહીન હોવાના લક્ષણો દેખાડે છે. એક જ સ્થિતિમાં લાંબો સમય સુધી ચૂપચાપ બેઠો રહે છે. કોઈ સાથે વાતચીત પણ નથી કરતો અને ધ્યાન દેતો નથી.
3. વ્યમોહી સ્કીઝોફ્રેનિયા: વ્યામોહ અને વિભ્રમ મુખ્ય હોય છે. ખાસ દંડ અને સજાનો વ્યામોહ વધુ હોય છે. ઉપરાંત મહાનતા, ઈર્ષા, સુંદરતાનો વ્યામોહ વધુ હોય છે.
4. મિશ્રિત સ્કીઝોફ્રેનિયા: કોઈ ચોક્કસ લક્ષણો નથી હોતા.ક્યારેક લક્ષણો દેખાડે તો ક્યારેક નહિ.
5. અવશિષ્ટ સ્કીઝોફ્રેનિયા: સામાજિક અલગાવ, વિરોધી વર્તન, વ્યક્તિગત સંભાળ માં બેદરકાર, અયોગ્ય અને કુંઠિત અભિવ્યક્તિ, વિચિત્ર, જાદુઈ અને જુદા જ વિચાર, ભાવ શૂન્યતા વગેરે
*ઉપચાર*
આ રોગીના દર્દીઓને દવાઓ, મનોચિકિત્સા અને સામુદાયિક અભિગમથી સાજી કરી શકાય
Department:
Department of Psychology
21-06-2021