impact on the celebration of religious festivals in corona

કોરોનાની ધાર્મિક તહેવારોની ઉજવણી પર અસર

મનોવિજ્ઞાન ભવન,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,

રાજકોટ

ભારત દેશ ધાર્મિક અને ધર્મ પ્રધાન દેશ છે. દરેક વ્યક્તિના જીવનમાં તેના ધર્મ અને સંસ્કૃતિનું આગવું મહત્વ છે. કોરોનાની મહામારીમાં નિષેધક અસર ધાર્મિક તહેવારો ઉપર પણ ઘણી થઈ છે. તહેવારોનું આપણાં જીવનમાં એક આગવું સ્થાન છે અને દરેક વ્યક્તિના જીવનમાં તેનું મહત્વ પણ હોય છે. તહેવારો મોજ-મજા કરવા માટે જ ઉજવવામાં નથી આવતા પરંતુ તેની એક માનસિક, શારીરિક, સામાજિક અસર પણ થાય છે. આ વખતે મહામારીના કારણે તેની શું અસર થશે એ જોવા માટે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં કુલ 621 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 70.2% લોકોની ઉમર 15-30 વર્ષની હતી. 25.2% લોકો 31-45 વર્ષના, 4% 46-60 વર્ષના અને 0.6% 60થી વધુ વર્ષના હતા. 62% સ્ત્રીઓ અને 38% પુરુષોએ આ સર્વેમાં ભાગ લીધો હતો. જે જવાબો સર્વેના આધારે મળ્યા તે નીચે મુજબ છે.    

 • આ વખતે રક્ષાબંધન અને અન્ય તહેવારો મહામારીને કારણે આપની અનુકૂળતા મુજબ નહીં ઉજવી શકો તો તેનાથી આપ કેવું અનુભવશો ?

જેના જવાબમાં સૌથી વધુ લોકોએ જણાવ્યુ કે સામાજિક સબંધોમાં ઉણપ આવશે, અન્ય પ્રતિક્રિયામાં બેચેની અનુભવાશે, ખર્ચમાં બચાવ થશે, કુદરત રૂઠી જવાનો ભય, શ્રધ્ધામાં ઘટાડો થશે, પાપની લાગણી અનુભવાશે અને અમૂકે જણાવ્યુ કે કોઈ જ ફેર નહીં પડે.

 • ઘણા સમયથી કોઈ તહેવાર ઉજવી શકાતો નથી તો તેનાથી મુશ્કેલી અનુભવો છો ?

તેમાં 66.3% લોકો એ હા અને 33.7% લોકોએ ના પ્રતિક્રિયા આપી હતી.

 • શું આ વખતે જન્માષ્ટમીના તહેવારો આનંદથી ઉજવી શકશો ?

તેમાં 74.5% લોકોએ ના અને 25.5% લોકોએ હા પ્રતિક્રિયા આપી.

 • તહેવારોની ઉજવણીમાં આ મહામારી અસર કરશે ?

80.2% લોકોએ સ્વીકાર્યું કે આ મહામારી વિવિધ તહેવારોની ઉજવણીમાં અસર કરશે. જ્યારે 19.8% લોકો એ તેનો અસ્વીકાર કર્યો છે.

 • તહેવારોની ઉજવણીથી માનસિક શાંતિ મળે છે ?

77.8% લોકોએ સહમતી દર્શાવી કે તહેવારોની ઉજવણીથી માનસિક શાંતિ મળે છે જ્યારે 22.2% લોકોએ આ બાબતથી અસહમત છે.

 • મહામારીને કારણે ધર્મ પ્રત્યે અને ધાર્મિક તહેવારોની ઉજવણી પ્રત્યે શ્રદ્ધા વધી ?

મહામારીને કારણે 51.4% લોકોની ધર્મ પ્રત્યે અને ધાર્મિક તહેવારોની ઉજવણી પ્રત્યે શ્રધ્ધા વધી છે જ્યારે 48.6% લોકોની શ્રધ્ધામાં કોઈ જ વધારો થયો નથી.

 • દુનિયામાં પાપ વધી ગયા એટલે આ મહામારી આવી છે એવું તમને લાગે છે ?

39.5% લોકો જણાવે છે કે દુનિયામાં પાપ વધી ગયા એટલે આ મહામારી આવી છે જ્યારે 36.2% આ બાબત વિષે અસહમત થાય છે કે પાપ અને બીમારી વચ્ચે સબંધ નથી. જ્યારે 24.3% લોકો તટસ્થ મંતવ્યો ધરાવે છે.

 • કોરોના મહામારી દરમિયાન શું તહેવારો ઉજવવા જોઈએ ?

આ પ્રશ્નના જવાબમાં 90.9% લોકોએ ના અને 9.1% લોકોએ હા પ્રત્યુત્તર આપ્યો.

 • આજ સુધી તહેવારો ઉજવાતા આવ્યા છીએ તો આ એક વર્ષ તહેવારો ન ઉજવીએ તો કઇ ફેર પડે ?

જવાબમાં 79.8% લોકોએ જણાવ્યુ કે કોઈ જ ફેર પડતો નથી. જ્યારે 20.4% લોકોએ જણાવ્યુ કે હા ફેર પડે છે.

 • તહેવારો ન ઉજવીએ તો શું તમે માનસિક રીતે સ્વસ્થ રહી શકશો ?

તેમાં 81.5% લોકોએ જણાવ્યુ કે ના જ્યારે 18.5% લોકોએ કહ્યું હા સ્વસ્થ છીએ.

 • શું તહેવારો ઉજવીએ તો આ રોગનું પ્રમાણ વધશે ?

આ પ્રશ્નના જવાબમાં 75.4% લોકો હા, 6.7% લોકોએ ના અને 17.9% લોકોએ કુદરત બધુ સારૂ કરશે તેવી પ્રતિક્રિયા આપી હતી.

 • આપ તહેવારો શા માટે ઉજવો છો ?

તેના જવાબમાં સૌથી વધુ લોકોએ જણાવ્યુ કે સંસ્કૃતિના જતન માટે તહેવારો ઉજવવામાં આવે છે જ્યારે અન્ય પ્રતિક્રિયામાં મનોરંજન માટે, શ્રધ્ધા કે ભક્તિ માટે અને સામાજિક અનુકરણ માટે તહેવારો ઉજવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.  

 • કોરોનામાં તહેવારો ઉજવી શકીશું નહીં તો તેની કેવા પ્રકારની અસરો થશે ?

એ વિષે લોકોએ મંતવ્યો જણાવ્યા કે કોરોના વાઇરસથી ડરવાની જરૂર નથી તેની સાથે કેમ જીવી શકાય એ દરેક લોકોએ શીખવું જરૂરી છે. લોકોના ધંધા અને રોજગારીમાં બહુ મોટી નુકશાની જશે. જે યુવા પેઢી છે તે આમ પણ મોબાઇલમાં વ્યસ્ત રહીને પોતાનો સમય પસાર કરે છે અને ધર્મથી દૂર છે પણ પ્રૌઢ અને વૃદ્ધોને ઘણી અસરો થશે. આમ પણ લોકો એકબીજાથી દૂર હતા ત્યારે તહેવારો એક જ એ બાબત હતી જ્યારે લોકો એકબીજાની નજીક આવતા ત્યારે તહેવારો ન ઉજવવાથી લોકો એકબીજાથી દૂર થશે. આ તહેવારોના સમયે બાળકોને સાચવવા ખૂબ અઘરું થઈ જશે. માનસિક શાંતીના અભાવ જેવુ લાગે છે. ખર્ચ ઓછો થશે અને સમયનો બચાવ થશે. તહેવારો મનોરંજન બને છે અને ધાર્મિકતા ઘટે છે, વ્યક્તિ કર્મ સિવાય કઇ જ લઈને જવાનો નથી માટે બધાએ સાથે હળીમળીને રહેવૂ જરૂરી છે, સતત ઘરમાં રહીને અને ભયના માહોલમાં રહીને હવે માનસિક તાણ જેવુ લાગે છે. આ પવિત્ર મહિનાઓમાં આ મહામારી દૂર થાય તો આવતા વર્ષે વધુ ધામધુમથી તહેવારો ઉજવી શકાય. જેને ધર્મ જ કરવો છે તેણે કોઈ મંદીરમ મસ્જિદ, દેરાસર, ગુરૂદ્વારામાં જવાની જરૂર નથી તે પોતાના ઘરે રહીને પણ કોઈપા પરિસ્થિતીમાં પરમતત્વને યાદ કરી તેની ભક્તિ કરી શકે છે, એક તો આમપણ લોકોમાં શ્રધ્ધા ઘટી રહી છે ત્યારે તહેવારો શ્રધ્ધા વધારવાનું માધ્યમ હતા જેથી સામાજિક સબંધો જાળવી શકતા હતા જે હવે થોડું મુશ્કેલ છે. જે ધર્મમાં ખૂબ શ્રધ્ધા ધરાવે છે તેઓમાં એક નિરાશા ઊભી થશે અને નજીકના સબંધો બગડી જશે, સ્વાસ્થ્ય સારૂ હશે તો ગમે ત્યારે તહેવારો ઉજવી શકીશું, આવા વિવિધ પ્રકારના પ્રતિભાવો લોકોના મળ્યા.

 

ધાર્મિક તહેવારો પર કોરોના વાયરસની શું અસર ?

        જર્મનીના ફીલોસોફર અને અર્થશાસ્ત્રી કાર્લ માર્કસે કહ્યું હતું કે ધર્મ અને ધાર્મિક પ્રવૃતિઓ અફીણ જેવી અસરો કરે છે. ધાર્મિકતાવાળા માટે ધર્મ માનસિકતા તથા ભાવપૂર્ણતાની સાથે સાથે નૈતિક સમર્થન પ્રાપ્ત કરતું જોવા મળે છે. પણ આ કોરોના વાયરસ એક ખૂબ જ ગંભીર મહામારી છે જેણે ધર્મમાં માનવાવાળા અને ન માનવાવાળા બંને ને પોતાના પંજામાં લીધા છે, આ વાઇરસનો કોઈ ધર્મ નથી હાલમાં દુનિયા આખીના ધર્મસ્થાનો અને તહેવારો(ધાર્મિક) ઉજવાતા બંધ થયા છે. ભારત દેશ વિવિધ ધર્મોનો દેશ છે ત્યાં દરેક ધર્મના તહેવારોનું એટલું જ મહત્વ છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર ધર્મ બાબતે સૌથી અલગ છે ત્યારે ધાર્મિક તહેવારો નહીં ઉજવવાથી તેનામાં માનસિક વ્યક્તિગત સમસ્યાઓ આવશે અથવા તો આવી શકે છે.

 1. ધાર્મિક તહેવારો ઉજવી ન શકવાથી દૂ:ખીપણું કે ગમગીની, આનંદનો અભાવ, નિરાશાની લાગણી, ઉશ્કેરાટ, અસ્પષ્ટ લાગણીઓ, સ્વભાવમાં ચીડિયાપણું અને વધુ પડતો ડર આવા આવેગિક લક્ષણો વિકસિત થઈ શકે છે.
 2. તહેવારોનો આનંદ વ્યક્ત ન કરવાથી વધુ પ્રમાણમાં પરાધીન પણાનો અનુભવ, નબળી એકાગ્રતા, નિષેધક સ્વ-ખ્યાલ, જુદી જુદી સમસ્યાઓનું અતિશયોક્તિપૂર્ણ અર્થઘટન, લાંબા સમયની ઉદાશીનતા, સ્વનિંદા અને નિર્ણય લેવામાં મુશ્કેલીઓ, પોતે શારિરીક રીતે બીમાર પડી જશે ધાર્મિક પ્રવૃતિ વગર એવું લાગવું, જીવન નિરાશા અને અંધકારમય બની જશે એવું લાગવું અને નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપવું એવા પ્રારણાત્મક લક્ષણો પણ તહેવારો ઉજવી ન શકવાથી આવવાની સંભાવના.
 3. કામમાં રસ કે રુચી ન લાગવી, જિંદગીને બોજરૂપ ગણવી, મૂડમાં પરીવર્તન, કુટુંબીજનો, સબંધીઓ, મિત્રો પ્રત્યે લાગણી ઘટવી અને કાર્ય શક્તિમાં ઘટાડો થવા જેવા મનો-શારિરીક લક્ષણો ધાર્મિક તહેવારો ન ઉજવવાથી આવી શકે છે.
 4. ઘણીવાર અતિ ધાર્મિક અને તહેવાર પ્રેમી વ્યક્તિમાં અતિશય ડીપ ડિપ્રેશન, હિલચાલમાં ધીમું પડવું, ઓછું બોલવું, આંખમાં આંખ રાખી વાત ન કરવી, જવાબ આપવામાં પણ આનાકાની કરવી જેવા લક્ષણો તહેવારો ન ઉજવવાથી થઈ શકે છે.    

Department: Department of Psychology

20-12-2020