article on mental Health By Dr. Yogesh A Jogsan & Nimisha padariya

*આજની તણાવભરી જિંદગીમાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખોરવાતું જાય છે.*  આવતીકાલે  ૧૦ ઓક્ટોબર *"વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન"* તરીકે ઉજવાય છે.       

 

.   *નિમિષા પડારીયા અને ડો. યોગેશ જોગસણમનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી. રાજકોટ*

 

                        

આજના ૨૧મી સદીના યુગમાં લોકો હજુ માનસિક બીમારીને સ્વીકારી શકતા નથી. માનસિક રોગો કલંકરૂપ ગણી, કેટલાક લોકો સમજવા છતાં પણ ભયભીત થઇ સારવાર માટે જતા નથી. અને ક્યારેક તો અતિ નબળા મનની વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આ અંગે જાગૃતિ લાવવા સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવે તે ખૂબ આવશ્યક છે.

માનસિક અસ્વસ્થતા એટલે અનિયંત્રિત અયોગ્ય વર્તન દ્વારા ભાવનાની અભિવ્યક્તિ દર્શાવતી મનોદશા. માનસિક અસ્વસ્થ વ્યક્તિમાં વારંવાર ગુસ્સે થઇ જવું, સમાધાનકારી વલણ અપનાવવાને બદલે પોતાની અનિચ્છનીય પરિસ્થિતિમાં મગજ પર કાબુ ગુમાવવો, આત્મવિશ્વાસનો અભાવ, કોઇપણ વસ્તુ પ્રત્યે કે કાર્ય પ્રત્યે નીરસ હોય, શારીરિક કાર્ય ન કર્યું હોવાં છતાં થાક લાગવો, નાની વાતોમાં ફરિયાદો કરવી, મોટાભાગની વાતોમાં અસંતોષ વ્યક્ત કરવો, સતત બેચેની, હતાશ, અનિદ્રા, અને વ્યસન જેવા લક્ષણો જોવા મળે છે. 

 

માનસિક અસ્વસ્થતાના મુખ્ય કારણોમાં. આજની દોડધામભરી જિંદગીમાં સામાન્ય લોકો તનાવનો ભોગ બનતા હોય છે. ચિંતા, હતાશા, એકલતા, ઈર્ષ્યા, નફરત, લોભ, ગુસ્સો જેવા નકારાત્મક વિચારોને કારણે ડિપ્રેશન આવી શકે છે. જન્મજાત જીનેટિક બંધારણ ઉપરાંત ધંધામાં મંદી, ગરીબી, બેકારી, ગૃહકંકાશ, મહિલાઓમાં મેનોપોઝ સંબંધિત હોર્મોન્સનું અસંતુલન, વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં નિષ્ફળતા જેવા કારણોસર પણ ડિપ્રેસનનો ભોગ બનેલી વ્યક્તિઓ માનસિક અસ્વસ્થ બને છે. જેના પરિણામે સ્ક્રીઝોફેનીયા, મતિભ્રમ, પેનિક ડિસઓર્ડર, અનિવાર્ય મનોદબાણ-ક્રિયાદબાણ, મૂડ ડિસઓર્ડર, ઉંઘ અને ખાવાની વિકૃતિઓનો ભોગ બને છે. ખાસ કરી અભ્યાસ માટે બાળકો પર વધારે પડતું દબાણ લાવવું, બાળકની ક્ષમતા કરતા વધુ પડતી અપેક્ષઓ તેના પર રાખવાથી પણ તે તનાવનો ભોગ બને છે. તેમની સાથે વાલીઓએ અને શિક્ષકોએ મિત્રતાપૂર્ણ વ્યવહાર અને ખુલ્લા દિલે ચર્ચા કરી યોગ્ય મહેનત કરવા શાંતિથી સમજાવવું. કે જેથી આજના યુગમાં ખાસ વધતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો અટકાવી શકીએ.

માનસિક રીતે સ્વસ્થ રહેવાનો સારામાં સારા ઉપાયોમાં નિયમિત જીવનશૈલી, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સારા વાતાવરણમાં રહેવું વગેરે ઉપરાંત હકારાત્મક વિચારો દ્વારા પોતે જ પોતાની માનસિકતામાં ધીમે ધીમે ફેરફાર લાવવા જોઈએ.

 

મન ખુશ થાય તો જીવન સુખી થાય.  તેથી તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપો.  તમારા જીવનમાં કેવી રીતે અસ્વસ્થતા અને તણાવ આવે છે તેનું મૂલ્યાંકન કરો. 

 

શ્રેયાને ઘરે અને ઓફિસમા કામનું ભારણ સતત વધતું જતું હતું. જેનાં કારણે ઘણીવાર તે કોઈના પર બિન જરૂરી ગુસ્સો  કરવા લાગતી તો કયારેક તે કંઇ બોલ્યા વિના લોકો સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દેતી.   શ્રેયા જેવા કેટલા લોકો કામના વધારે પડતાં બોજના કારણે હતાશાથી પીડાતા હોય છે.

 

 

 શ્રેયાથી વિપરીત, કેટલાક લોકોને એવું થાય છે કે, તેઓ વધુ પડતાં હસવા લાગે છે. તો ક્યારેક બિન જરૂરી બાબત પર રડવા લાગે છે, આ લોકો આવી વસ્તુઓ પર પણ હસે છે, જેનો ગુસ્સો થવો જોઈએ.  ખરેખર આ અસામાન્ય વર્તન છે.  જો ઓફિસ અથવા ઘરમાં ક્યાંય પણ તમારા વર્તનમાં કોઈ અસામાન્યતા છે, તો તેનો સરળ અર્થ એ છે કે, તમે માનસિક રીતે અસ્વસ્થ છો.

 

પરંતુ આપણા સમાજમાં તમામ ભાર શારીરિક સ્વાસ્થ્ય પર આપવામા આવે છે.  જો કોઈ માનસિક રીતે બીમાર હોય તો પણ તે પાગલ છે એવું સમજવાંમા આવે છે. અથવા ભૂત- પ્રેત, ડાકણ કે કોઈ અન્ય આત્મા તેના શરીરમાં પ્રવેશી ગઈ છે તેવું માનીને ભૂવા પાસે લઈ જવામાં આવે છે, અને જયાં સુધીમા જાણ થાય ત્યાં સુધીમા માનસિક બિમારી ખૂબ વધી ગઈ હોય છે, ખાસ જરુર છે, સમાજમા માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ  ફેલાવવાની અને લોકોના શારિરીક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરુરી છે તેવી સમજ લોકો માટે કેળવાય તે અતિ આવશ્યક છે.

 

વ્યક્તિ ત્યારે જ તંદુરસ્ત છે એવું કહી શકાય કે જ્યારે તે  શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય. માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જે લોકો મનથી તંદુરસ્ત હોય છે, તેઓ અન્ય લોકો કરતા કોઈપણ શારીરિક બીમારીથી વધુ સ્વસ્થ થાય છે અને આ કોરોના યુગ દરમિયાન સાબિત થયું છે.  નિષ્ણાતો એમ પણ માને છે કે સકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો કોરોનાને ઝડપથી પરાજિત કરે છે.  આવી સ્થિતિમાં, તમે તમારા માનસિક આરોગ્યને વ્યવસ્થિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

 કોરોનામાં લોકો માનસિક સમસ્યાઓનો સૌથી વધુ ભોગ બન્યા છે.

 

 લગભગ એક મહિના પહેલા તૃષાનો પતિ સમર અચાનક નર્વસ થઈ ગયો. અને તેનું કારણ કોરોના હતું.  તેના ઘણા નજીકના સબંધીઓના ચેપ લાગવાના સમાચાર અને કોરોના સંબંધિત સતત વાંચતા સમાચારને કારણે સમર ગભરાઈ ગયો.  રાત્રે તેને લાગ્યું કે જાણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને તે મરી જશે.  આ બધું લગભગ 10 દિવસ ચાલ્યું.  ત્યારે સમરે ફોન પર ડોક્ટરની સલાહ લીધા બાદકોરોનાને લગતા સમાચારોથી પોતાની જાતને દુર કર્યા પછી યોગ અને ધ્યાન દ્વારા આ સમસ્યામાંથી બહાર આવ્યો.  સમર જેવા ઘણા લોકોની આવી જ સ્થિતિ છે, તેથી કોરોના મહામારી આ સમયગાળામાં, તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

 

માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટેનાં સરળ ઉપાયો: 

 

1- તમારા શરીરની સંભાળ રાખો

 

 આપણું શરીર અને મગજ એક બીજાથી જોડાયેલા છે.  જ્યારે તમે તમારા શરીરની સંભાળ લો છો, ત્યારે તમે મગજનું પણ ધ્યાન રાખો છો. જેમ કે યોગ્ય પૌષ્ટિક ખોરાક નિયમિતપણે લેવો જેથી શરીરને સતત શક્તિ અને પૌષ્ટિક તત્વો 

 મળીને રહે, જે શરીરને કાર્ય કરવામાં મદદ કરે છે અને શક્તિ આપે છે.  મગજ પણ ખોરાક સાથે વધુ સારી રીતે કાર્ય કરવા માટે સક્ષમ બને. વધુ કેફીનયુકત પદાર્થોનું સેવન ટાળો. મીઠું (સોલ્ટ)ઓછું ખાવું અને આલ્કોહોલનુ સેવન ન કરો.

 

2. શારીરિક વ્યાયામ

 

 કસરત તમારા શરીરને સ્વસ્થ રાખે છે, તેથી દરરોજ 30 મિનિટ કસરત કરો જે માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે. કસરત કર્યા પછી તમને કેવા ફેરફારો થયા છે તે જુઓ. પૂરતી ઉંઘ લો,

ખાસ ધ્યાન રાખો કેસુતા પહેલા કસરત ન કરો. ભારે ખોરાક, આલ્કોહોલ, સિગારેટ અને ચા-કોફી અથવા કોઈ અન્ય પીણું કે જેમાં કેફીન હોય તેને લેવાનું ટાળો

 સૂવાના સમય પહેલાં સારા પુસ્તકો વાંચો.

 ઉંધની ગોળીઓ ક્યારેય ન લો.

 

3- સકારાત્મક વિચારો

 

 સારા માનસિક સ્વાસ્થ્યનો અર્થ એ નથી કે ફક્ત સારા વિચારો કરવા, પરંતુ એ યાદ રાખી કેજીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે તે યાદ રાખો એ સમયે માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું.

ધીરજપૂર્વક કોઈપણ કાર્ય કરો,

ઉતાવળમાં કોઈ કામ ન કરો.  કે કોઈ પણ કાર્યને બોજ ન ગણો  આ કરવાથી તમે બિનજરૂરી દબાણમાં આવશો જેની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર  પડે છે.  કામ કરવા માટે અને તાણમુક્ત કામ કરવા માટે પૂરતો સમય આપવાનું વધુ સારું રહેશે.

તમારી સાથે બનેલા કોઈ ખરાબ ઘટના વિશે વારંવાર ન વિચારો.

 

4- સકારાત્મક લોકો મળો

 

 અઠવાડિયામાં એક દિવસ, ચોક્કસપણે એવા લોકોને મળો જે સકારાત્મક સકારાત્મક વિચાર કરવા પ્રેરણા આપે. પોતાના શોખ માટે સમય ફાળવો આ કરવાથી તમે માનસિક તાજગી અનુભવશો.

 

- કોઈપણ રીતે તમારી લાગણી વ્યક્ત કરો. જો તમે ઇચ્છો, તો તમે ડાયરી પણ લખી શકો છો.

 

- સંતુલિત આહાર લો અને પુષ્કળ પાણી પીવો.

 

- જ્યારે તમે કંઇક સમજી શકતા નથી ત્યારે તાણ લેવાની બદલે કોઈની મદદ લો.

 

- ઓફિસમાં કામ દરમિયાન થોડા સમય માટે વિરામ લેવાનું રાખો, જેથી વધુ સારું કાર્ય કરી શકશો.

 

- દિવસ દરમ્યાન તમારી પસંદનું કાર્ય કરો, તે શક્ય ન પણ હોય, પરંતુ દિવસભર કેટલાક કામ કરો જેનાથી તમને સારું લાગે.

 

 - પોતાની જાતને ઓળખો અને પ્રેમ કરો.

 

હંમેશા હકારાત્મક વિચારવાનો પ્રયત્ન કરો.

 

 વધુને વધુ ખુશ રહેવાનો પ્રયત્ન કરો અને જીવનની સારી ઘટનાઓને વધુ યાદ રાખો.

 

 કેટલીક વખત રડવાથી મન હળવું થાય છે.  જો તમે ખૂબ તણાવમાં છો, તો પછી ખુલ્લેઆમ રડો.

 

 માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે, તમારા શોખ અને પસંદગીઓને જીવંત રાખો.

 

 અઠવાડિયા અથવા મહિનામાં ગમતી વ્યકિત સાથે બહાર ફરવા જાઓ.

 

 જીવનની દુખદ ઘટનાઓને ભૂલી જવાનું શીખો, તો જ તમે ખુશ થશો અને આગળ વધવામાં સમર્થ બનશો.

 

 કોઈ સર્જનાત્મક કાર્ય કરો જેમ કે

 પેઇન્ટિંગ, આર્ટ અને ક્રાફ્ટ, સંગીત, વાંચન, લેખન, ગાર્ડનીંગ વગેરે.

 

તમારી ભૂલ સ્વીકારવાનું શીખો.

 

 પોતાના મનને સ્વસ્થ રાખવા માટે કામથી થોડા દિવસનો વિરામ લો.

 

મોબાઈલ કે ટીવીને બદલે આઉટડોર ગેમ્સ રમો. 

 

સતત કાર્યો વચ્ચે થોડીવાર માટે તમારી પસંદનું પુસ્તક વાંચો.

 

 

દરરોજ તમારું શેડ્યૂલ બનાવો.

 

 તમારા પરિવાર, સ્વજનો અને મિત્રો સાથે સમય પસાર કરો.

 

 સમય સમય પર સ્વાસ્થ્ય તપાસ કરાવો.

 

 તનાવના કારણોને જાણો અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો.

 

 વ્યાયામ, યોગ અને પોષ્ટિક આહાર લો.

 

જો તમને લાગે કે તમારું માનસિક સ્વાસ્થ્ય ખોરવાઈ રહ્યું છે, તો તરત જ મનોચિકિત્સકની સલાહ લો. 

 

નેગેટીવ બાબતો અને નેગેટીવ લોકોથી દૂર રહો. 

 

 ખુશ રહો અને આસપાસના વાતાવરણને ખુશ રાખો.

  

અન્યનો આદર કરો અને ખૂબ નમ્ર વર્તન કરો.

 

હંમેશા આશાવાદી બનો, અને સમસ્યાઓ  સરળતાથી હલ કરો અને મુશ્કેલીમાં તાત્કાલિક નિર્ણય લો.

 

કોઈ પણ સમસ્યા હોય ત્યારે તમારી નજીકની વ્યકિત સાથે વાત કરી મન હળવું કરો.

 

 કોરોનાની આ સ્થિતિમાં તમારી જાતને શાંત કેવી રીતે રાખવી?

કોઈપણ કાર્ય નાનું ન સમજો.

 

 હંમેશાં બીજાને મદદ કરવા તૈયાર રહો કારણ કે બીજાની મદદ કર્યા પછી, મનને ઘણી શાંતિ મળે છે.  

 

 જો તમે કોઈ વસ્તુ કે વ્યક્તિથી નાખુશ છો, તો તેમને જણાવો અને સમાધાન કરો.

 

 ક્યારેય કોઈ લાગણીને ન દબાવો.  

 

 નકારાત્મક બાબતોથી દૂર રહો.

 

તમારી જાતને પ્રેમ કરો

 

 પરિસ્થિતિ ગમે તે હોય, હંમેશાં તમારી જાતને અને તમારા પરિવારને પ્રેમ કરો. 

 

આ સમયમા કોરોનામાં પોતાને ફીટ અને સ્વસ્થ રાખવા માટે, યોગા-ધ્યાન, પ્રાણાયામ કરો, સંતુલિત આહાર લો.

 

જ્યારે તમે તમારી જાતને નકારાત્મક વસ્તુઓથી દૂર કરો છો, ત્યારે મન આપમેળે સકારાત્મક વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કરશે.

 

નકારાત્મક સમાચારોના વાતાવરણમાં પોતાને સકારાત્મક રાખવા માટે, દરરોજ સવારે જાગ્યા પછી ભગવાનનો આભાર માનો કે  સંપૂર્ણપણે સ્વસ્થ રાખી, બીજા સુંદર દિવસ માટે આભાર, આટલું જ નહીં, તમારી પાસેની દરેક વસ્તુ માટે આભાર માનો. 

આવી ઘણી નાની નાની વાતો છે, જેના માટે તમે કૃતજ્ઞતા વ્યક્ત કરીને સકારાત્મક રહી શકો છો.

 

 

'’દરેક સમસ્યાનો હલ હોય જ છે' એ વાત સારી રીતે સમજી સ્વીકારી, મનને સ્વસ્થ રાખવું. જરૂર પડે તો માનસિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પીટલ, મનોચિકિત્સકની સલાહ લેવી. મન ખુશ રહે તેવી પ્રવૃતિઓમાં હંમેશા વ્યસ્ત રહેવું. પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરવું.

શારીરિક સાથે માનસિક સ્વસ્થતા જાળવી સંપૂર્ણ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં સહયોગી બનીએ એ જ આજના દિવસનો સંદેશ

 


Department: Department of Psychology

20-12-2020