article on hominophobia by Taufik Jadav & Dr. Hasmukh Chavda

વધતી જતી હિંસા, અપહરણો અને બળાત્કારોનાં કારણે સ્ત્રીઓ હોમિનોફોબિયા એટલે કે પુરુષોનો ભય વધુ અનુભવ કરી રહી છે.

 

તૌફિક એચ. જાદવ અને  ડૉ. હસમુખ એમ. ચાવડા

 

મનોવિજ્ઞાન ભવન,

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

 

 

 

ભારત દેશની સંસ્કૃતિ તરફ નજર ફેરવીએ તો આપણને જણાશે કે સ્ત્રીઓએ પુરૂષોની મર્દાનગીને સન્માન આપી પુરૂષોને વધાવ્યાં હતાં. તે પોતાને પુરૂષો પાસે સલામત છે તેવું અનુભવતી, પણ છેલ્લા કેટલાક સમયથી પુરૂષોના સ્ત્રીઓ પરનાં અત્યાચારો, હિંસાઓ, બળાત્કારો, જાતિય સતામણીઓ, છેડતીઓ, અપહરણો અને સ્ત્રી હત્યાઓ જેવી ઘટનાઓએ માજા મુકી છે. આ બધી ઘટનાઓને કારણે આજે સ્ત્રીઓ એક મનોવૈજ્ઞાનિક ભય HOMINOPHOBIAનો અનુભવ કરી રહી છે. હોમિનોફોબિયા એટલે પુરૂષોનો ભય. સ્ત્રીઓ પર કરવામાં આવતા અત્યાચારોમાં જ્યારે પુરૂષોને સજા આપવાની કાર્યવાહીમાં શિથિલતા, ગુન્હેગારોને બચાવવાનો પ્રયાસ, સ્ત્રીઓએ પુરૂષો વિરુદ્ધ ફરિયાદો ન કરવા માટે પરિવારનું દબાણ, જેવા વગેરે કારણોને લીધે સ્ત્રીઓ આજે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પુરૂષોથી અનુભવાતી આવી અસુરક્ષના ભયને હોમિનોફોબિયા કહે છે.

 

 

 

રોજબરોજનાં સામયિક પત્રોમાં અને ન્યુઝ ચેનલોમાં આપણે કેટલી નિર્દોષ યુવતીઓ અને મહિલાઓ જાતીય સતામણીનો ભોગ બને છે તે જોઇએ છીએ. જ્યારે આવી સમસ્યાઓ પર ઝડપી કાર્યવાહીઓ કરવામાં નથી આવતી કે સ્ત્રીને જ ગુન્હેગાર માનવામાં આવે છે ત્યારે દેશની બીજી મહિલાઓ કે બાળકીઓ પોતાની જાતિય સતામણીની ફરિયાદ કરવામાં પોતાને સમર્થ સમજતી નથી. આના કારણે તે સમગ્ર પુરૂષ જાતિ પ્રત્યે ભય અનુભવવા લાગે છે.

 

 

 

સ્ત્રીઓ પુરૂષોનો ભય નીચેના કારણોથી અનુભવે છે.

 

1.          સામાજિકરણ : દોષિત સામાજિકરણનાં કારણે સ્ત્રીઓના મનમાં પુરૂષો વિશેના ખોટા ખ્યાલો તેમજ પુરૂષોના મનમાં સ્ત્રી વિશેનાં ખોટા ખ્યાલો આરોપિત કરવામાં આવે છે. જેમ કે, સ્ત્રીઓ અબળા છે, ઘર-પરિવારનાં મહત્વનાં નિર્ણયો પુરૂષોએ જ લેવા, સ્ત્રીને એક વસ્તું સમજવી, સ્ત્રીઓ એ માત્ર ઘરકામ જ કરવું જોઇએ વગેરે...જેને કારણે સ્ત્રી માનસમાં પુરૂષ વિશે એક ખોટી ગ્રંથી બંધાય છે કે તે પોતે પુરૂષોની સરખામણીએ નિમ્ન છે. તેથી જ્યારે તેના પર કોઇ હિંસા કે અત્યાચાર થાય ત્યારે તે પોતાને અબળા માની પુરૂષો સામે પોતાનો આવાજ ઉઠાવતી નથી.

 

2.          સામાજિક - સાંસ્કૃતિક ધારાધોરણો અને નિયમો : ઘણા વર્ષોથી આપણે આપણા સામાજિક નિતી-નિયમો અને ધારા ધોરણોને સ્વીકરતા અને પાલન કરતા આવ્યાં છીએ. આવા ધારા-ધોરણો ખાસ કરીને સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા માટે બનાવવામાં આવ્યાં હોય તેવું લાગે છે. જ્યારે સ્ત્રીઓ આવા નિયમોની વિરુદ્ધ પગલા ભરે છે તો તેની સાથે પુરૂષો દ્વારા બિભત્સ વર્તન કરવામાં આવે છે અથવા તો તેને મારી નાખવામાં આવે છે. આ કારણે પણ સ્ત્રીઓને પ્રુરૂષોનો ભય સતાવે છે.

 

3.          ધર્મ : કોઇપણ દેશની ધાર્મિક બાબતોમાં પુરૂષોને વધારે મહત્વ આપવામાં આવ્યુ છે. ધર્મથી સ્ત્રીઓને હંમેશા દુર રાખવાનાં પ્રયત્નો કરવામાં આવ્યાં છે. ધાર્મિક પ્રવૃતિઓ માત્ર પુરૂષો જ કરી શકતા હોવાના કારણે પોતે હિનતાભાવ અનુભવે છે. ધાર્મિક બાબતોની આવી પૂર્વગ્રહિત માન્યતાને કારણે સ્ત્રીઓ પુરૂષોથી પોતાને નિમ્ન કક્ષાની માને છે.

 

4.          ઉછેર : બાળઉછેર દરમ્યાન છોકરીઓને હંમેશા છોકરાઓથી નિમ્ન માનવામાં આવે છે. ત્યાથી જ સ્ત્રી માનસમાં પુરૂષો કરતા તે નિમ્ન છે તેનો ભાવ ઉત્પન્ન થાય છે. જ્યારે તે પોતાની માતાને અન્ય હિંસાઓ સહન કરતા જોવે છે તો પોતે પણ તેનુ અનુકરણ કરે છે. અને તેનામાં પુરૂષો પ્રત્યેનો હિનતા ભાવ જન્મે છે.

 

5.          ભુતકાળનો અનુભવ : ભુતકાળની ઘટનામાં જો કોઇ પુરૂષ દ્વારા સ્ત્રી પર અત્યાચાર કરવામાં આવ્યો હોય અને તેમાં સ્ત્રીએ ફરિયાદ કરી હોવા છતાં જો તેને યોગ્ય ન્યાય ન મળ્યો હોય તો તે આ ભુતકાળનાં અનુભવને આત્મસાત કરી લે છે. આ આત્મસાતીકરણની સ્ત્રી માનસ પર એવી અસર થાય છે કે તે ભવિષ્યમાં પોતાની પર કે અન્ય સ્ત્રી પર અત્યાચાર થાય ત્યારે તે ચુપચાપ જુલમને સહન કરવા લાગે છે. અને મનો-મન પુરૂષો પ્રત્યે ધૃણાભાવ વિકસાવે છે.

 

 

 

હોમિનોફોબિયાના માનસિક અને શારીરિક લક્ષણો :

 

આ ફોબિયાને ક્યારેય હળવાશથી લેવો જોઈએ નહીં. કારણ કે, બધા જ પ્રકારનાં ફોબિયા અમુક અંશે વ્યક્તિની રોજીંદી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે અને કેટલીક બાબતોમાં વ્યક્તિને અસ્વસ્થતા કે હતાશાનો અનુભવ કરાવવા માટે તે મૂળ કારણ હોય છે. જે સ્ત્રીઓ આ ફોબિયાથી પીડિત હોય છે તે મોટાભાગે તેવાં પુરૂષોનાં સંપર્કમાં આવવાનું ટાળે છે કે જેનાથી તે ભય કે અસ્વસ્થતાનો અનુભવ કરે છે. આ ફોબિયા ધરાવનાર સ્ત્રી જ્યારે તેવા પુરૂષોના સંપર્કમાં આવે છે કે જેઓ તેમને ઘુરીને જોતા હોય, તેમના પ્રાઇવેટ પાર્ટ પર નજર નાખતા હોય ત્યારે સ્ત્રીઓ અસહજ, ચિંતિત કે ભયનો અનુભવ કરે છે. જો સ્ત્રી પર કોઇ પુરૂષ દ્વારા અત્યાચાર થયો હોય તો તે એકલતા, મુંજવણ, હતાશા અને ગભરામણ અનુભવે છે. આ ભય એટલો ભયાનક હોય છે કે તે પોતાના સગા-સંબંધી પુરૂષો પાસે પણ જવાનું ટાળે છે. પુરુષોથી ભય અનુભવનાર મહિલા ઘણીવાર ગભરાટના હુમલાનો અનુભવ કરે છે. તે ભય અનુભવનાર મહિલા માટે ખુબ ગભરાહટ ભર્યુ કે દુ:ખ દાયક હોય છે. આવા લક્ષણોનો અનુભવ મોટાભાગે અચાનક અને કોઈપણ ચિહ્નો કે ચેતવણીઓ વગર થાય છે.

 

·               હોમિનોફોબિયાના માનસિક લક્ષણો : નિયંત્રણ ગુમાવવાનો ભય, બેહોશ થવાનો ભય, ભયની લાગણી, મૃત્યુ ભય, નુકસાન કે માંદગીનો ભય, અપરાધ ભાવ, શરમ, સ્વ-દોષ, ઉદાસી કે નિરાશા, મૂંઝવણ, ધ્યાન એકાગ્રતામાં મુશ્કેલી, ક્રોધ, ચીડિયાપણું, મૂડમાં પરિવર્તન, ચિંતા અને ભય.

 

·               હોમિનોફોબિયાના શારીરિક લક્ષણો : પરસેવો, શરીરમાં ધૃજારી, ગરમી કે ઠંડી, શ્વાસની તકલીફ અથવા શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણ, હ્ર્દયનાં ધબકારા વધવા, પીડા અથવા છાતીમાં જડતા, ઉબકા, માથાનો દુખાવો અને ચક્કર, શરીરમાં નિષ્ક્રિયતા, શૌચાલય જવાની જરૂર લાગે, મૂંઝવણ અથવા અવ્યવસ્થા, હાયપરવેન્ટિલેશન, બ્લડ પ્રેશરમાં વધારો.

 

હોમિનોફોબિયાને દુર કરવાનાં પગલા :-

 

·         મહિલા સંરક્ષણ નિયમ, 2005 : ઘરેલું હિંસા અને ખાસ કરીને સ્ત્રીઓ સાથે થનાર હિંસક વર્તનને નિયંત્રિત કરવા માટે મહિલા સંરક્ષણ ધારો, 2005નો ઉપયોગ કરી શકાય છે. પીડિત સ્ત્રી વકીલની પાસે સંબંધિત હિંસાની માહિતી અદાલત સંબંધિત રક્ષણ અધિકારીને આપે છે. આ રીતે નક્કી કરાયેલ ઔપચારિકતાને પૂર્ણ કર્યા બાદ પીડિત સ્ત્રીને જરૂરી રક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ અજ્ઞાનતા, અશિક્ષણ, આર્થિક અસર્થતા, ધાર્મિક અંધવિશ્વાસ વગેરે કારણોસર ઘણી સ્ત્રીઓ આ કાયદાની વ્યવસ્થાનો લાભ નથી મેળવી શકતી. માટે સ્ત્રી જાગૃતિને ધ્યાનમાં લઇ સ્ત્રી કાયદાઓની જાણકારી સમાજમાં વધે તેવા પ્રયત્નો કરવા જોઇએ. જેથી મહિલા પુરૂષોનાં ભયથી મુક્ત થઇ શકે. તકલીફ એ છે કે આ કાયદો હોવા છતાં અમલવારી કરનાર મોટા ભાગે પુરૂષો હોવાથી સ્ત્રીઓને આવા કાયદાથી લાભ થવાને બદલે ગેરલાભ થાય છે. ચુસ્ત રીતેનિયમોનું પાલન કરવામાં આવે તે ખાસ જરૂરી છે.

 

·         દેશમાં રોજબરોજ મહિલાઓ પર બળાત્કાર, છેડતી, હિંસાની ઘટનાઓ સાંભળવા અને વાંચવા મળે છે.  કેટલાક કેસોને બાદ કરતા, હજારો પીડિત મહિલાઓ ન્યાય માટે આજે પણ ઠોકર ખાઈ રહી છે, પરંતુ તેમને આજદીન સુધી ન્યાય મળ્યો નથી.   આ માટે આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઇએ અને 6 મહિનાની અંદર ગુન્હેગારને કડક સજા આપવામાં આવે તો મહિલાઓ જે હોમિનોફોબિયાનો અનુભવ કરે છે તેને ઓછો કરી શકાય.

 

·         આપણા સમાજમાં સ્ત્રીને પ્રાચીન સમયથી જ નબળી માનવામાં આવી છે. તેથી પરિવારના લોકો દ્વારા તેમને કહેવામાં આવે છે કે સ્ત્રીઓને બહાર જઇને કામ ન કરવું જોઈએ, તેઓએ ફક્ત ઘરનું કામ કરવું જોઈએ. આ મનસિકતામાં આપણે પરિવર્તન લાવવું પડશે અને સમાજને મહિલાઓની શક્તિથી વાકેફ કરવો પડશે. મહિલાઓ પોતાની શક્તિઓથી વાકેફ થશે તો તેનામાં પુરૂષો પ્રત્યેનો ભય આપોઆપ ઓછો થઇ જશે.

 

·         આપણે આપણા સમાજની વિચારસરણી બદલવા, જેટલું કરી શકીએ તેટલું કરવું પડશે, કારણ કે જો મહિલાઓ પર જ્યારે તેમના ઘરે હિંસા કરવામાં આવે છે, તો તેમને પરિવારના આદરનું કારણ આપીને ચુપ કરી દેવામાં છે. પોતાને પરિવારનાં આદરનાં નામે અન્યાય સહન કરવો પડે છે. પરિણામે પુરૂષોથી હંમેશા તે ભયભીત થઇને રહે છે. આ ભયને દુર કરવો પડશે.

 

·         આપણે સ્ત્રીઓને આ પુરુષ પ્રભુત્વ ધરાવતા સમાજોના ચુંગલમાંથી મુક્તિ અપાવવી પડશે અને શિક્ષણ દ્વારા તેમને સશક્ત બનાવવી પડશે. ખાસ કરીને કાયદાકીય જ્ઞાન તેમને આપવું પડશે. જેથી તે નિર્ભય બની શકે. 

 

·         બાળપણથી જ શિક્ષણમાં સંસ્કારો પર ભાર મૂકવામાં આવશે અને પૃથ્વી પર અસ્તિત્વ ટકાવી રાખવા સ્ત્રી અને પુરૂષ બન્ને જરૂરી છે તેવા પાઠ ભણાવવામાં આવશે તો જ મહિલાઓ સુરક્ષિત રહેશે.

 

·         જ્યાં સુધી મહિલાઓને ઝડપી ન્યાય નહીં મળે અને ગુનેગારોને સજા કરવામાં વિલંબ થશે ત્યાં સુધી સ્ત્રીઓ બધે જ અસલામતી અનુભવશે.  સ્ત્રીઓને તેમના અધિકારો માટે વધુ સજાગ અને જાગૃત કરવી પડશે.

 

·         સરકારે મહિલાઓના રક્ષણ માટે ઘણા કાયદા બનાવ્યા છે.  પણ એવું લાગે છે કે લોકોને કાયદાનો ડર નથી. તેનું મુખ્ય કારણ વહીવટીતંત્ર છે.  કાયદાની કેટલીક ખામીઓને કારણે દોષિતોનો બચાવ થાય છે.  અશ્લીલતાનો ફેલાવો પણ એક મૂખ્ય કારણ છે.  મહિલાઓને પોતાને બચાવી શકે તે માટે તેને પ્રશિક્ષિત અને જાગૃત કરવી પડશે.

 

 

 

 

 


Department: Department of Psychology

21-12-2020