*શુ લોકોમાં સમાજવીરોધી વ્યક્તિત્વ વિકૃતિનો વધારો થઈ રહ્યો છે?*
*શુ માનવીએ કોરોના સમયમાં પણ લેવાય એટલો લાભ લઇ લીધો છે?*
*શુ માનવીએ માનવતા નેવે મૂકી દીધી છે?*
ડો.યોગેશ જોગસણ, અધ્યક્ષ,મનોવિજ્ઞાન ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ડો.ધારા આર. દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
*બે પ્રકારની વૃત્તિ માણસમાં હોય છે જીવનવૃત્તિ અને મૃત્યુવૃત્તિ. જે માણસ સેવાભાવી છે તે જીવનવૃત્તિનો આધાર રાખે છે અને જે ભ્રષ્ટાચારી છે તે મૃત્યુવૃત્તિનો*
સમાજમાં રહેતા લોકોનું ડો.ધારા દોશી અને ડો.યોગેશ જોગસણ દ્વારા મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું તો જોવા મળ્યું કે તાજેતરના સમયમાં બે પ્રકારના માણસો જોવા મળે છે. એક એવા જે આ મહામારીના સમયમાં પણ માનવતા દાખવી લોકોની કોઈ સ્વાર્થ વગર મદદ કરતા જોવા મળે છે. પરિવારની ચિંતા વગર પણ સતત સેવા કરવી એ જ એમનો ઉદ્દેશ્ય રહ્યો હોય. રેમડીસીવરના કાળા બજાર, સૅનેટાઇઝ ના કાળા બજાર, ઓક્સિજન સિલિન્ડર સંગ્રહ, વેકસિન માં પણ ઘાલમેલ, ફળોના ભાવ આસમાને, રૂપિયા દેતા હોસ્પિટલમાં બેડ મળે વગેરે બાબતોએ માણસોની કાળી સાઈડ દેખાડી. માણસ મોત સામે લડતો હોય છે ત્યારે બીજા રૂપિયા કમાવવાની લાલસા રાખતા હોય છે, મોરબી મચ્છુ ડેમ દુર્ઘટના હોય કે કચ્છનો ધરતીકંપ આપણે લાશો ઉપરથી ઘરેણાં ઉતારી લીધેલા દાખલા જોયા છે. જ્યારે બીજા એવા લોકોજે કાળાબજાર કરી લોકોને આર્થિક, માનસિક, સામાજિક રીતે નીચોવી નાખવાનું કઈ બાકી નથી રાખતા.
માણસ જ્યારે જીવન મૃત્યુ વચ્ચે જોલા ખાઈ રહ્યો હોય ત્યારે સમાજ વિરોધી વ્યક્તિત્વ ધરાવનાર રેમડેસ્વીર ના કાળા બજાર કરે છે, ખોટી દવાઓ બનાવે છે અને મોત નો તાંડવ રચી રહ્યા છે.
આ સમયે એક વિચાર આવે કે એવી માનવીની કઈ જરૂરિયાત જે માનવતા ને નેવે મૂકી પોતાનો જ સ્વાર્થ સિદ્ધ કરવાના સપના માં રાચે અને કોઈના જીવન સાથે ખેલ ખેલે. આ બાબત નું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે કે આ પ્રકારનું હલકું, હીન કૃત્ય માનવી શા માટે કરે છે? શા માટે કોઈના જીવન સાથે રમત રમી દવાઓની પણ કાળાબજારી કરે છે? તેના કારણો પર પ્રકાશ પાડવો ખૂબ જરૂરી છે.
*હાલના સમયમાં શા માટે દવા અને ઇન્જેક્શનની કાળાબજારી? શા માટે ભાવો આસમાને પહોંચ્યા? મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ*
*નૈતિકતાનું પતન*
નામથી જ સ્પષ્ટ થાય છે કે આચારનું પતન એ ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ છે. નીતિશાસ્ત્રમાં હંમેશા આચારનું પ્રતિનિધિત્વ કરવાનું કહ્યું છે. કોઈનો નૈતિક ઉદય અથવા પતન તેના વર્તનને પણ પ્રભાવિત કરે છે. નીતિની વાતો કરવી અને આચરણ કરવામાં બહુ તફાવત છે. આધુનિક શિક્ષણ પ્રણાલી અને સામાજિક વાતાવરણમાં બાળકોની નૈતિક ઉત્થાન માટેની જે બેદરકારી છે તે બાળકને અને તેના જીવનને અસર કરે છે. જો નીતિ વ્યક્તિના વ્યક્તિત્વમાં હશે તો કોઈનું ખોટું કરતા પહેલા હજાર વખત વિચાર કરશે.
*આર્થિક અસમાનતા*
દરેક માનવીની કેટલીક પાયાની જરૂરિયાતો હોય છે. પૈસા અને જીવનનિર્વાહ માટેની સુવિધાઓ માટેની કેટલીક ન્યુનત્તમ આવશ્યકતાઓ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સમગ્ર વિશ્વમાં આર્થિક અસમાનતા ઝડપથી વધી છે. શ્રીમંત સતત સમૃદ્ધ થતા જાય છે અને ગરીબોને તેમની આજીવિકા માટે સંઘર્ષ કરવો પડે છે. જ્યારે વ્યક્તિની ન્યુનત્તમ આવશ્યકતાઓ સરળ રીતે પૂર્ણ થતી નથી, ત્યારે તે નૈતિકતા પરનો વિશ્વાસ ગુમાવે છે અને ક્યાંક ટકી રહેવા માટે અનૈતિક રહેવાની ફરજ પાડવામાં આવે છે.
*સરળ રીત શોધવી*
માનવીય સ્વભાવ છે કે ઓછામાં ઓછી મુશ્કેલી લઈને કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માંગે છે. તે દરેક કાર્ય માટે ટૂંકા અને સરળ માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે. આના માટે બે રસ્તાઓ હોઈ શકે છે… એક રસ્તો નૈતિકતાનો હોઈ શકે છે જે લાંબો અને હેરાન કરી શકે છે અને બીજો ટૂંકો પણ અનૈતિક માર્ગ છે. લોકો તેમના ફાયદા માટે પસંદ કરેલી ટૂંકી રીતથી પોતે ભ્રષ્ટ થઈ જાય છે, તેઓ અન્યને પણ ભ્રષ્ટ થવા માટે પ્રોત્સાહિત કરે છે.
*મહત્વાકાંક્ષા*
મહ્ત્વકાંક્ષાને કારણે કેટલાક લોકો કૌભાંડો કરીને પણ વધુ પૈસા મેળવવા માટે ઉત્સુક છે અને તેમની જરૂરુયાતો પૂર્ણ કરે છે.
*અસંતોષ*
જ્યારે વ્યક્તિને કોઈ અસંતોષ છે, ત્યારે તે ભ્રષ્ટ વર્તન કરવાનું શરૂ કરે છે.
*સ્વાર્થ અને અસમાનતા*
આર્થિક અને સામાજિક અસમાનતાને લીધે પણ વ્યક્તિ પોતાને ભ્રષ્ટ કરે છે. હીનતા અને ઈર્ષ્યાનો ભોગ બનેલા લોકોને ભ્રષ્ટાચાર અપનાવવાની ફરજ પડે છે. વળી લાંચ લેવી, ખોટું કરવું, સગાવાદ, સ્વાર્થ વગેરે ભ્રષ્ટાચારને જન્મ આપે છે.
*આત્મમોહી વ્યક્તિત્વ વિકૃતિ*
આ પ્રકારનું વર્તન ધરાવનાર વ્યક્તિ આત્મમોહી એટલે કે આત્મ મહત્વની ભાવના વધારે તીવ્ર ધરાવે છે. આવી વ્યક્તિ પોતાની જાતને વધુ મહત્વપૂર્ણ વ્યક્તિ સમજે છે અને પોતે જે કરે એ જ યોગ્ય અને સાચું છે તેવી ભાવના રાખે છે.
*અંતઃકરણનો અપૂરતો વિકાસ*
આવી વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ ખૂબ સારો હોય એટલે કે IQ લેવલ સારું હોય પરંતુ તેમનું અંતઃ કરણ એટલે કે આવેગો અને લાગણીઓ EQ ની માત્રા ખૂબ ઓછી જોવા મળતી હોય છે. પરિણામે આવા લોકો સામાજિક અને નૈતિક મૂલ્યોની અવગણના કરે છે. તે માત્ર પોતાના સ્વાર્થ ખાતર પોતે જે કરે એ સાચું છે તેમજ માને છે.
*ચિંતા અને દોષભાવની ખામી*
આવી વ્યક્તિમાં આવું નિષેધક વર્તન કરવાથી શુ થશે એની કોઈ ચિંતા નથી હોતી કે નથી કોઈ દોષભાવ હોતો. તેને કોઈ નિષેધક કાર્ય કર્યાની લાગણી કે અફસોસ નથી હોતો.
*બેજવાબદાર અને આવેગશીલ વર્તન*
આવી વ્યક્તિની એક વિશેષતા એ છે કે આવી વ્યક્તિમાં બીજાની ભલાઈ, જરૂરિયાત તેમજ કલ્યાણની કોઈ લાગણી નથી હોતી. તે બસ કોઈ પાસેથી પૈસા પડાવવા માગે છે અને તે માટે કોઈપણ નિષેધક રસ્તો લે છે.
*સ્થિર વ્યામોહ વ્યક્તિત્વ વિકૃતિ*
આ વ્યક્તિઓ સ્થિર વ્યામોહ વ્યક્તિત્વ વિકૃતિ ધરાવતી હોય છે. આવા લોકો પોતાના ખોટા કામને કોઈપણ તર્ક દ્વારા સાચા સાબિત કરવાના પ્રયત્ન કરે છે. બસ સ્વનો વિચાર કરી વ્યક્તિ પોતાના પ્રેમમાં રાચે છે અને કોઈ ભય વગર નિષેધક કાર્ય કરવા પ્રેરાય છે
*દોષપૂર્ણ આંતરક્રિયા*
સમાજ વિરોધી વ્યક્તિત્વનો વિકાસ ખોટી આંતરક્રિયાને લીધે પણ થાય છે. ખોટી સંગત અને ખોટા સાથને કારણે તાત્કાલિક આગળ વધવાની ભાવના હોવાથી પણ આ પ્રકારનું વર્તન થતું જોવા મળે છે
*રૂપિયાની વ્યવસ્થાની સુવિધા*
ખોટી રીતથી મેળવેલા રૂપિયાને કોઈ ભય વિના વ્યવસ્થિત રાખવાની સુવિધાને કારણે પણ વર્તમાન સમયમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે . એક સમય એ હતો કે ન તો કાગળના રૂપિયાની વ્યવસ્થા હતી અને ન તો બેંકોની સરળતા હતી અને ન તો વિદેશો સાથે સંપર્ક હતો . માટે ખોટી રીતથી પૈસા પ્રાપ્ત કરવાનો કોઈ ખાસ રસ્તો નહોતો . પરંતુ આજે આ બધી સુવિધા હોવાને કારણે ખોટા માધ્યમથી પૈસા કમાવવા અને તેને જમા રાખવાની પ્રેરણા ઘણી પ્રબળ થઈ ગઈ છે . પરિણામે ભ્રષ્ટાચાર ઘણો વધતો જાય છે .
*માનવીય મૂલ્યોમાં પરિવર્તન*
એક સમય એ હતો જ્યારે પ્રમાણિકતા , સત્યતા , માનવતા અને ઈમાનદારીને સમાજમાં ઉચ્ચ માનવીય મુલ્ય માનવામાં આવતા , માટે આ માનવીય મૂલ્યો પર અમલ કરનારા વ્યક્તિઓને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત હતું . આવા લોકોને સમાજમાં ઉચ્ચ પ્રતિષ્ઠા પ્રાપ્ત હતી , પરંતુ વર્તમાન સમયમાં એવા લોકોને પ્રતિષ્ઠિત અને સન્માનીય માનવામાં આવે છે જે આર્થિક દ્રષ્ટિકોણથી સમૃદ્ધ હોય છે અથવા રાજકીય દ્રષ્ટિકોણથી સક્ષમ હોય છે , માટે લોકોને પોતાને આર્થિક અને રાજકીય દ્રષ્ટિકોણથી મજબૂત બનાવવાનું પ્રોત્સાહન મળે છે પછી ભલે તેનું માધ્યમ ભ્રષ્ટાચાર કેમ ન હોય ?
*ભ્રષ્ટાચાર કે સંગ્રહખોર પાછળ વ્યક્તિત્વ વિકૃતિ કે વ્યક્તિત્વ બંધારણ મુખ્ય ભાગ ભજવે છે*.
સિગ્મન્ડ ફ્રોઇડે માનવપ્રવૃતિઓના બે ધ્યેય બતાવ્યા છે તે મુજબ માણસમાં આત્મસરંક્ષણ અને વંશસરંક્ષણ હોય છે, જે લોકોનો અધિ-અહમ વ્યવસ્થિત વિકસ્યો ન હોય તેઓ વઘુ સ્વકેન્દ્રીત અને લાલચુ બનતા હોય છે. સિગ્મન્ડ ફ્રોઈડ બે મૂળવૃતિ પર ભાર આપે છે જીવન પ્રેરણા અને મૃત્યુ પ્રેરણા. જીવન પ્રેરણાનું ધ્યેય એકતા સ્થાપવાનું, સંગઠન કરવાનું છે. મૃત્યુ પ્રેરણાનું ધ્યેય એનાથી ઉલટું વિનાશ કરવાનું છે, વ્યક્તિ જ્યારે મૃત્યુ પ્રેરણાથી ઉત્તેજિત થાય ત્યારે શરૂ થાય છે અનિતીમતા, ભ્રષ્ટાચાર અને લોકોનો મૃત્યુનો તાંડવ.
ભ્રષ્ટ માનસ અને ભ્રષ્ટાચારે માજા મુકી છે એવું કહી શકાય. ભ્રષ્ટાચાર એ એક સામાજિક દુષણ છે. જયારે નીતિમત્તા નેવે મુકાય ત્યારે ભ્રષ્ટાચારનો જન્મ થાય છે. ભ્રષ્ટાચાર એ જે તે વ્યક્તિના મનોવલણ કે માનસિકતાનું પ્રતિક કહી શકાય. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માણસ પર ત્રણ બાબતો સૌથી અસર કરે છે, શારીરિક, માનસિક અને સામાજિક. જો યોગ્ય મનોશારીરિક અને સામાજિક વિકાસ ન થયો હોય તો શારીરિક રીતે વ્યભિચારી બને છે, માનસિક રીતે તે સંગ્રહખોર બને છે અને સામાજિક રીતે તે ભ્રષ્ટાચારી બને છે. ભ્રષ્ટાચારના કિસ્સાઓ પરથી જાણવા મળ્યું છે કે આવી ભ્રષ્ટ થયેલી વ્યક્તિમાં એક પ્રકારની ગ્રંથિ બંધાયેલ હોય છે કે તે અન્યનો ભોગ બની લઈને પણ આનંદ માણી શકતા હોય છે. તે વ્યક્તિને સતત એક પ્રકાર નો અજંપો, અસંતોષ રહેતો હોય છે. મનોવિજ્ઞાન એવું પણ તારણ ભ્રષ્ટાચારનું આપે છે કે જયારે વ્યક્તિ તેની અંદર ખાલીપો અનુભવતી હોય કે તેને જયારે લાગતું હોય કે કંઈક ખૂટે છે ત્યારે તેનાં અંદરના ખાલીપાને દૂર કરવા તે ભ્રષ્ટાચાર તરફ વળે છે. આમ ભ્રષ્ટાચાર તેની આદત અને ભૂખ બની જાય છે.
*ભ્રષ્ટાચારને રોકવાના ઉપાયો*
ભ્રષ્ટાચારના વિવિધ કારણોનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે , આ કારણોના સંદર્ભમાં ભ્રષ્ટાચાર રોકવા અથવા નિયંત્રિત કરવા માટે નીચેના અસરકારક ઉપાયોનો ઉપયોગ કરી શકાય.
*સામાન્ય લોકોમાં નાગરિકના જ્ઞાન નો વિકાસ કરવો*
નાગરિકને એ વાતથી જાગૃત કરવામાં આવે કે દેશના નાગરિકના અધિકાર અને ફરજ શું છે , તેને એ વાતની પણ જાણકારી આપવામાં આવે કે દેશ કે રાષ્ટ્રની સુરક્ષા તેની સૌથી મોટી ફ૨જ છે , કાળાબજારીએ સજાને પાત્ર છે , સામાન્ય નાગરિકને એ વાતની જાણ કરવામાં અાવે કે પ્રચાર કરનારા વ્યક્તિઓને અસામાજિક કાર્યોને ક૨તા રોકવા અને જરૂરિયાત અનુસાર સંબંધિત અઘિકારીને યોગ્ય સમયે જાણ કરવી.
*સામાજિક મૂલ્યોમાં પરિવર્તન કરવું*
ભ્રષ્ટાચાર અને કાલાબજાર દૂર કરવાનો એક અસરકારક ઉપાય વર્તમાન સામાજિક મૂલ્યોમાં પરિવર્તન ક૨વાનો પણ છે . વર્તમાન સમયમાં આપણા દેશમાં કે સમાજમાં સન્માન પ્રતિષ્ઠા ગૌરવ એવા લોકોને મળે છે જેની પાસે પૂરતી સંપતિ કે રૂપિયા છે . પછી ભલે તે પૈસા પ્રચારના માધ્યમથી મળ્યા હોય કે કોઈને લૂંટીને મળ્યા હોય. આ સામાજિક મૂલ્યથી નિષેધક લોકોને પ્રોત્સાહન મળે છે આ સામાજિક પ્રતિષ્ઠા કે સામાજિક મૂલ્યોમાં પરિવર્તન લાવી આ કૃત્યને દૂર કરી શકાય છે . સમાજના લોકોએ કાળાબજાર કરનારને સન્માનની દષ્ટિએ ન જોવા જોઈએ પછી ભલે તે ગમે તેટલી સંપતિના માલિક હોય .
*વિક્રેતામાં પ્રમાણિકતા*
જ્યારે વિક્રેતામાં પ્રમાણિકતા ઉભી થાય ત્યારે ભ્રષ્ટાચાર કે કાળા બજારી દૂર થઇ શકે.
*માનવીય વર્તન કેળવવું*
માનવી છીએ તો માનવીય અભિગમ દાખવવો ખૂબ જરૂરી છે. સ્વાર્થની પરાકાસ્થા એટલી પણ ન વધારવી કે માનવીય મૂલ્ય નું અસ્તિત્વ જ ન રહે.
ભ્રષ્ટાચારને નાબૂદ કરવું એ સહેલું કાર્ય નથી, પરંતુ તેનો અંત લાવવો ખૂબ જરૂરી છે નહિતર આપણા દેશનું સ્વતંત્ર અસ્તિત્વ જોખમમાં છે.
Department:
Department of Psychology
21-06-2021