ડૉ.જે.એમ.ચન્દ્રવાડિયા (જન્મ તા. ૧૦-૦૬-૧૯૬૯) એમ.એ., પીએચ.ડી.ની પદવી ધરાવે છે અને પીએચ.ડી.ના માર્ગદર્શક અધ્યાપક છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. 'કવિતાની કેડીએ' અને 'વિમર્શ' નામના બે વિવેચન સંગ્રહો, મુક્તાનંદ સ્વામી રચિત 'ઉદ્ધવગીતા', 'કપિલગીતા', 'નારાયણગીતા', 'સતીગીતા', નિષ્કુળાનંદ સ્વામી રચિત 'સ્નેહગીતા', 'હરિબળગીતા' અને બ્રહ્માનંદ સ્વામી રચિત 'સતીગીતા' વગેરે કૃતિઓનું સંશોધન-સંપાદન પણ તેમણે કર્યું છે. છેલ્લા આઠ વર્ષથી તેઓ ગુજરાતી અધ્યાપક સંઘના મંત્રી તરીકે સેવારત છે. તે અંતર્ગત તેમની પાસેથી 'અધીત' ૩૦ થી ૩૮, 'અધીતપર્વ' ૧ થી ૪, 'પ્રમુખીય પ્રવચનો'-૩ અને 'ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ' વગેરે સંપાદનો મળ્યા ચી. તેમણે યુ.જી.સી.નો એક માઈનોર રિસર્ચ પ્રોજેક્ટ અને એક મેજર પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. ૧૯૯૫થી તેઓ અધ્યાપનકાર્ય કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન નીચે કુલ દસ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.