સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી પ્રભુ ચૌધરી એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડી.ની પદવી ધરાવે છે. તેઓ નેટ (યુ.જી.સી.) પાસ છે. તેમની પાસેથી 'નારિયેળી પૂનમ', શ્રાવણી પૂનમ', 'ગુલમોર' અને 'સંધ્યાના સાત રંગ' વાર્તાસંગ્રહો; 'ધરતીનો સાદ' નવલકથા; લોકસાહિત્યના સંશોધન-સંપાદનના ગ્રંથો : 'કોંકણી લોકકથાઓ', 'દસ ડાંગી લોકકથાઓ', 'ડાંગના લોકગીતો' અને 'ડાંગી લગ્નગીતો' મળે છે. તેઓ લોકસાહિત્ય, લોકકલા, લોકપરંપરા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતું 'રીતિ' નામક સામયિકના સંપાદક છે. તેઓએ વિવિધ યુનિવર્સિટી-કૉલેજો દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના અનેક પરિસંવાદોમાં ભાગ લીધેલ છે. એ ઉપરાંત તેઓએ જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ (જિ.ડાંગ) દ્વારા શિક્ષકો માટે યોજાયેલ વિવિધ પ્રકારની ૬૦ થી વધારે તાલીમોમાં તજજ્ઞ તરીકે સેવા આપેલ છે.