વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ(ભાઈઓ) સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઐતિહાસિક સિદ્ધિ:-
🏐🏐🏐🏐🏐🏐🏐
નમસ્કાર,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ૧૨ થી ૧૬ જાન્યુઆરી,૨૦૨૫ દરમિયાન વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ (ભાઈઓ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેસ્ટ ઝોનના ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની ૭૦ થી વધુ યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો.૧૨ મી. જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ પેવેલીયન ખાતે માનનીય કુલપતિશ્રી પ્રો.ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં તેમજ રાજકોટના સાંસદ માનનીયશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ માનનીયશ્રી રામભાઈ મોકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાગ લેનાર દરેક ટીમ માટે માર્ચ પાસ્ટ તેમજ આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ૨૫ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા આટલી મોટી સ્પર્ધાનું આયોજન કરવાની તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટને આપવામાં આવી છે. આ સ્પર્ધામાં આવેલ દરેક ટીમને ચાર પુલમાં વિભાજીત કરવામાં આવી હતી અને શરૂઆતની મેચો નોક આઉટ પદ્ધતિથી યોજવામાં આવી હતી.જે પૈકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, પારુલ યુનિવર્સિટી વડોદરા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર અને ડો.ભીમરાવ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી, છત્રપતિ સંભાજીનગરે પોત પોતાના પુલમાં વિજયી થતાં લીગ રાઉન્ડ માટે વોલીફાય કર્યું હતું. આમ, ગુજરાતની ત્રણ યુનિવર્સિટીઓ એક સાથે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધા માટે સિલેક્ટ થતાં ઈતિહાસ સર્જાયો હતો. લીગ રાઉન્ડના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટે ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી જ્યારે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ડો.ભીમરાવ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી અનુક્રમે દ્વિતીય,તૃતીય અને ચતુર્થ સ્થાને રહી હતી.
૧૬જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ માનનીય કુલપતિશ્રી પ્રો.ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રો.ડો. જયદીપસિંહ ચૌહાણ, શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો.હરીશ રાબાની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં વિજેતા ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી મેડલ્સ તથા સર્ટિફિકેટસ એનાયત કરવામાં આવ્યાં હતાં. જોઈન્ટ સેક્રેટરી ડૉ. એચ.આર.ભાલીયાએ સમગ્ર સ્પર્ધા દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર દરેક લોકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ.મુકેશકુમાર બારૈયાએ કર્યું હતું.
સ્પર્ધાનું પરિણામ:-
૧) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ -ચેમ્પિયન
૨) પારુલ યુનિવર્સિટી વડોદરા- રનર્સ અપ,
૩) ડૉ.ભીમરાવ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી-તૃતીય
બેસ્ટ ગોલકીપર:- પાર્થ કંકોશિયા (પારુલ યુનિવર્સિટી, વડોદરા)
બેસ્ટ ડિફેન્ડર:- શુભમ બચ્ચે (બી.એ. એમ. યુનિવર્સિટી સંભાજીનગર.)
બેસ્ટ સ્કોરર:- અનંત જૈન, કેપ્ટન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સમગ્ર સ્પર્ધાના આયોજનમાં માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવા બદલ માનનીય કુલપતિશ્રી પ્રો.ઉત્પલ જોશી તેમજ પૂર્વ કુલપતિશ્રી પ્રો. કમલસિંહ ડોડીયા સર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.આ ઉપરાંત સ્પર્ધાનું સફળ આયોજન તેમજ સંચાલન કરવામાં મદદરૂપ થનાર દરેક કમિટીના સાથી અધ્યાપકશ્રીઓ, ઓફિસિયલ મિત્રો, શારીરિક શિક્ષણ વિભાગના વહીવટી સ્ટાફ અને પત્રકાર મિત્રો પ્રત્યે ઋણભાવ વ્યક્ત કરીએ છીએ. ઓફિસિયલ્સ મિત્રોને ડિનર પાર્ટીના દાતા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રો.ડૉ.જયદીપસિંહ ચૌહાણ, વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ કોચ મેનેજરને ડિનર પાર્ટીના દાતા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્પોર્ટસ ડાયરેક્ટર ડૉ.આકાશ ગોહિલ તેમજ ડો.સુભાષ યુનિવર્સિટીના ડૉ. મહિપાલસિંહ જાડેજા પ્રત્યે અંતઃકરણ પૂર્વક આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
આ સ્પર્ધામાં વિજેતા થનાર દરેક ટીમ તથા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન તેમજ આવનારા સમયમાં યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ.
ડૉ.હરીશ બી.રાબા,
શારીરિક શિક્ષણ નિયામક,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
🏆🏆🥇🥇🥇🏆🏆