મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષના માર્ગદર્શનમાં અધ્યાપકોએ લખેલ ત્રણ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ગિરીશ ભીમાણી સાહેબે કર્યું
તારીખ 18/02/2022ના રોજ મનોવિજ્ઞાન ભવનમાં ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ગિરીશ ભીમાણી, USA લાઈફ કોચ ડૉ. કમલ પરીખ સાહેબ, સિન્ડીકેટ સભ્યશ્રી ડૉ. કલાધર આર્ય, ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ, રેખાબા જાડેજા, મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રણેય પુસ્તકોના નામ આ પ્રમાણે છે :
ચિકિત્સા મનોવિજ્ઞાન – ડૉ. ધારા આર. દોશી અને ડૉ. યોગેશ એ. જોગસણ
મનોવૈજ્ઞાનિક ઉપચાર – ડૉ. હસમુખ એમ. ચાવડા અને ડૉ. યોગેશ એ. જોગસણ
સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન – ડૉ. મિરાકુમારી જેપાર અને ડૉ. યોગેશ એ. જોગસણ
ડો.કમલ પરીખે જણાવ્યું કે વૈશ્વિક ફલક પર મનોવિજ્ઞાન ભવનનું ચોક્કસ નામ થશે એ મને વિશ્વાસ છે. જે જગ્યાએ પુસ્તકો ઘટતા જતા હોય અને રેસ્ટોરેન્ટ વધતા જતા હોય ત્યાં વિકાસ નહિ વિનાશ થાય. “આ ભવનના અધ્યાપકોએ ઘણા પુસ્તકો લખ્યા છે જેનો હું સાક્ષી રહ્યો છું. યુવાધન ગુગલમાથી શોધે તે કરતા પુસ્તક વાંચે તે વધુ હિતાવહ છે. પુસ્તકો તમને ક્યારેય છોડીને નહિ જાય.
કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણીએ જણાવ્યું કે વિચારો એ વહેચવા કરતા વેરવા ખુબ જરૂરી છે. મનોવિજ્ઞાન ભવન વિચારો વેરે છે અને જેમ વેરેલા બીજમાંથી વટવૃક્ષ બંને તેમ મનોવિજ્ઞાન ભવનના પ્રયાસોથી જરૂર માનસિક શાંતિ આવશે.
આજે હું મનોવિજ્ઞાન ભવનને નવું નામ આપું છું તે નામ હશે શ્રી અરવિંદ ભવન” પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક યુંગ જેમની પાસે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા આવ્યા હતા એવા શ્રી અરવિંદે આધુનિક મનોવિજ્ઞાનની જગ્યાએ ભારતીય મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને શ્રેષ્ઠ ગણે છે. અને જેના કારણે મનોવિજ્ઞાન ભવનનું નવું નામકરણ શ્રી અરવિંદ કરવામાં આવ્યું. મનોવિજ્ઞાન ભવનમાં ટૂંક સમયમાં કાઉન્સેલીંગનો ડીપ્લોમાં શરૂ કરવામાં આવશે.
સિન્ડિકેટ સભ્ય ડો.ક્લાધર આર્યએ કહ્યું કે મનોવિજ્ઞાન ભવને યુનિવર્સિટીની આભામાં વધારો કર્યો છે. આ પુસ્તકો થકી વિદ્યાર્થીઓને જ નહી સમાજને પણ ફાયદો થશે.