રેમેડીયલ ક્લાસ ઉદઘાટન કાર્યક્રમનું અહેવાલ લેખન
તા. ૧૧ જુલાઈ ૨૦૧૯નાં રોજ મનોવિજ્ઞાન ભવનમાં રેમેડીયલ કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેમેડીયલ કોચિંગ ક્લાસનાં આયોજનનાં ઉદઘાટન સમારોહમાં યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડૉ.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિશ્રી ડૉ.વિજયભાઈ દેશાણી અને CCDCનાં કો-ઓર્ડીનેટર ડૉ.નીકેશભાઈ શાહ તથા ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણ, ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ રેમેડીયલ કોચિંગ ક્લાસનો હેતુ વિદ્યાર્થીઓને વિષયનાં પાયાના જ્ઞાનથી વાકેફ કરી વિષયની જરૂરી માહિતી પૂરી પાડવાનો હતો.
આ કાર્યક્રમમાં બધાજ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ભવનના અધ્યક્ષ તથા ભવનના અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
પ્રસ્તુત કાર્યક્રમની રૂપરેખા ભવનના અધ્યક્ષ ડૉ.જોગસણ સાહેબ દ્વારા રજુ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ રેમેડીયલ કોચિંગ ક્લાસનું આયોજન દ્વારા વિદ્યાર્થીઓ પોતાના વિષયમાં રહેલ જ્ઞાનની ઉણપને દુર કરી શકશે. પ્રસંગોત્ચિત કાર્યક્રમનું ઉદબોધન કરતા ડૉ.નિકેશભાઈ શાહે જણાવ્યું હતું કે મનોવિજ્ઞાન ભવન એ પ્રથમ ભવન છે જેમણે આ એકેડમિક વર્ષમાં રેમેડીયલ કોચિંગ ક્લાસની શરૂઆત કરી. અને વિશેષમાં કહ્યું હતું કે મનોવિજ્ઞાન અને શરીર વિજ્ઞાન જ્યારે એક થઇ જશે ત્યારે આપણે પૂરી માનવ રચનાને સમજી શકશું. ત્યારબાદ ઉપકુલપતીશ્રી ડૉ.વિજયભાઈ દેશાણીએ જણાવ્યું કે જે રીતે શરીર બીમાર પડે ત્યારે ડોક્ટરની જરૂર પડે છે તેમ જ્યારે જીવનમાં સમાયોજનમાં મુશ્કેલી પડે ત્યારે એક સલાહકારની પણ જરૂરીયાત રહે છે. આ તકે માનનીય કુલપતિએ સાહેબે કહ્યું હતું કે તેઓ પણ આ ક્લાસમાં એક વખત કુલપતિ તરીકે નહિ પણ એક શિક્ષક તરીકે આવી વિદ્યાર્થીઓને ભણાવશે. તેમણે વિશેષમાં જણાવ્યું કે જ્યાં જ્યાં માનવી છે ત્યાં મનોવિજ્ઞાન છે અને દરેક ક્ષેત્રે મનોવૈજ્ઞાનિકની જરૂરીયાત છે.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.ડીમ્પલ જે રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ ડૉ.ભાગ્યશ્રી કે આશરા દ્વારા કરવામાં આવી હતી. અને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.