સમાજશાસ્ત્ર ભવન દ્વારા આયોજિત ઓનલાઇન વર્ગખંડનો આજે ૧૪ મો દિવસ છે. અભ્યાસકીય કોર્સ સંગત બાબતો પૂર્ણ થઈ છે ત્યારે હવે વિદ્યાર્થીઓ સાથે આ લોકડાઉનના સમયગાળામાં નહીં માત્ર વિધ્યાર્થીઓ બલકે તેઓનાં કુટુંબીજનો તેમજ તેમની સામાજિક પરિસ્થિતિની કાળજી વિશે ચિંતા કરી તેમની સાથે વાતચીત કરવાનો દોર આરંભ કર્યો છે. જેમાં અમારા વિદ્યાર્થીઓના માતા-પિતા ભાઈ-બહેન નાના દિકરા દિકરીઓ અને વડીલો સાથે ચર્ચા કરી તેમને પણ હળવાશ અનુભવાય એ દિશા તરફ સામાજિક પરામર્શ કરી એક પ્રોત્સાહન પૂરું પાડવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે, સાથોસાથ પૂર્વ આયોજિત 'પ્રોત્સાહન વ્યાખ્યાનમાળા' માં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. મહેશભાઈ જીવાણી સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો કેવો નવતર ઉપયોગ કરી શકાય તેનો વિશેષ ખ્યાલ તેમને સમજાવ્યો હતો. આ ટેક્નોલોજીને આપણા સાદા ફોન માં પણ ખૂબ ઉપયોગી બને એવી રીતે કાર્યાન્વિત કરી શકાય કે તેનો સદુપયોગ કરી શકાય તેનું વિગતવાર માહાત્મ્ય સમજાવ્યું હતું.તેમને વિદ્યાર્થીઓને કહ્યું કે અભ્યાસકીય નાની નાની બાબતોને કેવી રીતે તમે તમારા સાદા મોબાઇલથી પણ આકર્ષક રીતે બનાવીને સમાજ સમક્ષ મૂકી શકો, જેથી એક ભાથું તૈયાર થાય જેનો સદુપયોગ સર્વેને મળે, એ તરફ આપણે વળવાની જરૂર છે. આ માર્ગદર્શન વિદ્યાર્થીઓને ખૂબ પ્રાસંગિક બની રહ્યું છે. સમાજશાસ્ત્ર ભવન ડો. જીવાણી સાહેબ નો અનન્ય આભાર વ્યક્ત કરે છે.