મનોવિજ્ઞાન ભવનની વિધ્યાર્થીનીઓ એ સામાજિક જવાબદારીઓ નિભાવવાનું બીડું ઝડપ્યું
આજે વિશ્વ (10 ઓક્ટોબર) માનસિક સ્વાસ્થ્ય દિવસ. સરકારી વ્યવસ્થા કઈક એવી છે કે સરકાર પ્રજા પાસેથી ટેક્સ લે અને તે ટેક્સને સામાજિક વિકાસના કામોમાં લગાડે. જેમાં દરેક પ્રકારની જરૂરિયાતો પ્રજાની પૂરી થાય તે માટે બંધારણીય ઘણી જોગવાઇઓ છે. શિક્ષણ એ સરકારની અને સમાજની સહયારી જવાબદારી છે. સરકાર શિક્ષણ પાછળ ઘણા નાણાં ખર્ચે તે ખર્ચનો હેતુ સામાજિક વિકાસ હોય છે અને આ સામાજિક વિકાસ એટલે શિક્ષકો અને વિધ્યાર્થીઓ સામાજિક જવાબદારીઓ સહજતાથી સ્વીકારે. શિક્ષણનો પહેલો હેતુ તંદુરસ્ત સમાજ ઘડવાનો હોય છે. આ તંદુરસ્તી માત્ર શારીરિક નથી માનસિક રીતે સ્વસ્થ રહેવું તે અતિ જરૂરી છે. કેમ કે શરીર અને મન એક સિક્કાની બે બાજુઓ છે. આપણો સમાજ તો જ માનસિક સ્વસ્થ કહી શકાય કે એ જ્યારે કુરિતી, સામાજિક ભેદભાવ, અંધશ્રધા, કુરિવાજો અને અન્ય સામાજિક બદીઓથી મુક્ત થાય. આ સામાજિક બડીઓ દૂર કરવાની જવાબદારી એ આપણાં શિક્ષણ છે. બધુ જ ગોખી જવું એ શિક્ષણ નથી પણ જેટલું આવડે એટલું સમાજને ઉપયોગી કઈ રીતે થઈ શકે તેની ખેવના લેવી તે છે.
આજે 21મી સદીમાં આપણે હોવા છતાં 17મી સદીના અંધકાર યુગમાં જીતવા હોઈએ એવી માનસિકતા છે. આ માનસિકતાને સ્વસ્થ કરવાની જીદ મનોવિજ્ઞાન ભવનના વિધ્યાર્થીઓ એ લીધી છે.
આજે પણ સમાજમાં અંધશ્રધા એટલી ને એટલી જ પડેલી છે જેટલી મધ્ય યુગમાં હતી. માત્ર ભૌતિકવાદી સુધારો સમાજમાં આવ્યો છે પણ માનસિક સુધારો જોઈએ એટલો નથી. આજે પણ એજ કુરીવાજો ખોટી રીત રસમ સમાજમાં ખદેબદે છે.
સમાજને પ્રગતિશીલ કરવા માટે સામાજિક દૂષણો પર રોક લગાવવી જરૂરી છે. આજે પણ આપણે ત્યાં ટીવીમાં કે વર્તમાન પત્રમાં એવી જાહેરાત આવે છે કે મહાન તાંત્રિક દ્વારા વશીકરણ, ભૂત અને વળગાળ દૂર કરવામાં આવશે. લીંબુ મરચાનો જુડો હજુય આપણે ત્યાં એવોજ પ્રચલિત અને મશહૂર છે. ભૂત, ભૂવા અને ડાકલા હજુ પણ ગયા નથી ત્યારે વિધ્યાર્થીઓની પહેલી જવાબદારી એ બને છે કે આવી અંધશ્રધાને દૂર કરવા માટે નક્કર અને સમાજ વિગ્રહ થાય નહીં એ રીતે પ્રયત્ન કરે.
આજે અમારા ભવનના વિધ્યાર્થીઓ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્લાઝામાં નાટક દ્વારા સામાજિક સંદેશ પહોચાડ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ આ નાટક નિહાળીને ગૌરવિત થયા હતા. ગુજરાતી ભવનના વિધ્યાર્થીઓ સમક્ષ નાટકની રજૂઆત કરીને સામાજિક જવાબદારીઓ વહન કરવાની ઇચ્છા દર્શાવી હતી. ત્યારબાદ આ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિનું નાટક સમાજશાસ્ત્ર ભવન, હિન્દી ભવન, અને ટી. એન. રાઓ કોલેજ (રાજકોટ) ખાતે યોજવામાં આવેલ હતા જ્યાથી વિધ્યાર્થીઓ અને મનોવિજ્ઞાન ભવનને સારો પ્રતિભાવ મળ્યો હતો.
સ્વસ્થ મન થકી જ સ્વસ્થ માણસ બની શકે અને સ્વસ્થ માણસ થકી જ સ્વસ્થ સમાજ બની શકે. આવો આપણે સૌ આપણાં મનને પહેલા સ્વસ્થ રાખીએ સામાજિક જવાબદારી એના થકી ઘણી નિભાવી જશું.