G20 QUIZ COMPETITION

તારીખ 22/08/2023 ના રોજ વાણિજ્ય અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા યુનિવર્સિટી ના સેનેટ હોલ ખાતે ભવ્ય ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. ચાલુ વર્ષે જ્યારે ભારત G-20 રાષ્ટ્ર સમૂહ દેશોનું નેતૃત્વ કરી રહેલ છે ત્યારે આ બાબતે વિદ્યાર્થી માં જાગૃકતા વધે તે હેતુ થી એમ. કોમ સેમેસ્ટર 1 અને 3 ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો ગિરીશ ભીમાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને દેશના વિકાસકાર્યો માં ભાગીદાર બનવા માટે હાંકલ કરી હતી. કુલપતિ શ્રી એ વિશેષ માં જણાવ્યું હતું કે હાલ દુનિયામાં ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતાં આગામી ટૂંક સમયમાં ભારત દેશ વિશ્વગુરુ બની ઉભરી આવશે. આ પ્રસંગે યુનિવર્સિટી ના કુલસચિવ શ્રી હરીશ રૂપારેલિયા સાહેબે વિશેષ હાજરી આપી વિદ્યાર્થીઓ ને આ પ્રકારની સ્પર્ધાઓ કઈ રીતે તેમના જીવન ઘડતરમાં ઉપયોગી સાબિત થશે તે જાણવી વિદ્યાર્થી મિત્રો ને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે વાણિજ્ય ભવનના અધ્યક્ષ પ્રો. એસ જે પરમારએ સૌ મહેમાનો અને વિધાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરી વાણિજ્ય ભવનમાં આયોજીત થતાં કાર્યક્રમો વિશે માહિતી આપી હતી તેમજ સૌ વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી  શાબ્દિક પ્રોત્સાહન આપ્યું હતું. આ દરમિયાન ભવનના પ્રોફેસર શ્રી કૈલાશબેન ડામોર તેમજ પ્રોફેસર શ્રી અશ્વિનભાઈ સોલંકી એ માનનીય કુલપતિ અને માનનીય કુલસચિવ નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

 

G-20 રાષ્ટ્ર સમૂહ ક્વિઝ સ્પર્ધા અંતર્ગત એમ કોમ સેમેસ્ટર 1 અને 3 ના વિદ્યાર્થી ની ચાર ટીમ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, અને યુરોપ માં વિભાજિત કરી દરેક ટીમમાં 3 સ્પર્ધકો એમ કુલ 12 સ્પર્ધકો વચ્ચે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધકો ને અગાઉ વાણિજ્ય ભવન ખાતે G-20 રાષ્ટ્ર સમૂહ વિશે પરિક્ષા લઈ પસંદ કરવામાં આવેલ. સમગ્ર સ્પર્ધા કુલ ત્રણ વિભાગ માં વિભાજીત કરવામાં આવેલ જેમાં દરેક વિભાગમાં દરેક ટીમને ૦૮ પ્રશ્નો પૂછવામાં આવેલ. દરેક ટીમને સાચા જવાબ બદલ ૧૦ પોઇન્ટ અને જો જવાબ ન આવડે તો અન્ય ટીમને પ્રશ્ન પાસ કરવા માં આવેલ. જો કોઈ પણ ટીમ જવાબ ન આપી શકે તો પ્રેક્ષકોને પ્રશ્ર્ન પાસ કરવામાં આવેલ અને ઉત્તર મેળવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એમ કોમ સેમેસ્ટર 1 અને 3 ના 170 કરતાં વધુ વિદ્યાર્થીઓ એ હાજરી આપી કાર્યક્રમને માણ્યો હતો. સ્પર્ધાના અંતે ટીમ યુરોપ વિજેતા બનેલ જેના સ્પર્ધકો પરમાર સચિન, ચૌહાણ દ્રષ્ટિ અને ઘેડીયા તન્વી ને ઈનામ સ્વરૂપે ટ્રોફી એનાયત કરવામાં આવેલ.

 

સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન અને સંચાલન કાર્યક્રમના કો ઓર્ડીનેટર પ્રોફેસર ચિત્રલેખા ધાધલ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ ને અંતે પ્રોફેસર ચિત્રલેખા ધાધલ દ્વારા સૌ મહેમાનો, સ્ટાફ, અને વિદ્યાર્થી મિત્રો નો આભાર વ્યક્ત કરવામાં આવેલ.


Published by: Department of Commerce & Business Administration

22-08-2023