Fit India Movement (Fitness Fest)

                                                                      માત્ર ‘હેલ્થ’ નહીં, ‘ફિટનેસ’ માટે પ્રવૃત્ત થાઓ

          શારીરિક શિક્ષણ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા દર રવિવારે "ફીટનેશનો ડોઝ અડધો કલાક રોજ" ફીટનેશ ફેસ્ટ" નું આયોજન કરવામાં આવે છે, જેમાં દર રવિવારે ૨૦૦ થી વધુ લોકો જોડાય છે.

           સુખ, સંતોષ, આનંદ અને પ્રગતિમય જીવન જીવવા માટે તંદુરસ્તી જરૂરી છે. જીવન જીવવા માટે સૌથી વધુ આવશ્યક અને મહત્વપૂર્ણ સાધન શરીર છે. આથી જ શરીર નિરોગી હોય તે તો જરૂરી છે જ, પરંતુ તેની સાથે શરીર જીવનોપયોગી દરેક પ્રવૃત્તિઓ માટે ક્ષમતા ધરાવતું હોય તે પણ એટલું જ જરૂરી છે. આપને પ્રશ્ન થશે કે જો શરીર નિરોગી હોય તો દરેક કાર્યો કે પ્રવૃત્તિ કરવા માટે સક્ષમ પણ હોય જ ને ? આ વાતને થોડી ઊંડાણપૂર્વક સમજીએ તો જ આપણે ‘હેલ્થ’ અને ‘ફિટનેસ’ બન્ને વચ્ચેનો ફરક સમજી શકીશું.

                                                                                         

                                                                                         ફિટનેસ માટે જરૂરી બાબતો

 

  • સ્ફૂર્તિ – પ્રવૃત્તિ માટે આવશ્યક સ્ફૂર્તિ, ઝડપ, લય.
  • સંતુલન – કાર્ય દરમ્યાન જરૂરી બેલેન્સ.
  • સપ્રમાણતા – વજન અને શારીરિક ધાતુ જેવી કે માંસ, ચરબી, હાડકા, લોહી વગેરેની તાકાત અને પોષણ સાથે સપ્રમાણતા.
  • હ્રદય – રક્તસંચારણ ક્ષમતા – કાર્યપ્રવૃત્તિ દરમ્યાન શરીરને આવશ્યક લોહી અને ઓક્સિજનની જરૂરીયાત પૂરી પાડવા માટે હ્રદય, ફેફસા, લોહીની વાહિનીઓની કાર્યક્ષમતા જરૂરી.
  • તાલમેલ – વિવિધ અવયવોથી થતી પ્રવૃત્તિઓનો ક્રમ એક પછી એક થવો, તેની ગતિને વધુ-ઓછી કરી અને નિયંત્રિત પ્રવૃત્તિ કરવા માટે સ્નાયુઓ, સાંધાઓ, શ્વાચ્છોશ્વાસની ક્રિયા વગેરેમાં તાલમેલ જળવાવો જરૂરી.
  • સ્નાયુની ક્ષમતા – શારીરિક પ્રવૃત્તિ ચઢ-ઉતર, ઉઠ-બેસ કે પછી ઉભા રહેવા દરમ્યાન પણ શરીરનાં સ્નાયુઓની તાકાત જરૂરી હોય છે.
  • સ્નાયુનું બળ – વજન ઉંચકવા, ધક્કો મારવા જેવી ઘણીબધી પ્રવૃત્તિ માટે હાથ, પગ, પેટ, કમર, ગરદન જેવા અંગોનાં સ્નાયુઓમાં બળ જરૂરી.
  • લચીલાપણું – પ્રવૃત્તિ માટે જરૂરી કાર્ય કરી અટકી જવું, અમુક દિશાનામાં પ્રવૃત્ત થવું, પગનાં પંજા પર ઉંચા થવું કે પછી શરીર થોડું સ્ટ્રેચ કરીને કાર્ય કરવું જેવી અનેક નાની-મોટી પ્રવૃત્તિ કરવા માટે શરીર લચીલું – ફ્લેક્સિબલ હોવું જરૂરી છે.
  • પ્રતિક્રિયા – કોઇપણ સંજોગોમાં શારીરિક-માનસિક ક્રિયાઓ, બહારનાં વાતાવરણથી જરૂરી અનુકૂલન હોય કે સમજવા-સંવેદવાની ક્રિયા હોય શરીર-મનનાં અવયવો અને જ્ઞાનેન્દ્રિય-કર્મેન્દ્રિયનાં તાલમેલથી યોગ્ય સમયે પ્રતિક્રિયા થવી જરૂરી.

 

            અહીં જે પણ આવશ્યક બાબતો જણાવી છે તે કોઈ વિશિષ્ટ કે મોટા ગજાના કામ માટે જરૂરી છે તેવું નથી. પહેરવેશનું નાડુ બાંધવા, વોશબેસિનમાં બ્રશ કરી કોગળા કરવા, શાક કાપી વઘારવા, કુકર ગેસ પરથી ઉતારવા, પાણી ભરેલું માટલું સાફ કરવા જેવી નાની-મોટી રોજબરોજની પ્રવૃત્તિઓ માટે પણ આ બધી જ શારીરિક ક્ષમતા-પ્રતિક્રિયાની સતેજતા જીવનમાં સરળતા-સક્રિયતા લાવે છે.

        

                                                     ફિટનેસ માટે શું કરવું ?

 

  • રોગ મટાડવા જેટલી ચીવટ રાખીએ છીએ તેટલી જ ચીવટ શરીરની સક્ષમતા વધારવા રોજબરોજનાં જીવનમાં રાખવી.
  • વજનની સપ્રમાણતા માટે ડાયેટિંગ નહીં, રાઈટ ઈટીંગ કરો.
  • પાતળા થાઓ – દુબળા (દુર્બલ) નહીં.
  • વોકિંગ, સ્વીમીંગ, સાયકલિંગ, વેઈટલિફ્ટિંગ, વેઈટટ્રેઈનીંગ, બેડમિન્ટન, સ્ક્વોશ, ટેનિસ, ટેબલટેનિસ, ભારતીય શાસ્ત્રીય નૃત્ય, વેસ્ટર્ન ડાન્સ જેવી ઘણી શારીરિક પ્રવૃત્તિઓ છે જેમાંથી મનગમતી તથા શરીરની ક્ષમતા વધારે તે મુજબની તાલીમ લઈ પ્રવૃત્તિઓ કરવી.
  • યોગાસનમાં થતું સ્ટ્રેચિંગ, શ્વાસનું નિયમન, શરીરનું સંતુલન, શક્તિનો વપરાશ સાથે મનની એકાગ્રતા જો આ બાબતો વિશે સમજ કેળવી, યોગ્ય માર્ગદર્શન લઈ નિયમિત યોગ કરવામાં આવે તો ફિટનેસ માટે આવશ્યક ઘણી બાબતો કેળવી શકાય.

 


Published by: Physical Education Section

27-12-2020