‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન’’ અને પ્લોગીંગ રન

‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન’’ અને પ્લોગીંગ રન યોજાઈ

********************************************

“સ્વચ્છતા અને તેની જાળવણીમાં તમામ લોકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ”

-સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા

********************************************

"સ્વચ્છતા અભિયાન" થકી લોકોમાં સફાઈ અંગે જનજાગૃતિ કેળવાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ

-ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ

 

રાજકોટ, તા. ૨ ઓકટોબર –  નહેરૂ યુવા કેન્દ્ર-રાજકોટ, કેન્દ્રીય રમત-ગમત અને યુવા પ્રવૃતિઓના વિભાગ, તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન’’ અને ‘‘પ્લોગિંગ રન’’ નું ફ્લેગ ઓફ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલે કરાવ્યું હતું.

       આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે, દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં ૩૧ ઓક્ટોબર સુધી "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા અને તેની જાળવણીમાં સૌ કોઈએ  પોતાનું યોગદાન અચૂક આપવું જ જોઈએ. આ સાથે તેઓએ તમામ નાગરીકોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

          આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશની આઝાદીને ૭૫ વર્ષ થયા પછી પણ ગાંધીજીના વિચારો  શાશ્ર્વત રહી શક્યા છે અને રહેશે. ગાધીજીના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કરવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી બાળકોથી લઈને વડીલોમાં સફાઈ અંગે જનજાગૃતિ કેળવાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

      આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ તથા કુલપતિશ્રી વિજયભાઈ દેશાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

      ‘‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન’’  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઇન બિલ્ડીંગ ખાતેથી શરૂ થઈને મુંજકા સર્કલ, આકાશવાણી સર્કલપ્રમુખધામ રોડ, કાલાવડ રોડ, યુનિ.રોડ થઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંપન્ન થઇ હતી.. રોજિંદા જીવનમાં શારીરિક ચુસ્તી પ્રત્યે જાગૃતિ કેળવાય અને મેદસ્વિતા-આળસુપણું-તનાવ-ચિંતા-અન્ય રોગો વગેરેથી છુટકારો મળે તેવા શુભાશયથી આ દોડનું આયોજન કરાયું હતું. જ્યારે ‘‘પ્લોગિંગ રન’’નો ઉદેશ્ય જોગીંગ કે રનીંગના રૂટ પરનો  કચરો ઉપાડીને થેલીમાં ભરી લેવાનો હતો, જેથી સ્વચ્છતા જળવાઈ રહે. ઉપરોક્ત બંને રનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા તેની સંલગ્ન કોલેજના ૩૮૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

          આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નહેરૂ યુવા કેન્દ્રના  ડીસ્ટ્રીકટ યુથ ઓફિસરશ્રી સચિન પાલ, પ્રાંત અધિકારીશ્રી સિધ્ધાર્થ ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મરાજસિંહ વાધેલા, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી જાડેજા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા એન. એસ.એસ. તથા એનસીસીના વિદ્યાર્થીઓ અને તેમના અધિકારીઓ તથા શારીરિક શિક્ષણ નિયામક જતીન સોની અને પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર એન.એસ.એસ ના ડૉ. એન કે. ડોબરીયા સાહેબએ સમગ્ર આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

 

 


Published by: Physical Education Section

02-10-2021