કોટડાસાંગાણી ખાતે આંતર કોલેજ ૧૦કિ.મી.ની ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઇ વિજેતા ખેલાડીઓને ઇનામો આપી સન્માનિત કરાયા
આજ રોજ અહીં કોટડાસાંગાણી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓની સ્પર્ધામાં જસાણી કોલેજનો વિદ્યાર્થી અને બહેનોની સ્પર્ધામાં વીરબાઈમા મહિલા કોલેજની વિદ્યાર્થિની ચેમ્પિયન જાહેર થઇ હતી. સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજોની | ૧૦ કિ.મી. ક્રોસ કન્ટ્રી દોડનું આયોજન કોટડાસાંગાણીની ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજનાં વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં કોટડાસાંગાણીથી ભાડવા તરફ ૧૦ કિ.મી.ની ભાઈઓની સ્પર્ધામાં જયેશ ધીરૂભાઈ સરવૈયા (જસાણી કોલેજ), મનસુખ બીજલભાઇ મકવાણા અને સંજય હિંમતભાઈ કટારિયા (ધર્મેન્દ્રસિંહજી કોલેજ) અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાને વિજેતા થયા હતા. જ્યારે બહેનોની સ્પર્ધામાં અનુક્રમે હેલી મનોજભાઈ કોશિયા (વીરબાઈમા મહિલા કોલેજ), રસીલાબેન વિનુભાઇ બેરાની (કુંડલીયા કોલેજ) અને રીના ભરતભાઈ બારૈયા (વીરબાઈમાં મહિલા કોલેજ રાજકોટ) પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા જાહેર થયા હતા. જ્યારે ભાઈઓની જનરલ ચેમ્પિયનશિપમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રાજકોટનું એસપી જૈન કોલેજ ધ્રાંગધ્રા અને કુંડલીયા કોલેજ રાજકોટ પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાને તેમજ બહેનોની સ્પર્ધામાં વીરબાઇમા મહિલા કોલેજ, કુંડલીયા કોલેજ અને સદગુરૂ રણછોડદાસજી મહિલા કોલેજ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને ચેમ્પિયન થઇ હતી.ભાઈઓની સ્પર્ધામાં ૧૯ કોલેજના ૬૧ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધામાં ૧૮ કોલેજનાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.