પ્રથમ : બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમ ઉદ્ઘાટન સમારોહ, તા.૦૩/૦૮/૨૦૨૨
પ્રમાણપત્રીય અભ્યાસક્રમ ઉદ્ઘાટન સમારોહ- ૨૦૨૨-૨૩
તારીખ : ૦૩/૦૮/૨૦૨૨
સમય : ૧૧-૩૦ થી
સ્થાન : બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, બિલ્ડીંગ નં.૯, બીજો માળ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,રાજકોટ-૦૫
સમારોહના અધ્યક્ષ અને ઉદ્દઘાટક : પ્રો. ગિરીશભાઈ ભીમાણી સાહેબ, માનનીય કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
મુખ્ય અતિથિ વિશેષ પ: પ્રો. બલવંતભાઈ જાની, કુલાધિપતિશ્રી, હરિસિંહગોર સેન્ટ્રલ યુનિ.સાગર (M.P)
નિમંત્રક : શ્રી અમિતભાઈ પારેખ, કુલસચિવશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
ચેરમેન : પ્રો. (ડૉ.) રાજા એન. કાથડ
સંશોધન અધિકારી : ડૉ. આર.બી.સોલંકી
- “ડૉ.આંબેડકરજીનું રાષ્ટ્રદર્શન 'નેશન ફર્સ્ટ' છે અને આ કારણે જ આજે સમગ્ર રાષ્ટ્રના હૃદયમાં ડૉ. આંબેડકરજી જીવંત છે.” – પ્રો. ગિરીશભાઈ ભીમાણી, કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
- “રાષ્ટ્રભાષા ભારતીય કુળની જ હોવી જોઈએ અને તે હિન્દી છે, આ વિચાર ડૉ. આંબેડકરજીએ આપ્યો હતો.” – પ્રો. બલવંતભાઈ જાની, કુલાધિપતિશ્રી, હરિસિંહગોર સેન્ટ્રલ યુનિ.સાગર (M.P)
ગુજરાત સરકારશ્રી દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબાસાહેબ ડૉ.બી.આર. આંબેડકર ચેર-સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડૉ. આંબેડકરજીના પરિનિર્વાણ દિવસ- ૬ ડિસેમ્બર-૨૦૧૬થી કાર્યરત છે. ચેર-સેન્ટર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેવા કે. રાજયકક્ષાની ત્રિસ્તરીય નિબંધ લેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ડૉ.આંબેડકરજી પર સંશોધન કરતા LLM/PG/Ph.D. સંશોધકોને સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ, વિદ્વાન અધ્યાપકો અને સંશોધકોને સંશોધન એવોર્ડ વિદ્વાન લેખકોને પુસ્તક પ્રકાશન સહાય, રાષ્ટ્રિય કક્ષાના સેમિનારો, ડૉ. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી, એપ્રિલ માસ દરમ્યાન પ્રતિદિન ઓનલાઈન ‘ભીમજીવન ગાથા રસામૃત'ની પ્રસ્તુતિ. વર્ષ દરમ્યાન વિશેષ દિન ઉજવણી, વિશાળ લાઈબ્રેરી વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તથા ડૉ. આંબેડકરના ચિંતન-દર્શનથી લોકો અવગત થાય તથા ભારતીય સંવિધાનમાં નાગરીકોની રાષ્ટ્ર પ્રત્યેની કઈ-કઈ ફરજો છે અને તેમને કેવા પ્રકારના અધિકારો પ્રાપ્ત છે. તેનાથી વિદ્યાર્થીઓ અવગત થાય અને વિદ્યાર્થી રાષ્ટ્રના નિર્માણના ઉત્તમ ઘડવૈયા બને તે માટે છ મહિનાના બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
(૧) ડૉ. આંબેડકરજીનું જીવન અને દર્શન,
(૨) ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો.
આ બન્ને અભ્યાસક્રમમાં કેમ્પસ સ્થિત વિવિધ ભવનના વિદ્યાર્થીઓ તથા નગરના અન્ય વિદ્યાર્થીઓ જોડાયા છે. બન્ને વર્ગમાં ૩૦-૩૦ વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ના મેરીટ આધારિત પ્રવેશ આપવામાં આવ્યો છે. આ પ્રમાણપત્રીય અભ્યાસક્રમો એક સવારના ૧૧ થી ૧૨ અને બીજો અભ્યાસક્રમ સાંજના ૫ થી ૬માં અભ્યાસ કરાવવામાં આવશે. કુલ ૭૨ કલાકનું રશૈક્ષણિક કાર્ય થશે. સત્રાંતે ૧૦૦ ગુણની પરીક્ષા લેવામાં આવશે અને ૩૬ ગુણ મેળવનાર વિદ્યાર્થી ઉમેદ્વારોને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કોર્સમાં ૮૦% હાજરી ફરજીયાત છે.
આ પ્રમાણપત્રીય અભ્યાસક્રમનો પ્રારંભ કરાવતા કુલપતિશ્રીએ જણાવ્યું કે, આ અભ્યાસક્રમની ટોકન ફી બહેનો માટે રૂા.૧૦૦/- અને માટે રૂા. ૨૦૦/- એ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવી નહીં, આ ખર્ચ-સેન્ટર અથવા યુનિવર્સિટી ભોગવશે. કુલપતિશ્રીએ તેમના વકતવ્યમાં જણાવ્યું કે ડૉ. બી.આર. આંબેડકરજી ‘નેશન ફર્સ્ટ'ની વિચારધારા ધરાવનાર છે આ રીતે આંબેડકરજી રાષ્ટ્રનેતા છે અને આ આંબેડકરજી તેમના વિચાર અને કાર્યથી સમગ્ર રાષ્ટ્રના હૃદયમાં જીવંત છે. કુલપતિશ્રીએ ચેર-સેન્ટરની કામગીરી અને કાર્યોને બિરદાવીને અભિનંદન આપ્યાં.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સેન્ટ્રલ યુનિવર્સિટી, સાગર (મધ્યપ્રદેશ)ના કુલાધિપતિશ્રી પ્રો. બલવંતભાઈ જાની સાહેબે તેમના વકતવ્યમાં જણાવ્યું કે બાબાસાહેબના જીવન, ચિંતન અને દર્શન માટે તલસ્પર્શી કાર્ય થવું જોઈએ તેમજ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રીતિ કેવી હતી તે ચેર-સેન્ટર ઉજાગર કરે છે અને કરતી રહેશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે હિન્દી એ રાષ્ટ્રભાષા હોવી જોઈએ કારણ કે ભારતીય મૂળની ભાષા છે. આ વિચાર ડૉ.આંબેડકરનો છે. આ કાર્યક્રમાં હિન્દી ભવનના અધ્યક્ષશ્રી, પ્રો. બી.કે.કલાસવા સાહેબ, અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષશ્રી, પ્રો. નવીનભાઈ શાહ સાહેબ, ડૉ. સંજયભાઈ પંડયા સાહેબ તથા ડૉ. અમરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આભાર વિધિ કરતા સંસ્કૃત ભવનના અધ્યક્ષશ્રી પ્રો. મનસુખભાઈ મોલિયા સાહેબે જણાવ્યું કે, ડૉ. આંબેડકરનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો વિચાર છે કે, “સંસ્કૃત ભાષા મહાકાવ્યનો ખજાનો છે, ન્યાય, રાજનીતિનું પારણું છે અને વિવેચનનું ઘર છે.” કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું.
કાર્યક્રમ સફળ બનાવવામાં ચેરના ચેરમેન, પ્રો. આર.એન. કાથડ માર્ગદર્શનમાં ચેર-સેન્ટરના અધ્યાપકો ડૉ.આર.બી. સોલંકી અને ડૉ. કાંતિલાલ જી. કાથડ તથા ડૉ.મૂકેશ ચૌહાણ, મિલન વઘેરા તેમજ રમીલાબહેન જી. વાઢેર અર્થશાસ્ત્ર ભવનના પ્રકાશભાઈ મહેતા, સંશોધક ફેલો. પુનીતભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમાં વિવિધ ભવનના વિદ્યાર્થીઓ તથા પ્રવેશ મેળવેલા ૬૦ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. આર.બી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.