Survey on Opinion of Reopening School and colleges by Taufik Jadav & Dr. Dimpal Ramani, department of psychology

શાળા – કોલેજો બંધ અંગેના વાલીઓના મંતવ્યો

ડો. ડિમ્પલ રામાણી અને પીએચ. ડી. વિદ્યાર્થી તૌફિક જાદવ

 

2020 માર્ચથી શાળા કોલેજો બંધ છે અને બધા જ વિદ્યાર્થીઓ ઘરે છે ત્યારે તેની શૈક્ષણીક બાબતો પર ગહન અસર પડી છે.

હાલની પરિસ્થિતી ખૂબ કથળી રહી છે ત્યારે શિક્ષણ પર ખૂબ નિષેધક અસર થતી જોવા મળે છે. શાળા- કોલેજો બંધ હોવાથી બે થી ત્રણ  વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. અત્યારે શાળા- કોલેજો બંધ હોવાથી ભણતા છોકરાઓ પર કેવા પ્રકારની અસર થાય છે અને વર્તમાન પરિસ્થિતિને કારણે શાળા કોલેજો બંધ હોવાથી માતા-પિતાની તેમના સંતાનો પ્રત્યેની ચિંતા અને સંતાનોમાં જોવા મળતા મનોવૈજ્ઞાનિક લક્ષણો પ્રત્યે  માતા-પિતાના મંતવ્યો વિષય પર મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ડિમ્પલ રામાણી અને પીએચ. ડી. વિદ્યાર્થી તૌફિક જાદવ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. 633  વાલીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર શાળા- કોલેજોમાં શિક્ષણ બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને  મુશ્કેલી અનુભવી રહ્યા છે. મોટા ભાગના વાલીઓનું એવું માનવું છે કે શાળા-કોલેજો હવે સત્વરે ખૂલી જવી જોઈએ. સર્વેના પરિણામો આ મુજબ છે.    

1. તમને એવું લાગે છે કે શાળા - કોલેજો ખોલવા માટે પરિસ્થિતી હજુ વધુ સામાન્ય બને તેની રાહ જોવી જોઈએ?

70.20 % વાલીઓ હવે વધુ રાહ જોવા માટે તૈયાર નથી જ્યારે 29.80 % વાલીઓ પરિસ્થિતિ સામાન્ય બને તેની રાહ જોવા માંગે છે.

 

2. માર્ચ 2020 થી તમારા સંતાનો ઘરે છે તો તેના વર્તનમાં કોઈ મૂડ પરિવર્તન જોવા મળે છે?

88% વાલીઓએ જણાવ્યુ કે હા, વર્તનમાં મૂડ પરિવર્તન જોવા મળે છે જ્યારે 12 % વાલીઓ ના કહે છે કે આવું કોઈ પરીવર્તન જોવા મળ્યું નથી.

 

3.શાળા -કોલેજોમાં ન જવાથી અને મિત્રોને ન મળવાથી તમારા સંતાનો એકલાપણું અનુભવે છે?

74.4 % વાલીઓ જણાવે છે કે હા,એકલતાનો ભાવ અનુભવે છે કારણકે  અમારા સંતાનો અમને જે વાત નથી કરી શકતા તે શિક્ષકો કે મિત્રોને કહે છે, જ્યારે 25.6% વાલીઓના સંતાનો એકલતા અનુભવતા નથી.

4.તમારા સંતાનો શાળા - કોલેજે નથી જતાં એટલે તેઓ ઘરે જ રહે છે ?

69.9 % વાલીઓ જણાવે છે કે હા અમારા સંતાનો ઘરે રહે છે પણ ખૂબ કંટાળી ગયા છે અને 30.1 % વાલીઓ ના જણાવે છે અને કહે છે કે અમારા સંતાનો ઘરે રહેતા નથી તો શાળા – કોલેજો ખોલો જેથી ત્યાં રહીને ભણશે એની અમને શાંતિ થશે.

 

5.શાળા- કોલેજે ન જવાના કારણે આપનું સંતાન આશાહીન બની ગયું હોય તેમ લાગે છે

80% વાલીઓ હા જણાવે છે જ્યારે 20 % વાલીઓ ના કહે છે.

 

6.આપના સંતાનો શિક્ષણ સંદર્ભમાં આંતરિક સંઘર્ષ અનુભવી રહ્યા હોય તેવું લાગે છે?

75.9% વાલીઓ હા કહે છે અને 24.1% વાલીઓ ના કહે છે.

 

7.શાળા - કોલેજે ન જવાથી તમારા સંતાનો હતાશા કે ખિન્નતા અનુભવે છે

79 % વાલીઓ જણાવે છે કે હા, અમારા સંતાનો હતાશા કે ખિન્નતા અનુભવે છે જ્યારે 21 % વાલીઓ ના કહે છે.

 

8. પ્રત્યક્ષ શિક્ષણ ન મળતા આપના સંતાનોમાં ચિડિયાપણું અને તણાવ જોવા મળે છે?

73.7% વાલીઓએ એવું જણાવ્યુ હતું કે અમારા સંતાનોને પ્રત્યક્ષ શિક્ષણ ન મળતા તેઓમાં ચીડિયાપણું અને તણાવ જોવા મળે છે, જ્યારે 26.3% વાલીઓએ જણાવ્યુ કે પ્રત્યક્ષ શિક્ષણ  ન મળતા ચીડિયાપણું અને તણાવ જેવા લક્ષણો જોવા મળ્યા નહીં.

 

9. ઘણા સમય સુધી શાળા -કોલેજો બંધ રહેવાથી હવે ફરી શાળા કોલેજે જવામાં તમારા સંતાનો મુશ્કેલી અનુભવશે

65.4 % વાલીઓ એવું જણાવે છે કે ધણાસમયથી શાળા કોલેજો બંધ રહેવાથી ફરી શાળા કોલેજ જવામાં સંતાનો મુશ્કેલી અનુભવશે જ્યારે 34.6 % વાલીઓના મત મુજબ શાળા કોલેજો ફરી શરૂ થતાં તેમના સંતાનો કોઈ પ્રકારની મુશ્કેલી અનુભવશે નહીં. 

 

10. શાળા - કોલેજે જઈ ન શકવાથી તમારા સંતાનો નિષ્ફળતાનો ભાવ અનુભવે છે ?

57.9 % વાલીઓના સંતાનો શાળા કોલેજે જઇ ના શકવાને કારણે નિષ્ફળતાનો ભાવ અનુભવે છે, જ્યારે 42.1 % વાલીઓના સંતાનો આ પ્રકારની નિષ્ફળતાનો ભાવ અનુભવતા નથી.

 

 

11. આપના સંતાનો ઘણા સમયથી ઘરે છે તો ક્યારેક ખુશ, ક્યારેક ઉદાસ અને ક્યારેક આક્રમક બની જાય છે?

 81.2 %  વાલીઓના સંતાનો ઘરે રહેવાથી ક્યારેક ખુશ, ક્યારેક ઉદાસ અને ક્યારેક આક્રમક બની જતાં હતા અને 18.8 % સંતાનોમાં ઘરે રહેવાથી ક્યારેક ખુશ, ઉદાસ અને આક્રમક બનતા ન હતા.

 

12. શાળા -કોલેજો ખૂલી હતી ત્યારનું વર્તન અને હાલના વર્તનમાં કોઈ તફાવત જોવા મળે છે?

81.2 % વાલીઓના જણાવ્યા મુજબ તેમના સંતાનોમાં શાળા કોલેજો ખૂલી હતી ત્યારના વર્તન અને હાલના વર્તનમાં તફાવત જોવા મળ્યો હતા જ્યારે 18.8 % સંતાનોના વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ના હતો.

 

13. શું તમારા સંતાનોની સર્જનાત્મક પ્રવૃતિ પર કોઈ નિષેધક અસર થતી જોવા મળે છે?

63.20% વાલીઓ મુજબ તેના સંતાનોની સર્જનાત્મક પ્રવૃતિ પર શાળા કોલેજ બંધ હોવાથી નિષેધક અસર થઈ છે જ્યારે 36.8 % વાલીઓ મુજબ શાળા કોલેજ બંધ હોવાથી સર્જનાત્મકતા પર કોઈ અસર થતી જોવા મળી નથી.

 

14. શાળા -કોલેજ બંધ હોવાના કારણે તમારા સંતાનો કોઈ નિષેધક પ્રવૃતિઓ થકી પોતાનો જીવ જોખમમાં મુકાય તેવું કરી રહ્યા હોય તેવું લાગે છે?

33.1 % વાલીઓને લાગી રહ્યું છે કે શાળા કોલેજ બંધ હોવાના કારણે તેમના સંતાનો કોઈ નિષેધક પ્રવૃતિ થકી પોતાનો જીવ જોખમમાં મુકાય તેવી પ્રવૃતિ કરી રહયા છે, જ્યારે 66.9 % વાલીઓને લાગી રહ્યું નથી કે શાળા કોલેજ બંધ હોવાના કારણે તેમના સંતાનો કોઈ નિષેધક પ્રવૃતિ થકી પોતાનો જીવ જોખમમાં મુકાય તેવી પ્રવૃતિ કરી રહ્યા હોય. 

 

15.  વર્ગખંડમાં શિક્ષણ ન મળી શકવાથી તમારા સંતાનો ગુણ / માર્કસ બાબતે નિષ્ફળતાનો ભય અનુભવે છે?

74.4 % વાલીઓ જણાવે છે કે વર્ગખંડમાં શિક્ષણ ના મળી શકવાથી તેમના સંતાનો ગુણ/ માર્કસ બાબતે નિષ્ફળતાનો ભય અનુભવે છે જ્યારે 25.6 % વાલીઓ પ્રમાણે વર્ગખંડ શિક્ષણ ના મળી શકવાથી તેમના સંતાનો ગુણ/ માર્કસ બાબતે નિષ્ફળતાનો ભય અનુભવી રહ્યા નથી.

 

 

 

માતા-પિતાના વિશેષ સૂચનો :

 

- વહેલા શાળા- કોલેજ ખૂલે તેવી આશા.

- જો શાળા – કોલેજ ખૂલી શકે, ચુંટણી કરી શકાય, બધુ જ ખુલ્લુ હોય તો શાળા-કોલેજ કેમ નહીં?

- શાળા-કોલેજ ચાલુ થવી જરૂરી છે.

- શક્ય હોય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સના નિયમ મુજબ શાળા કોલેજ ખોલી નાખવી જોઈએ.

- વર્તમાન પરિસ્થિતી જોતાં નાના બાળકો માટે બંધ પરંતુ ધો.10-12 ના વર્ગો, કોલેજો શરૂ કરવી દેવા જોઈએ, ઓનલાઈન શિક્ષણમાં છોકરાઓ શિક્ષણ મેળવતા જ નથી.

- ક્લાસરુમમા છોકરાઓ ભણે તો તેની સમસ્યાનું સમાધાન થાય, ઓનલાઈન શિક્ષણમાં બાળકોને તેની સમસ્યાઓ ઉકેલવામાં મુશ્કેલી પડે છે.

- શાળા ખોલી નાખવી જોઈએ કારણ કે આ પરિસ્થિતિનો સામનો મજબૂત થઈને કરવો પડશે મજબૂર થઈને નહીં.

-ઘરે અમારા છોકરાઓ કંટાળી ગયા છે, હવે તો લોકો શિક્ષકોને પણ વિડીયો કોલ કરીને વાત કરવા લાગ્યા કે શાળા- કોલેજો ખોલવો નહિતર અમે સતત ઘરે રહીને ગૂંગળાઇને મરી જાશું.

- અમારા છોકરાઓ બહાર જાય છે મિત્રોને મળે છે તો શાળા કોલેજે કેમ નહીં

- અમારા છોકરાઓને આંખોની સમસ્યા ખૂબ વધી ગઈ છે જો ઓનલાઈન ભણવાની ના પાડીએ તો છોકરાઓ અકારણ ચિંતા કરવા લાગે છે, ટેન્શનમાં આવી જાય છે.

- વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા કોલેજો ખોલી નાખવી જોઈએ ઘણા છોકરાઓ એક્ટિવ હતા તે હવે આળસુ બનતા જાય છે. જેને કારણે સર્જનાત્મક શક્તિ ખોળવાતી જતી હોય તેમ લાગે છે.

-એક વર્ષ તો અમારા છોકરાઓનું ભવિષ્ય બગડયું હવે વધારે ન બગડે તે પહેલા શાળા કોલેજો શરૂ કરી દેવી જોઈએ

- જો શાળા કોલેજો ખોલાવી નથી તો પરીક્ષા અને ફી શા માટે લો છો.

- જે શિક્ષણ વર્ગખંડમાં પ્રાપ્ત થાય છે તે ઓનલાઈન શીખતા નથી માત્ર ટેકનિકલ જ્ઞાન મેળવી શકે.

 

     

 

હાલ શાળા કોલેજો બંધ છે ત્યારે દરેક માતા પિતાએ પોતાના સંતાનો સાથે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ? ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો :

-  તમારા સંતાનો સાથે હંમેશા એક મિત્રતાની ભાવના કેળવીને વાતચીત કરો જેથી એક શિક્ષક સાથે જેટલી સરળતાથી તે વાત કરતો હશે તેટલી સરળતાથી તમારી સાથે ખૂલીને વાતચિત કરી શકે.

-  વાલીએ બાળકની ક્ષમતાને અનુકૂળ વર્તન કરવું જોઈએ. જેમાં કોઈ જબરજસ્તી ન હોવી જોઈએ.

-  સંતાનમાં આત્મવિશ્વાસ દ્રઢ બને તેવા પ્રયાસો કરવા.

-  તેના મિત્રો સાથે ટેલીફોનીક વાતચીત કરો.

-  તેની દરેક બાબતો પર ધ્યાન આપો.

- તમારા પોતાના અંગત જીવનમાથી સમય કાઢી તમારા સંતાન માટે સમય ફાળવો અને તેની  સાથે વાતચીત કરો અને જરૂરિયાત અનુસાર જરૂરિયાત પૂરી કરો.

-  સંતાનની સરખામણી અન્ય સાથે ન કરો.

-  સંતાનોને અભ્યાસ અને અન્ય બાબતે સંતુલન કરતા શીખવો.

-  તમારા સંતાનોને  હંમેશા આગળ વધવા  પ્રોત્સાહિત કરો.

-  સકારાત્મકતા વિક્સે તે બાબતે   પ્રયાસો કરવા.

 

 

 


Department: Department of Psychology

24-12-2020